Qwen3.8 Max એન્થ્રોપિકના એઆઈ મોડલ ફેબલ-૫ને ટક્કર આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચીની ટેક જાયન્ટ અલીબાબાનો દાવો
વર્લ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સમાં જાહેરાત બાદ કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો
બેઈજિંગ : ચીનની ટેકનોલોજી કંપની અલીબાબાએ પોતાનું અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ આટફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ Qwen3.8 Max રજૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડલ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વના ટોપ એઆઈ મોડલ્સમાં સ્થાન ધરાવે છે. તે હાલમાં એન્થ્રોપિકના ફેબલ-૫ પછી બીજા નંબરે આવે છે.
અલીબાબાના જણાવ્યા મુજબ, Qwen3.8 Max માં ૨.૪ ટ્રિલિયન પેરામીટર્સ છે, જે તેને અત્યાર સુધીના સૌથી મોટા અને શક્તિશાળી એઆઈ મોડલ્સમાં સામેલ કરે છે. આ મોડલ ટેક્સ્ટ ઉપરાંત ફોટોઝ, વીડિયોઝ અને ડોક્યુમેન્ટ્સને સમજી અને તેના આધારે જવાબ આપી શકે છે. તેને કંપની ટૂંક સમયમાં ઓપન-વેઇટ સ્વરૂપે રજૂ કરશે. જેથી ડેવલપર્સ તેને પોતાના ઉપયોગ મુજબ કસ્ટમાઇઝ કરી શકશે.
આ જાહેરાત શાંઘાઈમાં યોજાયેલા વર્લ્ડ આટફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલાં જ ચીનની એઆઈ કંપની મૂનશોટ એઆઈએ Kimi K3 નામનું ૨.૮ ટ્રિલિયન પેરામીટર્સ ધરાવતું મોડલ રજૂ કર્યું હતું. નવી જાહેરાત બાદ હાંગકોંગ શેરબજારમાં અલીબાબાના શેરમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.




