ક્વેન્ટસના વિમાને નોનસ્ટોપ 24 કલાકથી વધુ ઉડીને ઇતિહાસ સર્જ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિક્રમજનક પ્રવાસે દાયકા જૂના પ્રોજેક્ટ સનરાઇઝમાં પ્રાણ ફૂંક્યા
- અગાઉ 2005માં હોંગકોંગ-લંડન ટેસ્ટ ફ્લાઇટમાં બોઇંગે 22 કલાક અને 42 મિનિટનો રેકોર્ડ કર્યો હતો
સિડની : ક્વોન્ટસ એરલાઇનના ખાસ સુધારેલા એરબસ એ૩૫૦ના વર્ઝને ૨૪ કલાકથી પણ વધુ સમય હવામાં રહીને ફ્રાન્સના ટુલ હાઉસ ખાતે સફળતાપૂર્વક ઉતરીને ઇતિહાસ સર્જયો છે. આ વિક્રમજનક પ્રવાસે એરલાઇનના દાયકાથી ઠેલાતા રહેલા પ્રોજેક્ટ સનરાઇઝમાં પ્રાણ ફૂંક્યા છે. આ પ્રોજેક્ટનું ધ્યેય ઓસ્ટ્રેલિયાના પૂર્વકિનારાથી લંડન અને ન્યૂયોર્કની સીધી નોનસ્ટોપ ફલાઇટ પૂરી પાડવાનું છે.
આ વિમાન ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય મુજબ ૨૭ જુલાઈના રોજ સાંજના ૫-૨૭ વાગે ઉપડયુ હતુ અને ૨૪ કલાક અને ૨૩થી ૨૪ મિનિટનો પ્રવાસ ખેડીને ફ્રાન્સના ટુલહાઉસ એરપોર્ટ પર સવારે ૯-૫૨ વાગે ઉતર્યુ હતુ, એમ એરબસ અને ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાનું કહેવું છે. આ પ્લેને આ સમયગાળા દરમિયાન ૨૩,૦૭૫ કિલોમીટર (૧૪,૩૩૮ માઇલ્સ)નું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તેણે પેસિફિક ઓસન, અમેરિકા, કેનેડા અને એટલાન્ટિકને વટાવ્યા હતા
આ સાથે ફ્લાઇટે ૨૦૦૫માં હોંગકોંગ-લંડન ટેસ્ટ ફ્લાઇટમાં બોઇંગ ૭૭૭-૨૦૦ એલઆરે ૨૨ કલાક અને ૪૨ મિનિટનો કોમર્સિયલ ફ્લાઇટનો સ્થાપેલો અગાઉનો રેકોર્ડ પણ તોડયો હતો. આ એરક્રાફ્ટ એફ-ડબલ્યુયુએલઆર તરીકે રજિસ્ટર્ડ છે. આ ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી તે દરમિયાન તે હવામાં હતી ત્યારે ફ્લાઇટરડારા૨૪ પર ૧.૨૦ લાખ લોકોએ તેને લાઇવ ટ્રેક કરી હતી. આ ફ્લાઇટને સફળતા મળતા ઓસ્ટ્રેલિયાના પૂર્વકાંઠાથી યુરોપ અને અમેરિકા નોન સ્ટોપ ફ્લાઇટમાં ૨૪ કલાકમાં પહોંચી જવાશે.
ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે ફ્લાઇટ ટ્રેકિંગ ઇતિહાસની આ બીજા નંબરની સૌથી વધુ ટ્રેક થયેલી ફ્લાઇટ છે. લગભગ ૩૬ લાખથી વધુ લોકોએ તેની પ્રોગ્રેસ નીહાળી હતી. આ પહેલા ક્વીન એલિઝાબેથ-ટુનું કોફિન લઈ જતી ફ્લાઇટને જ સૌથી વધુ વ્યુઅર મળ્યા હતા. આ વિમાન એરબસ એ૩૫૦-૧૦૦૦ યુએલઆર (અલ્ટ્રા લોંગ રેન્જ) વધારાની ૨૦ લિટર ઇંધણની ટાંકી સાથે સજ્જ હતુ, જેથી તે અત્યંત લાંબા અંતરનો હવાઈ પ્રવાસ ખેડી શકે. એરબસ તેને બે મહિનાના સર્ટિફિકેશન કાર્યક્રમ હેઠળ જૂનથી આ વિમાનનું પરીક્ષણ કરી રહી છે.
તેના અઠવાડિયા અગાઉ આ જ ેએરક્રાફ્ટે ફ્રાન્સના ટુલહાઉસથી ઓસ્ટ્રેલિયાના મેલબર્નની વાયા ભારતીય સમુદ્રમાંથી થઈને ૧૯ કલાકથી વધુ સમયની ફ્લાઇટ ઓપરેટ કરી હતી. ક્વોન્ટસે તેના પ્રોજેક્ટ સનરાઇઝ માટે આવા ૧૨ એ૩૫૦-૧૦૦૦ યુએલઆરના ઓર્ડર આપ્યા છે. દરેક જેટમાં ૨૩૮ પેસેન્જર બેસી શકશે. તે સિડનીથી લંડન, ન્યૂયોર્ક ૧૯થી ૨૧ કલાક નોન સ્ટોપ ઉડી શકશે. તેને પહેલુ વિમાન એપ્રિલ ૨૦૨૭માં મળશે. તેના પગલે સિડનીથી લંડનની દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ ઓક્ટોબર ૨૦૨૭થી શરૂ થશે. હાલમાં વિશ્વની સૌથી લાંબી કોમર્સિયલ પેસેન્જર સર્વિસ સિંગાપોર એરલાઇન્સની સિંગાપોરથી ન્યૂયોર્કની નોનસ્ટોપ ફ્લાઇટ છે. તે ફક્ત ૧૮ કલાકમાં ૧૫,૩૫૦ કિ.મી.ને આવરી લે છે. તેમા પણ એરબસ એ૩૫૦ જ ઉપયોગમાં લેવાય છે.




