રશિયાની સંસદીય ચૂંટણીમાં પુતિનની પાર્ટી યુનાઇટેડ રશિયાનો દબદબો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રમુખ પુતિનની પાર્ટીને ડયુમાની ૪૫૦ બેઠકોમાંથી ૩૫૫ બેઠક મળી : વિપક્ષોએ અનેક આક્ષેપો કર્યા કહ્યું ઘણા ઉમેદવારો પર પ્રતિબંધ મૂકાયો : ચૂંટણી પ્રક્રિયામાં સખ્ત નિયંત્રણ
નવી દિલ્હી, મોસ્કો : રશિયાની ડયુમા (સંસદ)ની ચૂંટણીમાં પ્રમુખ પુતિનની સત્તારૂઢ યુનાઇટેડ રશિયા પાર્ટીએ તેની બહુમતી જાળવી રાખી છે. તેને ૪૫૦ બેઠકો પૈકી ૩૫૫ બેઠકો મળી છે. સહજ રીતે જ વિપક્ષોએ આક્ષેપો શરૂ કરી દીધા છે. તેમનું કહેવું છે કે આ ચૂંટણી પૂર્વે જ કેટલાયે વિપક્ષી ઉમેદવારો ઉપર ચૂંટણી લડવા ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઉપર પણ સખ્ત નિયંત્રણ મુકવામાં આવ્યું હતું.
આ ચૂંટણી પરિણામો અંગે કેન્દ્રીય ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે સંસદનાં નીચલા ગૃહ ડુમાની આ ચૂંટણી પછી ૯૫ ટકાથી વધુ મતદાન કેન્દ્રોની મતગણના પછી યુનાઇટેડ રશિયા પાર્ટીને આશરે ૫૮ ટકા મત મળ્યા છે.
રશિયાની ૪૫૦ સભ્યોની સ્ટેટ ડયુમામાં ૨૨૫ સાંસદોની ચૂંટણી પાર્ટીઓને મળેલા વોટના આધારે થાય છે, જ્યારે ૨૨૫ સીટો ઉપર સીધા ઉમેદવાર ચૂંટવામાં આવે છે.
આ સીધા ઉમેદવારોની ચૂંટણીમાં પણ યુનાઇટેડ રશિયા પાર્ટીનો દબદબો રહ્યો તેના ઉમેદવારો ૨૦૮ સીટો ઉપર આગળ રહ્યા.
રશિયાનાં કેન્દ્રીય ચૂંટણી આયોગનાં પ્રમુખ એલા પૈમફિલોધાએ કહ્યું કે પ્રાથમિક પરિણામો પ્રમાણે યુનાઇટેડ રશિયા પાર્ટીને ૪૫૦માંથી આશરે ૩૫૫ સીટો મળી શકે તેમ છે.
૨૦૨૨માં યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પછીની આ પહેલી જ સંસદીય ચૂંટણી છે. મતદાન રશિયાના કબ્જા નીચેનાં ચાર ક્ષેત્રોમાં પણ કરવામાં આવ્યું હતું. તેમજ ૨૦૧૪માં રશિયામાં ભેળવી દેવાયેલા યુક્રેનમાં પણ મતદાન કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રોમાં થયેલી ચૂંટણી (મતદાન)ને યુક્રેને તદ્દન ગેરકાયદે કહ્યું છે.
અન્ય પક્ષો યા બ્લોકો અને કોમ્યુનિસ્ટ પાર્ટીએ આક્ષેપો કર્યા હતાં કે તેના કેટલાએ પર્ચવેશકોને મતદાન કેન્દ્રોમાં પ્રવેશ પણ અપાયો ન હતો. તેઓ સરકારની નીતિઓનો વિરોધ કરે છે પરંતુ સીધી રીતે પ્રમુખ પુતિન ઉપર પ્રહારો કરતા નથી તે ઉલ્લેખનીય છે.




