Donald Trump on AI : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટર આગામી દાયકાઓમાં વિશ્વની સૌથી મોટી આર્થિક ક્રાંતિ સર્જી શકે છે. આ ટેકનોલોજીથી ઊભી થનારી સંપત્તિનો લાભ માત્ર પ્રાઈવેટ કંપનીઓ સુધી સીમિત ન રહે અને અમેરિકાના નાગરિકોને પણ મળે તેવા વિચારને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપતાં નવી ચર્ચા શરૂ થઈ છે. રસપ્રદ વાત એ છે કે, એકબીજાના વિરોધી મનાતા ડોનાલ્ડ ટ્રમ્પ, ડેમોક્રેટિક પાર્ટીના નેતા બર્ની સેન્ડર્સ અને ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન આ મુદ્દે એક જ દિશામાં વિચારી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સેનેટર બર્ની સેન્ડર્સે તાજેતરમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં, ઓપનએઆઈ જેવી મોટી કંપનીઓમાં જનતાને 50 ટકા માલિકી હિસ્સો આપવાની વાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ બાદ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને સેન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. આશરે એક કલાક ચાલેલી બેઠક બાદ ઓલ્ટમેને કહ્યું કે, તેઓ એઆઈ કંપનીઓમાં જનતાની ભાગીદારીના વિચારના સમર્થક છે. જોકે સેન્ડર્સના 50 ટકા માલિકી સૂચનથી તેઓ અસહમત છે.
આ ચર્ચા વચ્ચે ટ્રમ્પે પણ સમાન પ્રકારના સંકેત આપ્યા હતા. એર ફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમની ટીમ એવી સંભાવનાનો અભ્યાસ કરી રહી છે, જેમાં અમેરિકન જનતાને ટોપ એઆઈ કંપનીઓમાં હિસ્સો મળી શકે. એઆઈ સેક્ટર એટલો મોટો બનવાનો છે કે તેમાં જનતાની ભાગીદારી અંગે વિચાર કરવો યોગ્ય રહેશે. આ રીતે અમેરિકન નાગરિકો કંપનીઓના ભાગીદાર બની શકશે.
અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી એઆઈ કંપનીઓ વચ્ચે આ મુદ્દે પ્રાથમિક સ્તરની ચર્ચાઓ પણ થઈ ચૂકી છે. આ ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે સરકાર કંપનીઓમાં હિસ્સેદારી મેળવે અને ભવિષ્યમાં તેમાંથી મળનારો નફો જનહિતના કાર્યો અથવા સીધા નાગરિકોને લાભ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાય.


