World

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં કેન્યામાં જનતા ભડકી : વ્યાપક તોફાનો : 4નાં મોત

By GS Team
19 May 20262 mins read
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં કેન્યામાં જનતા ભડકી : વ્યાપક તોફાનો : 4નાં મોત

- અમેરિકા-ઇરાન યુદ્ધથી તેલ સંકટ ઊભું થતાં કેન્યામાં પેટ્રોલના ભાવમાં 20 ટકા અને ડીઝલમા 46 ટકા વધારો

નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુદ્ધની અસર હવે આફ્રિકા સુધી પહોંચી છે. તેલની કિંમતમાં ભારે વધારો થતાં જનતા ગુસ્સામાં એવી ભડકી ઊઠી છે કે લોકો સડકો ઉપર ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શનો થયાં છે.

કેન્યાનાં પાટનગર નાઈરોબી ઉપરાંત બીજાં મોટાં શહેરોમાં પણ લોકો સડક ઉપર ઉતરી આવ્યા છે. ગાડીઓ અટકાવી દીધી છે. ચારે તરફ આગજની થઇ રહી છે. સંપૂર્ણ પબ્લિક ટ્રાન્સપોર્ટ લગભગ ઠપ્પ થઇ ગયું છે. પરિસ્થિતિ એટલી બધી બગડી છે કે આ તોફાનો દરમિયાન ચારનાં તો મૃત્યુ થયાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઇંધણના વધતા ભાવ અને તે સાથે વધતી મોંઘવારીને લીધે લોકો સરકાર સામે ઝનૂને ચઢ્યા છે.

ખાડી દેશોમાંથી થતી તેલની આયાત ઉપર મોટાભાગના આફ્રિકી દેશો નિર્ભર છે. તેમની જેમ જ કેન્યા પણ આથી અત્યંત મુશ્કેલીમાં છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ કરતાં તેલની સપ્લાય ઉપર ભારે અસર થઇ છે. દુનિયાનું ૨૦ ટકા તેલ આ સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે. કેન્યાની સરકારે તેલની કિંમતમાં પેટ્રોલમાં ૨૦ ટકા અને ડીઝલમાં તો સીધો જ ૪૬ ટકાનો વધારો કરી દેતાં પરિવહન કર્મચારીઓએ હડતાલ પાડી દીધી છે. તે પછી નાઈરોબીમાં બહારના વિસ્તારોનાં લોકોએ બેરીકેડ ઊભાં કરી દીધા હતા અને ઠેકઠેકાણે આગ લગાડી દીધી હતી. દેખાવકારો મોટરો અને મોટરસાઇકલો રોકવાના પ્રયત્નો કરતા હતા. ગૃહમંત્રી, કીપપુમ્બા, મુરકોમેને પત્રકારોને કહ્યું કે તે દુ:ખદ છે કે આજની હિંસામાં આપણે ચાર કેન્યાઇ લોકોને ગુમાવ્યા છે, અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

તેઓએ કહ્યું કે પોલીસે ૩૪૮ તોફાનીઓની ધરપકડ કરી છે. હવે સડકો સાફ કરાઈ રહી છે. તોફાનોને લીધે થયેલાં મૃત્યુને લીધે ટીકાઓ પણ ઘણી થાય છે. કેન્યાનાં માનવ અધિકાર સંગઠન વૉકલ આફ્રિકાએ પોલીસ દ્વારા કરાતા અસામાન્ય બળ પ્રયોગની સખત ટીકા કરી છે.

અમેરિકા ઇરાન યુદ્ધને લીધે પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવવધારાને પગલે કેન્યા સહિત લગભગ તમામ આફ્રિકી દેશોમાં ભારે મોંઘવારી ફાટી નીકળી છે. તેનાં અર્થતંત્ર ઉપર પણ માઠી અસર થઇ છે. કેન્યાની પાંચ કરોડની વસતી પૈકી એક તૃતીયાંશ વધુ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.