World

ઇરાન પરનો હુમલો હોર્મુઝ નાકાબંધી અને પ્રોજેક્ટ ફ્રીડમ પણ નિષ્ફળ જતાં અમેરિકા સમક્ષ યુધ્ધ બંધ કરવું તે જ વિકલ્પ

By GS Team
7 May 20262 mins read
ઇરાન પરનો હુમલો હોર્મુઝ નાકાબંધી અને પ્રોજેક્ટ ફ્રીડમ પણ નિષ્ફળ જતાં અમેરિકા સમક્ષ યુધ્ધ બંધ કરવું તે જ વિકલ્પ

- ઇરાન સાથે શાંતિ-સમજૂતી ઘણી સંભવિત છે : ટ્રમ્પ

- અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે યુધ્ધ ખતમ કરવા માટે ઇરાન સાથે સમજૂતી કરવી સંભવિત છે : સંભવત: આજે અમેરિકા ઇરાનના શાંતિ-પ્રસ્તાવનો જવાબ આપશે

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં હજી સુધી શાંતિ નથી સ્થપાઈ. પરંતુ અત્યારે જે સંકેત મળી રહ્યા છે તે પૂર્વેના કેટલાએ દિવસોના સંકેતો કરતાં વધુ આશાસ્પદ છે.

ઇરાન અને અમેરિકા બંને યુધ્ધનો અંત ઇચ્છે છે, પરંતુ તેપોત-પોતાની શર્તોએ. હજી સુધી શર્તો એટલી જુદી પડતી હતી કે સમજૂતી અસંભવ લાગતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.

પ્રમુખ ટ્રમ્પે કેટલીએ વાર સૈન્ય તાકાતનો ઉપયોગ કરી, ઇરાનને દબાવવા પ્રયત્ન કર્યા કે જેથી અમેરિકા જે ઇચ્છે છે તે ઇરાન કરે.

૨૮મી ફેબુ્રઆરીએ અમેરિકા - ઇઝરાયેલ સાથે યુદ્ધમાં જોડાયું. તે બંનેનો હેતુ ઇરાનને પરમાણુ-બોંબ બનાવતા રોકવાનો હતો. જો કે ઇરાને સતત કહ્યા કર્યું કે તે એટમ-બોંબ બનાવવા માંગતુ નથી. પરંતુ ટ્રમ્પ તે માનવા તૈયાર ન હતા. તેમણે ઇરાનને દબાવવા ઇરાનના ગલ્ફની નાકાબંધી પણ કરી, પરંતુ તેમાં નિષ્ફળ ગયા. તે પછી તેમણે પ્રોજેક્ટ-ફ્રીડમ નું એલાન કર્યું. જેથી અમેરિકી યુધ્ધ નૌકાઓ બોડીગાર્ડ બની હોર્મુઝ સ્ટ્રેઇટસમાં ફસાયેલા જહાજો સુરક્ષિત બહાર કાઢી શકાય પરંતુ તે યોજના સફળ ન રહી. સૌથી પહેલાં તો અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલા શરૂ કર્યા હતા. તેથી પણ ઇરાન ઝૂકયું નહીં.

હવે ટ્રમ્પ પાસે એક જ વિકલ્પ રહ્યો છે. યુદ્ધ બંધ કરવું.

સીએનએન જણાવે છે કે અમેરિકા ઇરાનના શાંતિ પ્રસ્તાવ અંગે પોતાનો જવાબ મધ્યસ્થીઓને સોંપે તેમ છે. અત્યારે તે વિષે સમીક્ષા ચાલે છે. ટ્રમ્પે બુધવારે (સ્થાનિક સમય પ્રમાણે) કહ્યું હતું કે ઇરાન સામે શાંતિ સમજૂતી થવી ઘણી સંભવિત છે.