પ્રિન્સિપાલની સમયસૂચકતાએ 1643 બાળકોના જીવ બચાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાઠમંડુ : નેપાળ-તિબેટમાં આવેલા પૂરથી ભારે તારાજી સર્જાઈ છે ત્યારે હવે આ હોનારતમાં કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ સામે આવી રહી છે. ક્યાંક ત્રણ દિવસ સુધી કાટમાળમાં દટાયા છતાં નાની બાળકીનો બચાવ થયો છે તો ક્યાંક એક પ્રિન્સિપાલની સમયસૂચકતાએ ૧૬૪૩ બાળકોના જીવ બચાવ્યા હતા. ક્યાંક ૧૦ મિનિટના ચાના બ્રેકથી ૨૮ ભારતીય શ્રદ્ધાળુઓના જીવ બચી ગયા હતા.
નેપાળમાં બુધવારે સવારે ૯.૨૦ કલાકે પાણી, કાટમાળ, પથ્થરોનું પૂર ત્રાટકી રહ્યું હતું ત્યારે ત્રિશુલી ઘાટીમાં એક સ્કૂલમાં ૧૬૪૩ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આ સમયે પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને એક મિત્રએ ફોન કરીને ગામમાં પૂર આવ્યું હોવાની માહિતી આપી હતી. આ સમયે દવાડીએ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તુરંત નિર્ણય લીધો. તેમણે શિક્ષકોને બધા જ ક્લાસ ખાલી કરાવી બાળકોને પર્વતની ટોચ પર લઈ ગયા. દવાડીએ પોતે છેલ્લે રહીને કોઈ બાળક પાછળ ના રહી જાય તેની ખાતરી કરી. પર્વતની ટોચે સુરક્ષિત પહોંચ્યાની થોડીક જ ક્ષણોમાં પૂરના પાણી સ્કૂલ પર ફરી વળ્યા અને ત્રણ માળની સ્કૂલને ડુબાડી દીધી હતી.
એ જ રીતે નેપાળ માર્ગે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા દક્ષિણ ભારતના ૨૮ શ્રદ્ધાળુઓના એક જૂથનો ચમક્તારિક બચાવ થયો હતો. તિરુપતિ સ્થિત ટ્રાવેલ્સના એમડી વેંકટરામને કહ્યું કે, ૨૮ સભ્યોના તેમના જૂથે નેપાળ-ચીન સરહદે સ્યાફ્રુબેસી પહોંચવાનું હતું, પરંતુ રસ્તામાં ચાનો બ્રેક લેવા માટે તેઓ ૧૦ મિનિટ રોકાયા. આ કારણે તેઓ થોડા પાછળ રહી ગયા. આ જ સમયમાં નદીમાં પૂર આવ્યું અને ડ્રાઈવરે તુરંત ગાડીને યુ-ટર્ન લઈ સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. દરમિયાન પૂરની તારાજીમાં સૌથી વધુ નુકસાન થયું હતું તે રસુવા જિલ્લામાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન સમયે બચાવ ટૂકડીએ હોનારતના ત્રણ દિવસ પછી તિમુરે ગામમાં છ વર્ષની એક બાળકીને કાદવ અને કાટમાળ નીચેથી જીવતી બહાર કાઢી હતી.




