હિઝબુલ્લાહનો 20 વર્ષ જૂનો અંડરગ્રાઉન્ડ બેઝ ઈઝરાયલે ઉડાવ્યાનો વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો, ઈરાનના ફંડથી ખરીદાયેલા હથિયારો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Destroys Hezbollah Underground Base: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે એક મોટો દાવો કર્યો છે. તેમના દાવા અનુસાર ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના 'અલી અત-તાહેર' નામના એક વિશાળ ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) અડ્ડાને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાયો છે. આ અડ્ડો નાબતિયા નજીક ઈઝરાયલના સુરક્ષા બફર ઝોનની અંદર આવેલો હતો. વડાપ્રધાન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, આ ભૂગર્ભ અડ્ડો બે દાયકા (20 વર્ષ) કરતાં વધુ સમયથી તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ ઠેકાણેથી ઈરાન દ્વારા ફંડ કરાયેલા હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
કોઈ નક્કર પુરાવા કે તસવીરો હજુ સામે નથી આવી
ઈઝરાયલી નેતાઓએ દાવો કર્યો છે કે, આ સ્થળનો ઉપયોગ ગલીલ (Galilee) વિસ્તાર પર કબજો કરવા માટે મુખ્ય બેઝ તરીકે થવાનો હતો. સાથોસાથ મેતુલા અને કિર્યાત શમોના શહેરો પર નજર રાખવા અને હુમલા કરવા માટે પણ તેને તૈયાર કરાયું હતું. ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, આ સુવિધા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હતી. જોકે, આ દાવા સંબંધિત કોઈ નક્કર પુરાવા અને તસવીરો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નેતન્યાહૂ અને કાત્ઝે સ્પષ્ટ કર્યું કે, તેમની મંજૂરી બાદ જ સેનાએ આ કામગીરી પાર પાડી હતી. હવે દક્ષિણ લેબનાનમાં સિક્યોરિટી ઝોનની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે.
સુરક્ષા મજબૂત કરવામાં લાગી ઈઝરાયલી સેના
વિસ્ફોટ બાદ ઈઝરાયલી સેના આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં લાગી ગઈ છે, જેથી દુશ્મન ફરીથી આ વિસ્તારમાં આવી ન શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદી નેટવર્ક અને મુખ્યાલય પહાડીની નીચે બનાવવામાં આવ્યા હતા.
ઈરાનથી આવતો હથિયારોનો જથ્થો હવે ખતમ: નેતન્યાહૂ
નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે, ઈરાન તરફથી આવતા હથિયારોનો જથ્થો હવે નષ્ટ થઈ ગયો છે. જોકે, સ્વતંત્ર પુરાવાના અભાવે ઘણા નિષ્ણાતો આ દાવા પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. દક્ષિણ લેબનાનનો આ વિસ્તાર લાંબા સમયથી વિવાદિત રહ્યો છે. બીજી તરફ, આ મામલે હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.




