- વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહીની સફળતા પછી હવે ગ્રીનલેન્ડ માટે તૈયારી
- વેનેઝુએલાના ક્રૂડ ઓઈલમાંથી થનારી આવકના રક્ષણ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા
- ક્યુબાને હવે ક્રૂડ ઓઈલ કે ભંડોળ નહીં મળે, અમેરિકા સાથે ઝડપથી સોદો કરી લે, ક્યાંક બહુ મોડું ના થઈ જાય : ટ્રમ્પ
- વેનેઝુએલા પર અમેરિકાના હુમલાને આતંકી કૃત્ય ગણાવતા ક્યુબાના પ્રમુખ મિગુએલ કૈનેલે અમેરિકન દૂતાવાસ બહાર દેખાવો કર્યા
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેેનઝુએલા પછી આર્મીને હવે ગ્રીનલેન્ડ પર 'આક્રમણ'ની તૈયારી કરવા આદેશ આપ્યો હતો, પરંતુ અમેરિકન આર્મીએ ટ્રમ્પનો આદેશ માનવાનો ઈનકાર કરી દીધો છે. બીજીબાજુ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના વેચાણથી મળનારી રકમના રક્ષણ માટે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે ટ્રમ્પે ક્યુબાને ધમકી આપતા કહ્યું, કે પ્રમુખ કૈનેલે અમારી સાથે સોદામાં વિલંબ ના કરવો જોઈએ, ક્યાંક બહુ વિલંબ ના થઈ જાય. તેમણે ક્યુબાનું ઓઈલ અને ફંડ રોકવાની જાહેરાત કરી હતી.
વેનેઝુએલા પર 'હુમલો' કર્યા પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડને પડાવી લેવાની ધમકી આપતા રહ્યા છે. એટલું જ નહીં ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર 'આક્રમણ' કરવાની યોજના તૈયાર કરવા સ્પેશિયલ ફોર્સીસને આદેશ આપ્યો હતો. જોકે, સ્પેશિયલ ફોર્સીસે ટ્રમ્પના આ આદેશનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્ટીફન મિલર સહિત ટ્રમ્પના સલાહકારોનું માનવું છે કે વેનેઝુએલા પર હુમલો કરીને પ્રમુખ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરવાના ઓપરેશનની સફળતા પછી હવે અમેરિકાએ ગ્રીનલેન્ડ મુદ્દે પણ ઝડપથી પગલાં ઉઠાવવા જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની યોજના તૈયાર કરવા જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (જેએસઓસી)ને આદેશ પણ આપ્યો હતો. જોકે, જેએસઓસીએ તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ગ્રીનલેન્ડ પર આક્રમણ આતંરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે અને અમેરિકન કોંગ્રેસ પણ તેનું સમર્થન નહીં કરે. અમેરિકન સૈન્યના અધિકારીઓએ ટ્રમ્પનું ધ્યાન ભટકાવવા તેમને ઓઈલનું પરિવહન કરતા રશિયાના કથિત ઘોસ્ટ જહાજો અથવા ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાના વિકલ્પો પર વિચાર કરવા સૂચન કર્યું છે.
બીજીબાજુ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પર સંપૂર્ણપણે કબજો ધરાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના વેચાણમાંથી થનારી આવકના રક્ષણ માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશનો આશય વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની આવકનો ઉપયોગ કોઈપણ ન્યાયિક કાર્યવાહી અથવા અંગત દાવાઓમાં ના થાય તે સુનિશ્ચિત કરવાનો છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે એવું થશે તો વેનેઝુએલામાં આર્થિક અને રાજકીય સ્થિરતાના અમેરિકાના પ્રયત્નોને નુકશાન પહોંચી શકે છે.
દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને ક્રૂડ ઓઈલ અને ભંડોળ માટે અમેરિકા સાથે વહેલી તકે સોદો કરવા ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું, ક્યુબાએ ઝડપથી અમેરિકા સાથે સોદો કરી લેવો જોઈએ, ક્યાંક બહુ મોડું ના થઈ જાય. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, ક્યુબાને હવે ના ક્રૂડ મળશે કે ના ભંડોળ - શૂન્ય. હું તેમને સલાહ આપીશ કે તેઓ મોડું ના કરે અને પહેલા એક સોદો કરી લે. ક્યુબા લાંબા સમયથી વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ અને ભંડોળ પર નિર્ભર રહ્યું. બદલામાં ક્યુબાએ વેનેઝુએલાના પાછલા બે સરમુખત્યારોને સુરક્ષા પૂરી પાડી, પરંતુ હવે નહીં. ક્યુબાને ક્રૂડ ઓઈલ કે ભંડોળ નહીં મળે.
ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ-કૈનેલે શનિવારે હવાનામાં અમેરિકન દૂતાવાસ સામે હજારો લોકો સાથે રેલીમાં ભાગ લઈને વેનેઝુએલા પર અમેરિકાના હુમલાને આતંકી કૃત્ય ગણાવ્યું હતું અને નિકોલસ માદુરોનું અપહરણ કરવાના કૃત્યની આકરી ટીકા કરી હતી. તેમણે તેને આંતરરાષ્ટ્રીય કાયદાના માપદંડોનો આંચકાજનક ભંગ ગણાવ્યું હતું.


