Get The App

યુરોપમાં તેલ-ગેસનાં રેશનિંગની તૈયારી યુરોપીય યુનિયને કહ્યું : ભાવ ઘટવાના નથી

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
યુરોપમાં તેલ-ગેસનાં રેશનિંગની તૈયારી યુરોપીય યુનિયને કહ્યું : ભાવ ઘટવાના નથી 1 - image

- યુધ્ધ 40 દિવસથી વધુ ચાલશે તો અન્નના ભાવ પણ ઉંચા જશે : યુએન

- આ સંકટ લાંબો સમય ચાલશે : ઉર્જાની કિંમત લાંબા સમય સુધી ઊંચી રહેશે : અન્ય ચીજોના પણ ભાવ વધશે : ઈ.યુ. એનર્જી કમીશ્નર

નવી દિલ્હી : ઈરાન યુદ્ધની અસર તેલની કિંમતો ઉપર લાંબા સમય સુધી પડવાની છે. દુનિયાભરમાં લાંબા સમય સુધી તેલ-ગેસના ભાવ ઉંચા રહેવાના છે. યુરોપીય-યુનિયને કહ્યું છે કે મધ્યપૂર્વમાં ચાલનારા આ યુદ્ધને લીધે ઈંધણનું રેશનિંગ કરવું પડે તેમ છે. તેમજ આપાતકાલીન ભંડારોમાંથી તેલ કાઢવા જેવા સંભવિત ઉપાયો ઉપર પણ વિચાર ચાલી રહ્યો છે.

યુરોપીય યુનિયનના એનર્જી કમિશ્નર ડેન જોર્ગેન સેને ફાયનાન્શ્યલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, 'આ એક લાંબા સમય સુધી ચાલનારૃં સંકટ બની રહે તેમ છે. ઉર્જાની કિંમત લાંબા સમય સુધી ઊંચી રહેશે તેટલું જ નહીં પરંતુ અત્યંત જરૂરી પ્રોડક્ટના મામલામાં આગામી સપ્તાહોમાં પણ સ્થિતિ તેથી પણ વધુ ખરાબ થવાની શક્યતા છે.

હોર્મુઝ સ્ટ્રેઈટસ લગભગ બંધ છે. ગલ્ફ ક્ષેત્રમાં મૂળભૂત માળખાં ઉપર થતાં હુમલાએ વૈશ્વિક બજારોમાં અફરા-તરફી મચાવી દીધી છે. દરેક ચીજોના ભાવ ઉંચા જતા જાય છે. લાંબા સમય સુધી પૂરવઠો બાધિત રહેવાની આશંકા વધી ગઈ છે. એરલાઇન્સે જેટ-ઈંધણના પૂરવઠા અંગે ચિંતા દર્શાવી છે. તેમ ઈ.યુ.ના એનર્જી કમીશ્નરે ચેતવણી ઉચ્ચારી હતી. તેઓએ વધુમાં કહ્યું હતું કે, આપણે જે પ્રકારની ભાષા અને જે પ્રકારના શબ્દો સાંભળીએ છીએ તે આ સંકટની શરૂઆતના પ્રમાણમાં ઘણાં વધુ ગંભીર છે. અમારૃં વિશ્લેષણ તો તેમ કહે છે કે, આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે. તેથી દરેક દેશોએ તે નિશ્ચિત કરવું પડે કે પોતાની પાસે અનિવાર્ય તેવી ચીજવસ્તુઓનો પૂરવઠો પૂરતો છે કે નહીં ?

ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્રુ.એ બ્રેન્ટ ક્રૂડની કિંમત ૭૦-૭૩ ડોલર બેરલ દીઠ હતી તે માર્ચ દરમિયાન ૧૦૦થી ૧૧૦ ડોલર પહોંચી ગઈ હતી. ૨૦૨૬ની શરૂઆતમાં તે ૧૦૪ થી ૧૧૦ ડોલર રહી.

યુ.એન.ના ખાદ્ય અને કૃષિ સંગઠને શુક્રવારે જણાવ્યું હતું કે, માર્ચ મહીનામાં દુનિયાભરમાં ખાવા-પીવાની ચીજોના ભાવ ગત વર્ષના સપ્ટેમ્બર પછી સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયા છે. જો યુદ્ધ ચાલુ રહેશે તો ભાવ હજી પણ વધતા જશે.

યુ.એન.ના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્ષિમો ટોરેટોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયા પછી ખાધાન્નના ભાવોમાં થોડો વધારો તો થયો જ છે પરંતુ જો યુદ્ધ ૪૦ દિવસથી વધુ ચાલશે તો ખેતીને સંબંધિત ચીજોની કિંમત ઉંચી જશે. પરિણામે અનાજના ભાવ પણ ઉંચા જશે.