World

ઉઝ્બેકિસ્તાનમાં 16મીએ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકની શક્યતા

By GS Team
12 Sep 20222 mins read
This article was originally published on 12 Sep 2022
ઉઝ્બેકિસ્તાનમાં 16મીએ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકની શક્યતા

- ભારત અને ચીન વચ્ચે સરહદે કેટલાક વિવાદો વચ્ચે

- શી જિનપિંગ બે વર્ષમાં પ્રથમ વખત ચીનની બહાર નિકળશે, છેલ્લે તેઓ જાન્યુ. 2020માં મ્યાંમાર ગયા હતા

નવી દિલ્હી : ઉઝ્બેકિસ્તાનની રાજધાની તાશકંદમાં ૧૬મી તારીખે યોજાનારા સાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે પણ બેઠક યોજાય તેવી શક્યતાઓ છે. લદ્દાખ સહિતની ચીનની સરહદોએ હાલ ચીની સૈન્યની અવળચંડાઇની ઘટનાઓ વચ્ચે આ બેઠક યોજવામાં આવી શકે છે. જોકે આ બેઠક અંગે હજુસુધી કોઇ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી નથી કરવામાં આવી.

આ મુલાકાત પહેલા પૂર્વ લદ્દાખમાં આશરે ૨૮ મહિના સુધી ચાલેલી તંગદીલીને શાંત પાડવા માટે ચીને કેટલાક વિસ્તારોમાં પોતાના સૈન્યને પરત લેવા માટે તૈયાર હોવાનો દાવો જરુર કર્યો છે પણ મોદી અને જિનપિંગ વચ્ચે યોજાનારી બેઠકમાં આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બની શકે છે. પૂર્વ લદ્દાખમાં કેટલાક વિસ્તારોમાં ચીનની આક્રામક મોર્ચાબંદી અને ગલવાન જેવી ઘટનાઓ બાદ બન્ને દેશોના જવાનો કેટલાક વિસ્તારોમાં આમને સામનેની સ્થિતિમાં આશરે ૨૮ મહિના સુધી રહ્યા હતા. 

કેટલાક સરહદી વિસ્તારોમાં ચીન બાંધકામ પણ વધારી રહ્યું છે જેની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી હતી. જોકે મોદી અને જિનપિંગ આ દરમિયાન બેઠક યોજશે કે કેમ તેની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.  બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લા બે વર્ષથી ચીનની બહાર નથી નીકળ્યા. તેથી તેઓ આ બે વર્ષ બાદ પ્રથમ વખત ચીનની બહાર નિકળશે અને કોઇ અન્ય દેશની મુલાકાત લેશે. તેઓ છેલ્લે જાન્યુઆરી ૨૦૨૦માં મ્યાંમારની મુલાકાતે ગયા હતા. તે બાદ તેઓએ અન્ય કોઇ દેશની મુલાકાત નથી લીધી. જોકે તેઓએ આ બે વર્ષના સમય દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઇન જરુર યોજી હતી.