અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર બાદ શ્રેય લેવા કૂદી પડ્યું પાકિસ્તાન! PM શરીફનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. હવે આ શાંતિ કરાર બાદ પાકિસ્તાન પણ મધ્યસ્થતાનો શ્રેય લેવા માટે કૂદી પડ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે સમજૂતી પર ડિજિટલ હસ્તાક્ષર થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે.
મધ્યસ્થ તરીકે મેં મંજૂરી આપી: શહબાઝ શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મને આ જાહેરાત કરતાં ગર્વ થઈ રહ્યો છે કે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક MoU પર ડિજિટલ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર પર બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોએ હસ્તાક્ષર કર્યા છે અને મધ્યસ્થ તરીકે મેં પણ મારી મંજૂરી આપી છે. બંને સરકારોના સર્વોચ્ચ સ્તરે આ કરાર થવો એ દર્શાવે છે કે બંને પક્ષો વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે કેટલા ગંભીર છે.'
ટ્રમ્પના કર્યા વખાણ
પાકિસ્તાનના વડાપ્રધાને આગળ કહ્યું કે, આ MoU તાત્કાલિક અસરથી લાગુ થઈ જશે. આ કરારના પ્રથમ પગલા તરીકે ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેશે અને અમેરિકા પણ તાત્કાલિક તેની દરિયાઈ નાકાબંધી હટાવી લેશે. હું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું, જેમની વાતચીત અને શાંતિપૂર્ણ ઉકેલ માટેની જીદના કારણે વધુ એક વખત એવા વિવાદનો અંત આવ્યો છે જે સમગ્ર વિસ્તાર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકતો હતો. હું અમેરિકાની વાટાઘાટો કરનારી ટીમ (જેમાં જે.ડી. વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સામેલ છે)ની મહેનત અને સતત પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.'
ઈરાન અંગે શું કહ્યું?
શહબાઝ શરીફે કહ્યું કે, 'હું ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈ અને પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરું છું, જેમણે શાંતિનો માર્ગ પસંદ કર્યો. હું ઈરાનની વાટાઘાટો કરનારી ટીમ (જેમાં મહોમ્મદ બાગેર ગાલિબાફ, અબ્બાસ અરાઘચી અને એસ્કંદર મોમેની સામેલ છે)ની ધીરજ અને પ્રયાસોની પણ પ્રશંસા કરું છું, જેમના કારણે આ સમજૂતી શક્ય બની શકી છે.'
આસિમ મુનીરને આપ્યો શ્રેય
શહબાઝ શરીફે વધુમાં કહ્યું કે 'હું આ તબક્કા સુધી પહોંચવામાં કતાર દેશના નેતૃત્વના સાચા અને સારા પ્રયાસોની ખાસ કરીને પ્રશંસા કરું છું. આ સાથે જ સાઉદી અરેબિયા, તુર્કીયે અને ઈજિપ્તના નેતૃત્વનો પણ આ કાર્યમાં તેમના મહત્વના યોગદાન બદલ આભાર માનું છું. હું ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો પણ ખાસ ઉલ્લેખ કરવા માગીશ, જેમની સખત મહેનત અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા આ મોટી સફળતા મેળવવા તેમજ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે ખૂબ જ જરૂરી હતી. આશા છે કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં પરસ્પર સન્માન, વધુ સારી સમજણ અને સમૃદ્ધિનો એક મજબૂત પાયો બનશે.'









