પાયલટ, પ્લમ્બર, બેન્કર, બિઝનેસમેન અને ડેન્ટિસ્ટ... 174 લોકોના જીવ બચાવનારા ગુજરાતી પાયલટની 4 બહાદુરોએ કરી હતી મદદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flydubai Flight FZ1073 Cockpit Attack Incident: કલ્પના કરો કે તમે હજારો ફૂટની ઊંચાઈએ વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો અને અચાનક વિમાન 90 ડિગ્રીના ખૂણે નીચે પડવા લાગે! ચારેબાજુ મુસાફરોની ચીસાચીસ અને કોકપિટમાં લોહીલુહાણ દૃશ્યો… આ કોઈ હોલીવુડની ફિલ્મનો સીન નથી, પરંતુ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી વાસ્તવિક ઘટના છે. આ ભયાનક અને જીવલેણ પરિસ્થિતિમાં 5 એવા હીરો સામે હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના મોતની ખીણમાં ધકેલાઈ રહેલા સેંકડો મુસાફરોને બચાવી લીધા. ચાલો જાણીએ કે ઘટના શું બની અને ઘટનાને દુર્ઘટના બનતી રોકનાર એ જવાં મર્દો કોણ હતા.
ભારતીય પાયલટ સ્મિત મચ્છરની બહાદુરી અને સમયસૂચકતાએ દુર્ઘટના ટાળી
દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 27 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 174 લોકો સવાર હતા. વિમાન 33 હજાર ફીટની ઊંચાઈ પર હતું ત્યારે ઓમાની મૂળના કો-પાયલટ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ‘ક્રેશ કુહાડી’ અને ‘છરી’ વડે જીવલેણ હુમલો કર્યો. પાયલટ સ્મિત મચ્છરના માથા અને હાથ પર ગંભીર ઘા વાગ્યા હોવા છતાં તેમણે અદ્ભુત હિંમત દાખવીને હુમલાખોરને લડત આપી અને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો, જેથી ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો અંદર આવી શકે.
કેપ્ટન સ્મિતની સમયસૂચકતા અને બહાદુરીની પ્રશંસા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કરી છે. હાલમાં સ્મિત મચ્છર સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મુસાફરોએ સંભાળ્યો મોરચો: 4 ઈઝરાયલી નાયકોની એન્ટ્રી
કેપ્ટને દરવાજો ખોલતા જ વિમાનના 4 ઈઝરાયલી મુસાફરો કોકપિટ તરફ દોડ્યા. આ લોકોએ ભેગા મળીને હુમલાખોર કો-પાયલટને રોક્યો. આ સમય દરમિયાન ઓફ-ડ્યુટી અન્ય બે પાયલટોએ વિમાનનું કંટ્રોલ પોતાના હાથમાં લીધું અને સાઉદી અરેબિયાના એક નાના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ 4 મુસાફરોએ કઈ રીતે હુમલાખોરનો સામનો કર્યો તેની વિગત નીચે મુજબ છે.
યાનિવ હાયુને વિમાનની નોઝ ડાઇવ અટકાવી
વ્યવસાયે પ્લમ્બર એવા યાનિવ હાયુન જ્યારે કોકપિટમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હુમલાખોર કો-પાયલટ બે સીટોની વચ્ચે બેસીને વિમાનની કંટ્રોલ સિસ્ટમને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યાનિવે જરાય ડર્યા વિના હુમલાખોરનું ગળું દબાવ્યું અને તેને પકડીને સિસ્ટમથી દૂર ખેંચી લીધો. ટીવી પર આવતી 'મેડે' જેવી સિરિયલો જોઈને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને યાનિવે વિમાનના કંટ્રોલને પાછળ ખેંચીને નીચે તરફ ઝૂકી ગયેલા વિમાનને સીધું કર્યું.
વેપારી અસફ રાજુઆને 50 મિનિટ સુધી હુમલાખોરને દબાવી રાખ્યો
વીમા એજન્સીના માલિક અને વેપારી અસફ રાજુઆન થાઈલેન્ડમાં વેકેશન માણીને પરત ફરી રહ્યા હતા. વિમાન ધરતી તરફ ધસમસવા લાગ્યું ત્યારે તેમને મુસાફરોની ચીસો સંભળાવા લાગી. અસફ દોડીને કોકપિટમાં ઘૂસ્યા અને ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો. વિમાનનું લેન્ડિંગ થયું ત્યાં સુધી સળંગ 50 મિનિટ સુધી તેમણે હુમલાખોરને ફર્શ પર દબાવી રાખ્યો હતો.
બેન્કર ઝ્વિકા મેનેસે હેડફોનના વાયરથી હુમલાખોરને બાંધ્યો
બેંક લ્યુમીના અંડરરાઈટિંગ કંપનીના સીઈઓ ઝ્વિકા મેનેસ પણ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. હુમલાખોર શારીરિક રીતે ખૂબ મજબૂત હતો અને પ્લેન ક્રેશ કરવા માટે એની પૂરી તાકાત લગાવી રહ્યો હતો. ઝ્વિકાએ શારીરિક બળ વાપરીને તેને રોક્યો અને ફ્લાઇટમાં આપવામાં આવેલા મલ્ટીમીડિયા હેડફોનના વાયરનો ઉપયોગ કરીને હુમલાખોરને મજબૂતીથી બાંધી દીધો.
ડેન્ટિસ્ટ શોતા મુસાએવે પાયલટનો જીવ બચાવ્યો
ફ્લાઇટમાં હાજર એકમાત્ર ડૉક્ટર હતા ડેન્ટિસ્ટ શોતા મુસાએવ. હુમલાખોરને કાબૂમાં લેવાયો પછી તેમણે પોતાનું પૂરું ધ્યાન ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છર પર કેન્દ્રિત કર્યું. કેપ્ટનના માથા અને હાથ પર કુહાડીના એટલા ઊંડા ઘા હતા કે જાણે અંગ બે ભાગમાં કપાઈ ગયું હોય! તેમના શરીરમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. ડૉક્ટર શોતાએ સમયસર તેમનો રક્તસ્ત્રાવ અટકાવ્યો અને લેન્ડિંગ સુધી તેમની સ્થિતિ સ્થિર રાખી. આશ્ચર્યની વાત એ હતી કે આટલા ગંભીર ઘા હોવા છતાં અને ફ્લોર પર લોહીના ખાબોચિયામાં પડેલા હોવા છતાં પાયલટ ભાનમાં હતા અને વાતચીત કરી રહ્યા હતા.
પાંચેય નાયકોની બહાદુરી ક્યારેય નહીં ભુલાય
આ ઘટના સાબિત કરે છે કે જ્યારે હિંમત, એકતા અને સમયસૂચકતા એકસાથે મળે છે, ત્યારે નિશ્ચિત દેખાતા મોતને પણ હરાવી શકાય છે. ભારતીય પાયલટ સ્મિત મચ્છરની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને 4 મુસાફરોની બહાદુરીએ 174 લોકોની જિંદગી બચાવી. આ પાંચેય નાયકોના શૌર્યને ઇતિહાસ અને મુસાફરો ક્યારેય નહીં ભૂલી શકે.




