Pete Hegseth Impeachment In US Parliament : એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ પર સંકટના વાદળો ઘેરાયેલા છે, તો બીજીતરફ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકન સૈનિકોના જીવ જોખમમાં નાખ્યા હોવાનો અને ઈરાનમાં 170 બાળકીઓના મોત પાછળ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ટ્રમ્પ વહિવટીતંત્રએ અમેરિકન સંસદમાં હેગસેથ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજુ કર્યો છે, જેના કારણે દેશના રાજકારણમાં મોટો હડકંપ મચી ગયો છે.
હેગસેથ પર યુદ્ધ શરૂ કરવાનો આક્ષેપ
ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય યાસામિન અંસારીની આગેવાની હેઠળ હાઉસ ડેમોક્રેટ્સે હેગસેથ વિરુદ્ધ સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમની સામે આક્ષેપ કરાયો છે કે, અમેરિકન સંરક્ષણ મંત્રીએ કોંગ્રેસની મંજૂરી લીધા વગર ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે અને તેમણે એવા હુમલાને અંજામ આપ્યો છે, જેને ‘વૉર ક્રાઈમ’ કેટેગરીમાં રાખવામાં આવી શકે છે.
મિનાબમાં ગર્લ્સ સ્કૂલ પર હુમલાનો ગંભીર આક્ષેપ
પ્રસ્તાવમાં દાવો કરાયો છે કે, હેગસેથે પોતાના પદનું અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, અમેરિકન સૈનિકોના જીવ જોખમમાં નાખ્યા છે. તેમના પર ઈરાનના મિનાબ વિસ્તારમાં ગર્લ્સ સ્કૂલ પર હુમલાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
કોણ છે યાસામિન અંસારી
યાસામિન યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એરિઝોનાના 3જા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ 119મી કોંગ્રેસમાં ડેમોક્રેટિક ફ્રેશમેન ક્લાસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે અને જાન્યુઆરી 2025માં યુએસ કોંગ્રેસમાં ચૂંટાઈ આવ્યા હતા.
મિનાબમાં 170 માસૂમોના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, જ્યારે અમેરિકા-ઈઝરાયલ ઈરાન સાથે યુદ્ધ કરી રહ્યા હતા, ત્યારે ઈરાના મિનાબ વિસ્તારમાં એક ગર્લ્સ સ્કૂલ પર હુમલો થયો હતો, જેમાં શિક્ષકો અને 170 માસૂમોના મોત થયા હતા. ઘટના બાદ એવી માહિતી સામે આવી હતી કે, અમેરિકન ટૉમહોક મિસાઈલ ભૂલથી શાળા પર પડી હતી. ડેમેક્રેટ્સે કહ્યું છે કે, આવા પ્રકારના હુમલા યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો : રશિયાએ 700 ડ્રોન, ડઝનેક મિસાઈલો ઝીંકી યુક્રેનને હચમચાવ્યું, 16 લોકોના મોત, 80 ઘાયલ
યુદ્ધની ઔપચારિક જાહેરાત કર્યા વગર સૈન્ય કાર્યવાહી કરી
મહાભિયોગની કાર્યવાહી પહેલા આર્ટિકલમાં આક્ષેપ કરાયો છે કે, પીટ હેગસેથે યુદ્ધની ઔપચારિક જાહેરાત કર્યા વગર સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અમેરિકન કાયદા મુજબ, માત્ર કોંગ્રેસ પાસે જ યુદ્ધ શરૂ કરવાની મંજૂરી આપવાનો અધિકાર છે, અન્ય કોઈની પણ પાસે પાસે આવો અધિકાર નથી.
અમેરિકન સંરક્ષણ મંત્રીએ ગુપ્ત સૈન્ય માહિતી શેર કરી
ડેમોક્રેટ્સે હેગસેથ પર અનેક ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું છે કે, અમેરિકન સંરક્ષણ મંત્રીએ યમનમાં હુમલા સંબંધીત માહિતી એક કોમર્શિયલ મેસેજિંગ એપ દ્વારા શેર કરીને સૈન્ય માહિતી ગુપ્ત રાખવામાં બેદરકારી દાખવી છે. આના કારણે સુરક્ષા જોખમ ઉભું થયું છે.
પેન્ટાગોન અમેરિકન સંરક્ષણ મંત્રીના બચાવમાં
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન પાર્ટી પાસે બહુમતી છે. આવી સ્થિતિમાં આ મહાભિયોગ પ્રસ્તાવ પાસ થવાની સંભાવના ઘણી ઓછી છે. જોકે તેમ છતાં આ પ્રક્રિયા રાજકીય રૂપે ખૂબ મહત્ત્વની મનાઈ રહી છે, કારણ કે પ્રસ્તાવના કારણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પર દબાણ વધી શકે છે. બીજીતરફ પેન્ટાગોને હેશટેગ પરના તમામ આક્ષેપોને રદીયો આપીને તેને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. પેન્ટાગોને કહ્યું છે કે, અમેરિકાએ ઈરાનમાં સૈન્ય અભિયાન પાર પાડીને ઉદ્દેશ્ય હાંસલ કરી લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા મુજબ આવી કાર્યવાહી કરવી જરૂરી હતી.


