World

મધ્ય-પૂર્વમાં શાંતિ પ્રયત્નો તેજ : ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે સમજૂતી સધાવાની શક્યતા

By GS Team
9 May 20262 mins read
મધ્ય-પૂર્વમાં શાંતિ પ્રયત્નો તેજ : ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે સમજૂતી સધાવાની શક્યતા

- અમેરિકા મધ્યસ્થી બની રહ્યું છે

- આમ છતાં અમેરિકાએ હીઝબુલ્લાને આતંકી સંગઠન જાહેર કર્યું છે તે માને છે કે હિઝબુલ્લા ઈઝરાયેલની ઉત્તર સીમા પર ખતરો બની શકે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલી તંગદિલી વચ્ચે શાંતિ સ્થપાવાની આશા દેખાઈ રહી છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, ઈઝરાયલ-લેબેનોન વચ્ચે આગામી દોરની મંત્રણા ૧૪-૧૫ મેના દિવસે યોજાવાની શક્યતા છે. તે મંત્રણાનું મુખ્ય કેન્દ્ર સલામતી સમજૂતી તૈયાર કરવાનું રહેશે. વોશિંગ્ટન તે મંત્રણાની સંપૂર્ણ મહેમાનગતિ કરશે. અને મધ્યસ્થતા પણ કરશે.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા થોમસ ટોમી પિગોટે જણાવ્યું હતું કે ગયા મહિને (એપ્રિલ ૨૩ના દિને) થયેલી આ મંત્રણાઓ વધુ એક કડીરૂપ બની રહેશે. ૨૩ એપ્રિલે થયેલી મંત્રણામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ નેતૃત્વ સંભાળ્યું હતું. અમેરિકા માને છે કે જૂની અને નકામી નીતિઓ છોડી, આગળ આવવું જોઈએ. સાથે અમેરિકા તેમ પણ માને છે કે, છેલ્લાં બે દશકમાં હિઝબુલોને પોતાની તાકાત વધારવાની તક મળી છે, સાથે લેબેનોનનું સાર્વભૌમત્વ નિર્બળ બન્યું છે.

આ ભાવિ મંત્રણાનો મુખ્ય મુદ્દો હીઝબુલ્લાહનાં નિ:શસ્ત્રીકરણનો બની રહેશે. અમેરિકા સ્પષ્ટ રીતે માને છે કે, જ્યાં સુધી હીઝબુલ્લાહ આતંકીઓ સશસ્ત્ર રહેશે ત્યાં સુધી ઈઝરાયલના ઉત્તરના ભાગ અંગે ખતરારૂપ બની રહેશે.

ભલે ટેબલ ઉપર મંત્રણા થાય, પરંતુ ભૂમિગત વાસ્તવિકતા જુદી જ છે, ઈઝરાયલ અને હીઝબુલ્લાહ એક-બીજા પર હુમલા કરતા જ રહે છે તેથી બંને દેશોના નાગરિકોને ભારે તકલીફ સહેવી પડે છે.