FATFથી બચવા પાકિસ્તાનનો નવો દાવ: આતંકી મસૂદ અઝહર પર 70 લાખનું ઇનામ જાહેર કરીને ખેલ્યો મોટો પેંતરો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan has Announced a 70 lakh Bounty on Masood Azhar: ફાયનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(FATF)ની ઑક્ટોબરમાં થનારી પ્લીનરી પહેલાં પાકિસ્તાને એક નવો પેંતરો ખેલ્યો છે. વૈશ્વિક દબાણ વચ્ચે પાકિસ્તાને આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદના સરગના અને ગ્લોબલ ટેરરિસ્ટ મસૂદ અઝહરને લઈને મોટું એલાન કર્યું છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(FIA)એ પોતાની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની રેડ બુક જારી કરી છે, જેમાં મસૂદ અઝહર પર 70 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
FATFથી બચવા પાકિસ્તાનનો નવો દાવ
દર 5 વર્ષે જાહેર થતી આ રેડ બુકમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવામાં આવ્યું છે. નિષ્ણાતો અને રક્ષા ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે, પાકિસ્તાને આ પગલું માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાય અને FATFની આંખમાં ધૂળ નાખવા માટે ભર્યું છે, જેથી તે ફાયનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની કડક કાર્યવાહીથી બચી શકે.
2021માં પણ રાખ્યું હતું ઈનામ
મસૂદ અઝહરને લઈને પાકિસ્તાન પહેલા પણ આવા દાવા કરતું આવ્યું છે. 2021માં FATFની ગ્રે લિસ્ટમાંથી નીકળવા અને મસૂદ અઝહર સામે કાર્યવાહી અંગેના સવાલો વચ્ચે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે દેશમાંથી ગાયબ થઈ ગયો છે અને અફઘાનિસ્તાનમાં છે. તે જ વર્ષે FIA એ મસૂદ અઝહર પર 50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. હવે 5 વર્ષ બાદ જારી થયેલી નવી રેડ બુકમાં આ રકમ વધારીને 70 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન સતત દાવો કરતું રહ્યું છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં છે. આવી સ્થિતિમાં તેના પર વધારાના ઇનામની જાહેરાતે પાકિસ્તાનની કાર્યવાહી પર સવાલ ઊભા કરી દીધા છે. બીજી તરફ તાજેતરમાં જ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે મસૂદ અઝહર અફઘાનિસ્તાનની સીમામાં હાજર નથી.
ઓપરેશન સિંદૂરમાં બહાવલપુરમાં કાર્યવાહી
મસૂદ અઝહરનું નામ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને નિશાન બનાવીને કાર્યવાહી કરી હતી.
હવે FATFની ઑક્ટોબર પ્લીનરી પહેલા જ મસૂદ અઝહર પર 70 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવતા પાકિસ્તાનની દાનત સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે શું આ કાર્યવાહી ખરેખર મસૂદ અઝહરને પકડવાનો પ્રયાસ છે કે પછી FATF સમક્ષ કાર્યવાહીનો માત્ર દેખાડો?




