પાકિસ્તાન ફરી ધ્રૂજ્યું : બલૂચિસ્તાનમાં પોલીસ પોસ્ટ પર મોટો હુમલો, 9 પોલીસકર્મીઓના મોત, 5 લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Balochistan Terror Attack : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ પોસ્ટ પર મોટો હુમલો થયો છે. હુમલામાં ઓછામાં ઓછા 9 પોલીસ કર્મચારીઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ પાંચ લોકો લાપતા હોવાની પણ વિગતો સામે આવી છે. આ હિંસક ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી મોટાપાયે તપાસ અભિયાન અને ક્લીયરન્સ ઓપરેશન શરૂ કરી દીધું છે.
9 પોલીસ કર્મચારીઓના મોત
પોલીસના જણાવ્યા મુજબ, બલૂચિસ્તાનના જિયારત જિલ્લાના માંગી ડેમ વિસ્તારમાં એક પોલીસ પોસ્ટ પર સોમવારે હુમલો થયો હતો. હુમલાની માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર મોકલી દેવાયો છે અને આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે. જિયારતના નાયબ કમિશનર અબ્દુલ કુદૂસ અચકજઈએ 9 પોલીસ કર્મચારીઓના મોત થયા હોવાની પુષ્ટી કરી છે.
5 પોલીસ કર્મચારીઓ લાપતા
પાકિસ્તાનના ડૉન સમાચારના રિપોર્ટ મુજબ, હુમલા બાદ પાંચ પોલીસ કર્મચારીઓ લાપતા હોવાની નાયબ કમિશનરે માહિતી આપી છે. તેઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થિતિ વધુ ગંભીર હોવાથી વધારાનો સુરક્ષા દળનો કાફલો તહેનાત કરી દેવાયો છે. પોલીસ કર્મચારીઓને શોધવા માટે ઠેર-ઠેર શોધખોળ કરવામાં આવી રહી છે.
મૃતકોમાં બે અધિકારી પણ સામેલ, 15 આતંકી ઠાર
સરકારી બ્રોડકાસ્ટ PTVના અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) આ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રીના સહયોગી શાહિદ હિંદે કહ્યું કે, મૃતકોમાં માંગી અને ક્વાસ પોલીસ સ્ટેશનના અધિકારી પણ સામેલ છે. હુમલા બાદ પાકિસ્તાની સેનાએ ક્લીયરન્સ ઑપરેશન શરૂ કરી દીધું છે, જેમાં તરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 15 આતંકવાદી ઠાર કરાયા હોવાનો દાવો કરાયો છે.









