ઈઝરાયલ સાથેના સંબંધને લઈને પાકિસ્તાને ટ્રમ્પની ‘અબ્રાહમ એકોર્ડ’ ઓફર ફગાવી, જાણો શું છે આ સંધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Pakistan Rejects Trump Israel Ties: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઈઝરાયલ સાથે દોસ્તી કરવા માટે એક ખાસ વિનંતી કરી હતી, જેને પાકિસ્તાને સાફ શબ્દોમાં ઠુકરાવી દીધી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે સ્પષ્ટ કર્યું છે કે, અમારું વલણ પહેલેથી જ નક્કી છે અને અમને ઈઝરાયલ સાથે કોઈ પણ કિંમતે દોસ્તી મંજૂર નથી. નોંધનીય છે કે, ટ્રમ્પે પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરેબિયા અને કતાર જેવા મુસ્લિમ દેશોને પણ ઈઝરાયલ સાથે સંબંધો સુધારવા માટે 'અબ્રાહમ અકોર્ડ' કરાર પર સહી કરવા માટે દબાણ કર્યું હતું.
ટ્રમ્પની શરત પાકિસ્તાન માટે માનવી અશક્ય
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સામે એક એવી શરત મૂકી છે, જેને સ્વીકારવી તેના માટે જરાય સરળ નથી. પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન દુનિયાભરમાં ઈઝરાયલના સૌથી કટ્ટર વિરોધી દેશોમાં ગણાય છે. ટ્રમ્પે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોને 'અબ્રાહમ અકોર્ડ'માં જોડાઈને ઈઝરાયલ સાથે કૂટનીતિક સંબંધો શરૂ કરવા આગ્રહ કર્યો હતો. જોકે, આ અંગે જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું કે શું તેઓ ટ્રમ્પના કહ્યા પછી આ કરાર પર સહી કરશે? ત્યારે તેમણે ચોખ્ખો જવાબ આપતા કહ્યું કે, વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે આપણે કોઈ એવા કરારમાં સામેલ થવું જોઈએ જે આપણા મૂળભૂત સિદ્ધાંતો અને નિયમોની વિરુદ્ધ હોય.
ઈઝરાયલ મુદ્દે પાકિસ્તાનનું કડક વલણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આ મામલે અમારી તરફથી કોઈ નવી પહેલ કરવામાં આવી નથી, અને ન તો અમારા પર કોઈનું દબાણ છે; અમારું વલણ આ બાબતે બિલકુલ સાફ છે. તેમણે વધુમાં ગર્વભેર એ વાત પર ભાર મૂક્યો હતો કે, વિશ્વમાં પાકિસ્તાન જ એકમાત્ર એવો દેશ છે જેના પાસપોર્ટ પર સ્પષ્ટપણે ઈઝરાયલનું નામ લખીને ત્યાંની મુસાફરી કરવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પની મુસ્લિમ દેશોને સીધી ચેતવણી
25 મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કીયે, ઇજિપ્ત અને જોર્ડનને ખાસ આગ્રહ કર્યો હતો કે તેઓ અબ્રાહમ અકોર્ડમાં જોડાય. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું નામ પણ લીધું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે, 'જો આ દેશો રાજી થઈ જાય, તો ઈરાન સાથે થનારો આ કરાર ઇતિહાસનો સૌથી મોટો અને ખાસ કરાર બની શકે છે. આ કરાર યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE - અબુ ધાબી), બહેરિન અને મોરોક્કો જેવા દેશો માટે ખૂબ ફાયદાકારક સાબિત થયો છે. આનાથી મિડલ ઈસ્ટમાં પહેલીવાર સાચી શાંતિ અને સ્થિરતા આવી શકે છે. આ પ્રક્રિયાની શરૂઆત સાઉદી અરેબિયા અને કતારના હસ્તાક્ષરથી થવી જોઈએ.'
ટ્રમ્પે ચેતવણીના સૂરમાં એમ પણ કહ્યું કે, જો કોઈ મુસ્લિમ દેશ આ શાંતિ કરારથી પાછળ હટે છે, તો એમ માની લેવામાં આવશે કે તેની દાનત સાચી નથી.
શું છે આ 'અબ્રાહમ અકોર્ડ'?
અબ્રાહમ અકોર્ડ એક ઐતિહાસિક સમજૂતી છે, જેની શરૂઆત વર્ષ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન કરાવી હતી. આ એક એવો કરાર છે જેના અંતર્ગત કેટલાક આરબ મુસ્લિમ દેશોએ પહેલીવાર સત્તાવાર રીતે ઈઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપીને તેની સાથે વેપાર અને મિત્રતાની શરૂઆત કરી હતી.
સૌથી પહેલા UAE અને બહેરિને આના પર સહી કરી હતી, ત્યારબાદ મોરોક્કો અને સુદાન પણ જોડાયા હતા. આ કરાર બાદ બંને દેશો વચ્ચે દૂતાવાસો ખુલ્યા, સીધી ફ્લાઇટ્સ શરૂ થઈ, પ્રવાસન વધ્યું અને ટેક્નોલોજી તેમજ સંરક્ષણના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધ્યો છે. આ કરારનું નામ 'અબ્રાહમ' એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી ત્રણેય ધર્મના લોકો પ્રોફેટ અબ્રાહમને પોતાના પૂર્વજ માને છે.
પાકિસ્તાન અને ઈઝરાયલ વચ્ચે કેમ છે આટલું અંતર?
ઈઝરાયલ અને આરબ મુસ્લિમ દેશ પેલેસ્ટાઈન વચ્ચે દાયકાઓથી ચાલી રહેલો વિવાદ જ આ મુખ્ય કારણ છે કે પાકિસ્તાન સહિતના ઘણા મુસ્લિમ દેશો ઈઝરાયલને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારતા નથી. પેલેસ્ટાઈન પોતાને આઝાદ દેશ તરીકે ઓળખાવવા માંગે છે (જેને ભારતનું પણ સમર્થન છે), પરંતુ ઈઝરાયલ તેના અસ્તિત્વને નકારી રહ્યું છે. ઈઝરાયલ પર પેલેસ્ટાઈનના મોટાભાગના વિસ્તારો પર ગેરકાયદેસર કબજો કરવાનો આરોપ છે.
આવા માહોલમાં, જ્યારે પાકિસ્તાનના ખાસ મિત્ર ગણાતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીધું નામ લઈને આદેશ આપ્યો છે, ત્યારે પાકિસ્તાન મોટા ધર્મસંકટમાં ફસાયું છે. તેના માટે ઈઝરાયલ સાથે હાથ મિલાવવો અશક્ય છે અને ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતાની વાત લાંબો સમય ટાળવી મુશ્કેલ છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરરાષ્ટ્રીય દબાણ સામે પાકિસ્તાન પોતાની કઈ નવી વ્યૂહનીતિ અપનાવે છે.









