Get The App

પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું, જેલમાં બંધ ઈમરાન ખાનને અડધી રાત્રે હૉસ્પિટલ ખસેડાયા, વીડિયો વાઇરલ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનનું રાજકારણ ગરમાયું, જેલમાં બંધ ઈમરાન ખાનને અડધી રાત્રે હૉસ્પિટલ ખસેડાયા, વીડિયો વાઇરલ 1 - image

Imran Khan Admitted in Hospital : પાકિસ્તાનમાં સત્તા પરથી હટ્યા બાદ નેતાઓ માટે જીવન સરળ નથી. પૂર્વ પીએમ ઈમરાન ખાન 3 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે અને તેમના પરિવાર કે સમર્થકોને તેમને મળવાની પણ પરવાનગી નથી. એટલું જ નહીં, તેમના ખાનગી ડૉક્ટરો અને વકીલોને પણ મળવા દેવામાં આવતા નથી. આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે તેમના સમર્થકોને જાણવા મળ્યું કે ઈમરાન ખાનને રાત્રે 2 વાગ્યે હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

આંખની સારવાર માટે 'ચોરી-છૂપીથી' હૉસ્પિટલ ખસેડાયા

ઈમરાન ખાનને 'પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ' (PIMS) લાવવામાં આવ્યા હતા. તેમની આંખમાં ગંભીર સમસ્યા હોવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે, તેમને કુલ ત્રણ ઇન્જેક્શન આપવાના છે. જેમાંથી આ બીજું ઇન્જેક્શન હતું. અહેવાલો મુજબ, તેમની જમણી આંખની રોશની હવે માત્ર 15% જ બચી છે.

હજી એક ઇન્જેક્શન અપાશે

હવે ત્રીજું ઇન્જેક્શન 24 માર્ચે આપવામાં આવશે. તેમને રાત્રે 2 વાગ્યે હૉસ્પિટલ લઈ જવાનો વીડિયો વાઇરલ થયા બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI)ના નેતા બેરિસ્ટર ગોહર ખાને સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "આ રીતે ચોરી-છૂપીથી કઈ સારવાર થઈ રહી છે? ઈમરાન ખાનની સારવારની જાણકારી તેમના સમર્થકોને મળવી જોઈએ. તેમનો ઇલાજ તેમના ખાનગી ડોક્ટર અને પરિવારની હાજરીમાં જ થવો જોઈએ."

સરકારનો દાવો: સ્થિતિ સુધારા પર છે

સંસદીય બાબતોના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ સોશિયલ મીડિયા (X) પર લખ્યું કે, "ઈમરાન ખાનને કડક સુરક્ષા વચ્ચે હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને તમામ કાનૂની તેમજ માનવીય સહાય પૂરી પાડવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે, તેમની નજરમાં સુધારો થઈ રહ્યો છે." ઈલાજ બાદ ઈમરાન ખાનને ફરીથી અદિયાલા જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.


"અમને સરકારના રિપોર્ટ્સ પર ભરોસો નથી"

ઈમરાન ખાનની બહેન અલીમા ખાને આ સમગ્ર પ્રક્રિયા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, "અમે સરકારની સારવાર કે તેમના ટેસ્ટ રિપોર્ટ્સ પર ભરોસો કરતા નથી. કાયદો કહે છે કે જો કોઈ કેદીનો ઇલાજ કરવામાં આવે તો પરિવારને જાણ કરવી જોઈએ, પરંતુ અમને કેમ અંધારામાં રાખવામાં આવ્યા? ડૉક્ટરોને પણ ધમકીઓ આપવામાં આવી છે કે જો કંઈ પણ લીક થયું તો ખેર નથી. સરકાર જો રિપોર્ટ્સ જાહેર કરશે તો પણ અમને તેના પર વિશ્વાસ નથી."