World

1971 બાદ પાકિસ્તાન બંગાળની ખાડીમાં પહેલીવાર તહેનાત કરશે સબમરીન, જાણો ભારતની તૈયારી

By GS Team
18 Jun 20264 mins read
TukuTouch Logo
પાકિસ્તાન પોતાની નૌસેનાની તાકાત વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વિસ્તારવા માટે એક મોટી વ્યૂહાત્મક યોજના પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાને ચીન નિર્મિત પોતાની નવી 'હંગોર-ક્લાસ' (Hangor-class) સબમરીનને કરાચીમાં પોતાના નૌસેના બેડામાં સામેલ કરી છે. હવે પાકિસ્તાની નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ આ સબમરીનને બંગાળની ખાડીમાં તહેનાત કરીને ત્યાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની વાતો કરી રહ્યા છે. વર્ષ 1971ના યુદ્ધ અને બાંગ્લાદેશના નિર્માણ પછી આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાન આ વિસ્તારમાં પોતાની કોઈ મોટી નૌસેના ગતિવિધિ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1971 બાદ પાકિસ્તાન બંગાળની ખાડીમાં પહેલીવાર તહેનાત કરશે સબમરીન, જાણો ભારતની તૈયારી

Pakistan's New Naval Move in the Bay of Bengal: પાકિસ્તાન પોતાની નૌસેનાની તાકાત વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વિસ્તારવા માટે એક મોટી વ્યૂહાત્મક યોજના પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાને ચીન નિર્મિત પોતાની નવી 'હંગોર-ક્લાસ' (Hangor-class) સબમરીનને કરાચીમાં પોતાના નૌસેના બેડામાં સામેલ કરી છે. હવે પાકિસ્તાની નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ આ સબમરીનને બંગાળની ખાડીમાં તહેનાત કરીને ત્યાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની વાતો કરી રહ્યા છે. વર્ષ 1971ના યુદ્ધ અને બાંગ્લાદેશના નિર્માણ પછી આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાન આ વિસ્તારમાં પોતાની કોઈ મોટી નૌસેના ગતિવિધિ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

'હંગોર' સબમરીનની ખાસિયત અને તેનું ઐતિહાસિક કનેક્શન

પાકિસ્તાનની યોજના પોતાના નૌસેનાના કાફલામાં આવી કુલ આઠ 'હંગોર-ક્લાસ' સબમરીન સામેલ કરવાની છે, જેથી તે પોતાની જૂની 'અગોસ્ટા' સબમરીનને બદલી શકે. ચીન દ્વારા નિર્મિત આ સબમરીનને એર-ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન(AIP) ટૅક્નોલૉજીથી સજ્જ કરવામાં આવશે. આ ખાસ ટૅક્નોલૉજીના કારણે તે સામાન્ય સબમરીનની સરખામણીએ પાણીની અંદર ખૂબ લાંબો સમય સુધી રહી શકે છે અને તેને રડાર પર ટ્રેક કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે.

પાકિસ્તાન માટે આ 'હંગોર' નામનો એક મોટો ઐતિહાસિક અને પ્રતીકાત્મક અર્થ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસલી 'પીએનએસ હંગોર' સબમરીનએ અરબ સાગરમાં ભારતીય યુદ્ધ જહાજ 'આઇએનએસ ખુખરી'ને ડૂબાડી દીધું હતું. આઝાદી પછી યુદ્ધના સમયે ભારતીય નૌસેનાનું કોઈ યુદ્ધ જહાજ ડૂબવાની આ પ્રથમ ઘટના હતી. જોકે, આ હુમલાથી 1971ના યુદ્ધના પરિણામ પર કોઈ ખાસ અસર પડી નહોતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને કારમી હાર આપીને તેના બે ટુકડા કરી દીધા હતા અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતી નિકટતા

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાની નૌસેનાના કમોડોર ઉમર ફારુકે શ્રીલંકામાં એક કાર્યક્રમ દરમિયાન આ નવી સબમરીનને 'ગેમ ચેન્જર' ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આનાથી પાકિસ્તાનને બંગાળની ખાડી સુધી પોતાની પહોંચ બનાવવામાં મદદ મળશે. પાકિસ્તાનની આ મહત્ત્વાકાંક્ષા એવા સમયે સામે આવી છે જ્યારે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં મોટો બદલાવ આવ્યો છે.

આ પણ વાંચો: અમેરિકન સાંસદે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- ભારતમાં મુસ્લિમોનો નરસંહાર થઇ રહ્યો છે...

વર્ષ 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ, મોહમ્મદ યુનુસના શાસનકાળમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે નાગરિક અને સૈન્ય સંબંધો ઝડપથી સુધર્યા છે. ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરીને ઢાકા-કરાચી વચ્ચેની ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે અને 1971 પછી પહેલીવાર બંને દેશો વચ્ચે સીધો દરિયાઈ વ્યાપાર પણ શરૂ થયો છે. એટલું જ નહીં, નવેમ્બર 2025માં પાકિસ્તાની યુદ્ધ જહાજ 'પીએનએસ સૈફ' સદ્ભાવના યાત્રા હેઠળ બાંગ્લાદેશના ચટગાંવ બંદરે પહોંચ્યું હતું. અહેવાલો મુજબ, બાંગ્લાદેશ હવે સૈન્ય સહયોગ અને ગુપ્ત માહિતી શેર કરવા માટે પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર પર પણ વાતચીત કરી રહ્યું છે.

ભારત માટે આનું શું મહત્ત્વ છે?

બંગાળની ખાડી પરંપરાગત રીતે ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વ્યૂહાત્મક વિસ્તાર છે, જ્યાં વિશાખાપટ્ટનમમાં ભારતની પૂર્વીય નૌસેના કમાન આવેલી છે. આ વિસ્તાર વ્યાપાર અને ઊર્જા માર્ગો માટે ભારત માટે લાઇફલાઇન સમાન છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા મુજબ, કોઈપણ દેશના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) બહારના ખુલ્લા સમુદ્રમાં વિદેશી સૈન્ય જહાજોને ફરવાની આઝાદી હોય છે, જેથી પાકિસ્તાનનું આ પગલું ભારતની દેખરેખ અને સુરક્ષા ચિંતાઓમાં વધારો કરી શકે છે.

જોકે, સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આ હરકતથી બંગાળની ખાડીમાં પાવર બેલેન્સ એટલે કે સત્તાનું સંતુલન બદલાશે નહીં. છેલ્લા પાંચ દાયકામાં ભારતીય નૌસેનાએ પોતાનો અભૂતપૂર્વ વિસ્તાર કર્યો છે અને આજે ભારત પાસે પરમાણુ સંચાલિત સબમરીન અને વિશાળ વિમાનવાહક જહાજો (એરક્રાફ્ટ કેરિયર) ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: શું ફક્ત 60 દિવસ જ ટોલ ફ્રી રહેશે હોર્મુઝ? અમેરિકા-ઈરાન MoUના 5મા પોઇન્ટથી દુનિયા ગુંચવાઈ

બંગાળની ખાડીમાં ભારતનું એકહથ્થુ શાસન

1971ની હાર પછી પાકિસ્તાની નૌસેના માત્ર ઉત્તરી અરબ સાગર સુધી જ સીમિત રહી ગઈ હતી, જ્યારે બંગાળની ખાડીમાં ભૌગોલિક અને વ્યૂહાત્મક રીતે હંમેશા ભારતનો જ દબદબો રહ્યો છે. ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલૅન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશો આ સમુદ્રી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

ભારત પોતાના અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહની આસપાસ નૌસેનાની ક્ષમતાઓને સતત મજબૂત કરી રહ્યું છે. બીજી તરફ, ફેબ્રુઆરી 2026માં તારિક રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બન્યા બાદ ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધોમાં પણ ફરી નવી ગરમાવો અને મજબૂતી જોવા મળી રહી છે, જે પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફેરવી શકે છે.