શું ફક્ત 60 દિવસ જ ટોલ ફ્રી રહેશે હોર્મુઝ? અમેરિકા-ઈરાન MoUના 5મા પોઇન્ટથી દુનિયા ગુંચવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War MoU Update : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા હસ્તાક્ષર કરાયેલા શરતોના ડ્રાફ્ટને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ કરારમાં હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવા અને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા કરવા જેવી બાબતો સામેલ છે. જોકે, આ 14 પોઇન્ટના MoUમાંથી પાંચમો પોઇન્ટ સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યો છે, કારણ કે તેમાં હાલમાં તો જહાજો પર કોઈ ટોલ ટેક્સ ન લગાવવાનો ઉલ્લેખ છે, પરંતુ ભવિષ્યમાં ટોલ વસૂલવાની સંભાવનાઓને પણ નકારી શકાતી નથી.
શું કહે છે કરારનો પાંચમો મુદ્દો?
કરારના સત્તાવાર દસ્તાવેજના 5મા મુદ્દામાં જણાવ્યા અનુસાર, 'આ MoU પર હસ્તાક્ષર થયા બાદ ઈરાન એ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરશે કે કોમર્શિયલ (વાણિજ્યિક) જહાજો કોઈપણ પ્રકારના ટોલ ટેક્સ વગર માત્ર 60 દિવસ માટે પર્શિયન ખાડીથી ઓમાન સાગર અને ઓમાન સાગરથી પર્શિયન ખાડી સુધી સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.'
આ મુદ્દામાં વધુમાં સ્પષ્ટતા કરાઈ છે કે, જહાજોની આ અવરજવર તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ યુદ્ધ દરમિયાન દરિયાઈ માર્ગમાં ઊભી થયેલી ટેકનિકલ-સૈન્ય અડચણો અને બિછાવેલી બારૂદી સુરોંગો (Landmines)ને સંપૂર્ણપણે હટાવવા માટે ઈરાન 30 દિવસનો સમય લેશે.
ભવિષ્યમાં ટોલ ટેક્સ લાગવાના સંકેતો અને તેનું મહત્ત્વ
પાંચમા મુદ્દાનો સૌથી ગંભીર ભાગ તેના અંતમાં લખાયેલો છે, જેમાં કહેવાયું છે કે, 'ઈરાન આગામી દિવસોમાં ઓમાન દેશ સાથે અને પર્શિયન ખાડીને અડીને આવેલા અન્ય તટવર્તી દેશો સાથે મળીને ચર્ચા કરશે કે હોર્મુઝ સ્ટ્રેટનું આગળનું મેનેજમેન્ટ (સંચાલન) કેવી રીતે કરવું. આ તમામ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંબંધિત દેશોના સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.'
આ નિર્ણયની અસરો:
સપ્લાય ચેઇન ઠપ થઈ હતી: હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાનો 20% કાચો તેલ (Crude Oil) સપ્લાય થાય છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ ઈરાને આ માર્ગ બંધ કરી દેતા વૈશ્વિક સ્તરે તેલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી.
60 દિવસ બાદ નવો નિયમ શક્ય: આ પાંચમા મુદ્દાનો સ્પષ્ટ અર્થ એ છે કે, આગામી 60 દિવસમાં જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ફાઇનલ શાંતિ ડીલ થશે, ત્યાં સુધી કોઈ ટોલ લેવાશે નહીં. પરંતુ ત્યારબાદ ઈરાન અને ઓમાન મળીને એક નવું મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી શકે છે, જેના હેઠળ હોર્મુઝમાંથી પસાર થતા વૈશ્વિક માલવાહક જહાજો પાસેથી મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવી શકે છે.









