World

હુથીઓ સામે પાકિસ્તાને પીછેહટ કરતાં સાઉદી નારાજ! શાહબાઝ શરીફે MBSને ફોન કરી ડેમેજ કંટ્રોલ કર્યું

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને યમનના હુથી વિદ્રોહીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહીથી પીછેહટ કરતાં સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં તિરાડ પડી છે. 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' હેઠળ સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાન કાર્યવાહી કરશે તેવા અગાઉના સંકેત બાદ હવે ઇસ્લામાબાદે આ કરારને માત્ર રક્ષણાત્મક ગણાવ્યો. આથી, ડેમેજ કંટ્રોલ માટે વડાપ્રધાન શાહબાઝ શરીફે સાઉદી ક્રાઉન પ્રિન્સ MBS સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. શરીફે હુથી હુમલાની નિંદા કરી સાઉદીને સમર્થન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

હુથીઓ સામે પાકિસ્તાને પીછેહટ કરતાં સાઉદી નારાજ! શાહબાઝ શરીફે MBSને ફોન કરી ડેમેજ કંટ્રોલ કર્યું

Pakistan Saudi Arabia Houthi conflict મધ્યપૂર્વમાં યમન સંકટ વધુ ઘેરું બની રહ્યું છે ત્યારે પાકિસ્તાને ઈરાન-સમર્થિત હુથી વિદ્રોહીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાના મુદ્દે પીછેહટ કરી છે. આમ કરવાથી સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં પડેલી સંભવિત તિરાડને રોકવા માટે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 'ડેમેજ કંટ્રોલ' મોડમાં આવી ગયા છે.

કરાર ફોક ગણાય એવું પગલું પાકિસ્તાને ભર્યું
તાજેતરમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે વચ્ચે 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' થયો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અગાઉ સંકેત આપ્યો હતો કે સાઉદી પર હુમલો થશે તો આ કરાર હેઠળ પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરશે. જોકે, ઈસ્લામાબાદે હવે સ્પષ્ટતા કરી છે કે આ કરાર માત્ર રક્ષણાત્મક છે અને પાકિસ્તાની સેના આપમેળે હુથીઓ સામે યુદ્ધમાં નહીં ઉતરે. આ નરમ વલણને કારણે સાઉદી અરેબિયા નારાજ ન થાય તે હેતુથી રવિવારે પીએમ શાહબાઝ શરીફે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. શરીફે સાઉદી નાગરિકો અને માળખાગત સુવિધાઓ પર હુથીઓના હુમલાની કડક નિંદા કરી સાઉદી નેતૃત્વ પ્રત્યે પૂર્ણ એકતા દર્શાવી હતી. સામે પક્ષે, ક્રાઉન પ્રિન્સે પણ પાકિસ્તાનના અડગ સમર્થનની પ્રશંસા કરી હતી.

હુથી વિદ્રોહીઓનો સાઉદી પર હુમલો
આ રાજદ્વારી ગતિવિધિઓ એવા સમયે થઈ રહી છે જ્યારે યમનમાં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. 2022માં યુએનની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ આ સૌથી ગંભીર તણાવ છે. હુથી દળોએ લાલ સમુદ્રના મહત્ત્વના બંદર 'મોખા' અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના ટાપુ પર કબજો જમાવ્યો છે, જ્યારે સાઉદી-સમર્થિત દળોએ પણ વળતા હુમલા શરૂ કર્યા છે. સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં 82,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. આ યુદ્ધને કારણે બાબ-અલ-મંદેબ જેવા વૈશ્વિક શિપિંગ માર્ગ પર મોટો ખતરો ઊભો થયો છે, જે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠામાં મોટો વિક્ષેપ પાડી શકે છે.

અમેરિકાએ સાઉદીની મદદ કરવાની ના પાડી
યમનમાં વધતા તણાવને કારણે સાઉદી અરેબિયાએ અમેરિકા પાસે પણ મદદ માંગી છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ સંજોગોમાં સાઉદી અરેબિયા પોતાના સુરક્ષા ભાગીદારોની વાસ્તવિક પ્રતિબદ્ધતાનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના પીએમ શરીફ 23 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) જનરલ એસેમ્બલી સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના છે. આ બેઠક પાકિસ્તાન માટે વોશિંગ્ટન અને રિયાધ સાથેના તેના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત કરવાની એક મહત્ત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.