- વિશાળ અને ડુંગરાળ પ્રદેશ હોવાથી સૈનિકો નિષ્ફળ જઈ રહ્યા છે બલુચ વિદ્રોહીઓ પાસે અત્યાધુનિક શસ્ત્રો છે પાક સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફ
ઈસ્લામાબાદ : સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કબૂલ્યું છે કે, 'બલુચિસ્તાન પ્રાંત વિશાળ તેમજ ડુંગરાળ હોવાથી ત્યાં સેનાને કાર્યવાહી કરવી મુશ્કેલ છે.'
ઉલ્લેખનીય છે કે, હવે તો બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાની સેના માટે આફત ઊભી કરી દીધી છે. હજી સુધીમાં ૧૭૭ જેટલા વિદ્રોહીઓ માર્યા ગયા છે તેમ છતાં તેઓ નમતું જોખવા તૈયાર જ નથી. તેટલું જ નહીં પરંતુ પાકિસ્તાની સેના સામેની લડતમાં હવે મહિલાઓ પણ જોડાઈ રહી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આજે (બુધવારે) સમવાય તંત્ર સંસદમાં જણાવ્યું હતું કે તે પ્રદેશમાં ૩૫ ચો.કી. મીટરે માંડ એક રહે છે. પરંતુ પ્રદેશ એટલો વિશાળ છે કે, શારીરિક રીતે જ સૈનિકોને ત્યાં ચોકી પહેરો ભરવો મુશ્કેલ છે. તેઓએ સંસદમાં તેમ પણ જણાવ્યું હતું કે લગભગ દરેક પાસે આશરે ૨૦ લાખ (પાકિસ્તાની) રૂપિયાની કિંમતની રાયફલ છે. તેમજ તેઓ જે રક્ષા કવચ સાથેનો પહેરવેશ પહેરે છે, તેની કિંમત ૨૦ હજાર ડોલર (૧૮.૧ લાખ રૂપિયા) જેટલી છે.
આ સાથે ખ્વાજા આસીફે સંસદમાં સ્પષ્ટત: કહ્યું હતું કે, 'હવે તેમની સાથે કોઈ પણ પ્રકારની મંત્રણાની જરૂર જ નથી. કારણ કે તે વિદ્રોહીઓ હવે તરકટોને પણ પોતાની સાથે જોડે છે અને બલુચ લિબરેશન આર્મી (બીએલએ) વતી તેઓ કામ કરે છે. બલુચિસ્તાનમાં આદિવાસીઓ, નોકરશાહી અને અલગતાવાદીઓ વચ્ચે સાંઠ-ગાંઠ થઈ ચૂકી છે. તેઓ તેમની તરકટો કરે છે અને એક દિવસમાં ૪ અબજ પાકિસ્તાની રૂપિયા કમાઈ શકે છે.'
ટૂંકમાં હવે બલુચિસ્તાનના ઉપર ઈસ્લામાબાદની સમવાયતંત્રી સરકારનો કોઈ કાબુ રહ્યો હોય, તેવું લાગતું નથી. પાકિસ્તાની સેના બીએલએ સામે 'સરેન્ડર' થઈ ગઈ છે.


