'અમારો અને ભારતનો DNA એક છે'- અફઘાન મંત્રીના આ નિવેદનથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Afghanistan Minister India Visit : પાકિસ્તાન સાથે સતત બગડતા સંબંધોની વચ્ચે અફઘાનિસ્તાને ભારત સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપ્યા છે. ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના કૃષિ, સિંચાઈ અને પશુપાલન મંત્રી મૌલવી અતાઉલ્લાહ ઓમારીએ બંને દેશોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ખુલીને પ્રશંસા કરી. તેમણે કહ્યું કે 'ભારત અને અફઘાનિસ્તાનનો ડીએનએ એક છે. ભારત આવીને એવું લાગ્યું જાણે, હું મારા જ દેશ અને મારા જ લોકો વચ્ચે છું.'
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય(MEA)ના સહયોગથી આયોજિત ઇન્ડિયા-અફઘાનિસ્તાન ટ્રેડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્ટિવ સેશનને સંબોધિત કરતાં ઓમારીએ કહ્યું કે, 'આ તેમનો પહેલો ભારત પ્રવાસ છે, અને અહીં તેમને જે સન્માન અને પોતાપણું મળ્યું, તેણે તેમનું દિલ જીતી લીધું.'
અફઘાન મંત્રીને પસંદ આવી ભારતની મહેમાનગતિ
અફઘાન મંત્રીએ કહ્યું કે, ભારતની મહેમાનગતિ અફઘાનિસ્તાનના લોકો માટે આશાનું નવું કિરણ લઈને આવી છે. તેમણે કહ્યું, 'ભારતમાં મળેલું આ સન્માન અફઘાનિસ્તાનના લોકો માટે વધુ સારા ભવિષ્યની આશા સમાન છે. અમારો અંદાજે 80 ટકા સમાજ કૃષિ, સિંચાઈ અને પશુપાલન પર નિર્ભર છે. હવે સમય આવી ગયો છે કે, આ ક્ષેત્રોને આધુનિક ટૅક્નોલૉજી સાથે જોડવામાં આવે, અને ભારત આ દિશામાં એક મહત્ત્વનો ભાગીદાર બની શકે છે.' ઓમારીએ વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાન આર્થિક વિકાસ માટે દુનિયાના વિવિધ દેશો સાથે સહયોગ વધારવા માંગે છે. તેમણે ભારતીય ઉદ્યોગ જગત પાસે રોકાણ, કૃષિ ટૅક્નોલૉજી, ફૂડ પ્રોસેસિંગ, સિંચાઈ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સહકારની અપીલ પણ કરી.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શું થઈ રહ્યું છે?
અફઘાન મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચે સરહદ વિવાદ, સુરક્ષા મુદ્દાઓ અને રાજકીય મતભેદોને લઈને સતત તણાવ વધી રહ્યો છે. આવા વાતાવરણમાં ભારત સાથે અફઘાનિસ્તાનની વધતી નિકટતાને પ્રાદેશિક રાજનીતિના દૃષ્ટિકોણથી પણ ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ જ સપ્તાહે નવી દિલ્હીમાં ભારત-અફઘાનિસ્તાન સંયુક્ત સમિતિ(જોઇન્ટ કમિટી)ની ચોથી બેઠક પણ યોજાઈ હતી, જેમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગના લગભગ તમામ મુખ્ય ક્ષેત્રો પર વિસ્તારથી ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેઠકમાં માનવીય સહાયતા, વિકાસ યોજનાઓ, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ, રમતગમત, વેપાર, ક્ષમતા નિર્માણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા પર સંમતિ બની છે.









