Iran's Drone Attack In Oman : ઓમાનના સોહાર શહેરમાં થયેલા એક હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને અન્ય 10 ભારતીયો ઈજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ અંગેની જાણકારી આપી હતી. અધિક સચિવ અસીમ આર. મહાજને જણાવ્યું હતું કે, આ ઘટનામાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 10 ભારતીયોનો સમાવેશ થાય છે.
10 ભારતીય ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત ગંભીર
ઈજાગ્રસ્ત થયેલા 10 ભારતીયોમાંથી પાંચ નાગરિકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે બાકીના પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓ આ ઘટના અંગે ઓમાનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઇકનો બદલો લીધો
ઈરાને અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રોન ઝિંક્યું
બીજી તરફ, અલ જઝીરાના અહેવાલમાં ઓમાનની સરકારી સમાચાર એજન્સીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આ એક ડ્રોન હુમલો હતો. શુક્રવારે સવારે એક ડ્રોન અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તાર સાથે અથડાયું હતું, જેના કારણે બે વિદેશી નાગરિકોના મોત થયા હતા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : ઈરાનને રશિયા-ચીનનું ખુલ્લેઆમ સમર્થન! UN સુરક્ષા પરિષદમાં અમેરિકા સામે આક્રમક ચર્ચા


