- ઇરાનને મિસાઇલ્સ બનાવવાની પણ છૂટ અપાઈ
- રાજકીય શતરંજમાં પરાસ્ત ટ્રમ્પને ઇરાન જે માગે તે આપવું પડયું હોર્મુઝ-ટોલ લેવાની છૂટ : પ્રતિબંધો દૂર : ઇરાનને માલામાલ કર્યું
નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુધ્ધ ખતમ થયું. બંને વચ્ચે ડીલ થઈ. ડીલ પર મહોર પણ લાગી. પરંતુ પ્રશ્ન તે છે કે આ ૧૧૦ દિવસના યુધ્ધમાં જીત કોની થઈ ? જમીન પર મુકાબલો તો અનિર્ણિત જ રહ્યો છે. પરંતુ ડીલથી ઇરાન માલામાલ થઈ ગયું છે. કદાચ ઇરાને પણ આ ધાર્યું નહીં હોય. તેને હોર્મુઝ-ટોલ વસુલ કરવાનો પણ હક્ક મળી ગયો. પ્રતિબંધો દૂર થઈ ગયા. અબજો ડોલરની જપ્ત સંપત્તિ મુક્ત થઈ ગઈ. ૩૦૦ અબજ ડોલરનો નિવેશ મળે તેવી સંભાવના છે.
ટૂંકમાં આ ડીલ ઇરાન માટે જેક-પોટ બની રહી છે.
(૧) ટ્રમ્પે પોતાના હાથે જ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો ઉપર ટોલ લેવાની પરવાનગી આપી. જો કે ઇરાન તરફથી મંત્રણામાં નેતૃત્વ કરનારા ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘાલીબાફે જણાવ્યું હતું કે, હજી ૬૦ દિવસ સુધી ટોલ વસુલ નહીં કરાય. ૧૪ પોઇન્ટના આ એમઓયુમાં અમેરિકાએ ઇરાન માટે ટોલ વસુલીનો માર્ગ ખોલી દીધો છે. ઇરાન ઓમાન સાથે મળીને હોર્મુઝ મેનેજ કરવાના નવા નિયમનો લાભ લઇ શકશે.
(૨) ડીલના ૭મા પોઇન્ટમાં અમેરિકાએ ઇરાન પર મુકેલા પ્રતિબંધો દૂર કરવા જણાવ્યું છે. તેમાં યુએન દ્વારા મુકાયેલા પ્રતિબંધો તેમજ યુએસ દ્વારા મુકાયેલા પ્રતિબંધો સામેલ છે.
(૩) ડીલના ૧૧માં પોઇન્ટ પ્રમાણે અમેરિકા દુનિયાભરમાં જપ્ત ઇરાનના ૧૦૦ અબજ ડોલરથી પણ વધુ ફંડો (ફ્રોઝન એસ્ટેટસ) મુકત કરશે. જો કે હજી તે સ્પષ્ટ નથી કે તે ક્યારે અને કેટલા પ્રમાણમાં મુક્ત કરશે. ઇરાની મીડીયા અને એનેલિસ્ટસનું માનવું છે કે ઇરાનની ૧૨૪ અબજ ડોલરથી ૧૬૭ અબજ ડોલર સુધીની વિદેશોમાં રહેલી સંપતીઓ જપ્ત છે.
(૪) ઇરાનને તુર્ત જ પોતાનું તેલ વેચવાની છૂટ અપાઈ. હવે ઇરાન તેની ટેન્કોમાં રખાયેલું કરોડો ડોલરની કિંમતનું તેલ વીના અવરોધ વેચી શકશે. તે રોજ આશરે ૨૦ લાખ બેરલ જેટલું તેલ વેચી શકશે. વાસ્તવમાં આ તેલ નિકાસ જ ઇરાનનાં અર્થતંત્રનો મુખ્ય આધાર છે. તેની ૫૦% આવક તેલ આધારીત છે.
(૫) એમઓયુનાં છઠ્ઠાં પોઇન્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અને તેના ક્ષેત્રીય પાર્ટનર્સ ઇરાનને ફરી બેઠું કરવા માટે અને તેના આર્થિક વિકાસ માટે, ઓછામાં ઓછા ૩૦૦ અબજ ડોલરની યોજના ઘડી કાઢશે. જે ૬૦ દિવસમાં જ તૈયાર થઇ જશે. જ્યારે ઇરાનમાં રોકાણ કરવા માટે કંપનીઓને અમેરિકા પોતે જ મંજૂરી, લાઇસન્સ તથા પરવાનગી આપશે. અમેરિકા કંઈ સીધા પૈસા નહીં આપે પરંતુ યુએઇ જેવા પાર્ટનર્સ સાથે મળીને મૂડી રોકાણો કરશે.
આ બધાના બદલામાં ઇરાને દરેક મોર્ચે અમેરિકાની જેમજ યુધ્ધ બંધ કરવું પડશે, એકબીજાનાં સાર્વભૌમત્વનું સન્માન રાખવું પડશે. તે પરમાણુ શસ્ત્રો નહીં ખરીદવા કે નહીં બનાવવા સંમત થયું છે. જો કે ઇરાન પહેલેથી જ કહેતું આવ્યું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હેતુઓ માટે છે.
સૌથી વધુ આંચકાજનક વાત તે છે કે, ટ્રમ્પ પોતે જ હવે કહે છે કે : જો બીજા દેશો પાસે મિસાઇલ્સ હોય તો ઇરાન પાસે શા માટે ન હોવા જોઈએ. આ વાત તેમણે પેરીસમાં કરી હતી.
યુરેનિયમ સમૃધ્ધ કરવા અંગે આઠમા પોઇંટમાં તે પણ લખવામાં આવ્યું છે કે લગભગ પરમાણુ બોમ્બ બનાવવા સુધી પહોંચી ગયેલું ઇરાન હવે તેમાં સમૃધ્ધ-યુરેનિયમ લોઅર ગ્રેડમાં કરતું રહેશે. જે ડાઉન બ્લેડીંગ કહેવાય છે અને તે કાર્યવાહી તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની નજર નીચે કરશે. ૬૦ દિવસ પછી બંને દેશો વચ્ચે ઇરાનના પરમાણુ કાર્યક્રમ વિષે પણ મંત્રણા થવાની છે.


