World

ગ્રીન કાર્ડ માટે બધા ઇમિગ્રન્ટે વિઝા છોડવું નહીં પડે

By GS Team
31 May 20262 mins read
ગ્રીન કાર્ડ માટે બધા ઇમિગ્રન્ટે વિઝા છોડવું નહીં પડે

- મોટા હોબાળા પછી ઇમિગ્રેશન વિભાગની સ્પષ્ટતા

- છેલ્લાં બે દાયકામાં દર વર્ષે પાંચ લાખ લોકોએ સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યું છે 

વોશિંગ્ટન : અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ગ્રીન કાર્ડ ઇચ્છુક બધા ઇમિગ્રન્ટે કંઈ તેમની આ પ્રકારની અરજીઓ માટે તેમના પોતાના દેશમાં પરત ફરવાની ફરજ નહી પડે, એમ ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું હતું. 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)એ જણાવ્યું હતું કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝનું કહેવું છે કે પરમેનન્ટ રેસિડેન્સી ઇચ્છતા યુવકોએ તેમના પોતાના મૂળ વતન દેશમાં પરત ફરીને ગ્રીન કાર્ડ માટે રાહ જોવી પડશે.

હવે ડીએચએસના પ્રવક્તાએ ધ ર્ન્યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે આ તો ફક્ત ઓફિસરોને તેમની વિવેકમુનસફી મુજબની સત્તા લેવા માટેનો એક રિમાઇન્ડર હતો, જેમાં તેઓ હંમેશા દરેક કેસના આધારે નિર્ણય લે છે. 

ડીએચએસે જણાવ્યું હતું કે ૨૨મી મેના રોજનો યુએસસીઆઇએસ મેમો કંઈ વિઝા માળખામાં આમૂલ પરિવર્તન લાવતો મેમો નથી. અહીં તો ઇમિગ્રેશન ઓફિસરે જ નક્કી કરવાનું હોય છે કે કોઈને ગ્રીન કાર્ડ માટે તેના દેશ પરત મોકલવો કે નહીં. પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ નિર્ણયના કારણે ફક્ત વિઝા ઓવરસ્ટે કરનારા અથવા તો જાહેર સહાયનો મોટાપાયા પર ઉપયોગ કરનારા દેશોના નાગરિકોના જૂથોને જ અસર પડશે. 

જો કે આ બધી ખાતરીઓ છતે ઇમિગ્રશન વકીલો થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવી રહ્યા છે. ૨૦૨૪માં ૧૪ લાખ ગ્રીનકાર્ડ ધારકને મંજૂરી મળી હતી, જેમા ૮.૨ લાખને દેશની અંદર સ્ટેટસ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા દ્વારા મંજૂરી મળી હતી, એમ હોમલેન્ડ સિક્યોરિટી ડેટાના વિભાગે જણાવ્યું હતું. છેલ્લા બે દાયકામાં પાંચ લાખથી વધુ લોકોએ દર વર્ષે સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યું છે. તેમાં ફક્ત ૨૦૨૦નું કોવિડનું વર્ષ અપવાદરૂપ હતુ. દર વરષે ૩૦ હજારથી વધુ ભારતીય એચ-૧બી વિઝા ધારકો ગ્રીન કાર્ડ માટે બાકી રહી જાય છે. 

સ્વૈચ્છિક સંગઠન ઇન્ડિયાસપોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે ભારતીય ઇમિગ્રન્ટ્સ અને તેમના કુટુંબો અમેરિકાની કુલ વસ્તીમાં ૧.૫ ટકા હિસ્સો ધરાવે છે અને છ ટકા ટેક્સ ચૂકવે છે. અમેરિકાની ૬૦ ટકા હોટેલ્સના માલિક ભારતીય ઇમિગ્રન્ટ છે અને તેઓએ ૪૦ લાખ જોબનું સર્જન કર્યુ છે.