World

ઈરાન સામે યુદ્ધ વચ્ચે અમેરિકા માટે નવું ટેન્શન, યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ના સૈનિકો હતાશ, આત્મહત્યાના પ્રયાસનો દાવો

By GS Team
13 Aug 20263 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે, યુએસ નૌકાદળના 'યુએસએસ અબ્રાહમ લિંકન' વિમાનવાહક જહાજ પર 5,000 ખલાસીઓ અને મરીન સૈનિકો ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. 250 દિવસથી વધુ સમયથી સમુદ્રમાં તહેનાત આ સૈનિકોમાંથી કેટલાક ખલાસીઓએ હતાશામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા અહેવાલ છે. પરિવારોએ જહાજ પર ખરાબ જીવનશૈલી અને સુવિધાઓના અભાવ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સામે યુદ્ધ વચ્ચે અમેરિકા માટે નવું ટેન્શન, યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ના સૈનિકો હતાશ, આત્મહત્યાના પ્રયાસનો દાવો
ફોટો સોર્સ: US navy

Sailors Tried To Jump Off US Warship: મધ્ય-પૂર્વમાં વધી રહેલા યુદ્ધ અને રાજકીય તણાવ વચ્ચે, યુએસ નૌકાદળના સૌથી શક્તિશાળી વિમાનવાહક જહાજોમાંના એક ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ પરથી એક ગંભીર અને ચિંતાજનક માનવીય સંકટ સર્જાયું છે. દેશની સેવા માટે સમુદ્રમાં તહેનાત સૈનિકો હવે દુશ્મન સામે લડવા કરતાં પોતાની અંદરના તણાવ અને અસહ્ય પરિસ્થિતિ સામે વધુ ઝઝૂમી રહ્યા છે. મહિનાઓ સુધી ઘરથી દૂર રહેવા, સતત વધતી તહેનાતી અને જહાજ પરની ખરાબ જીવનશૈલીને કારણે ખલાસીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે. હતાશાને કારણે કેટલાક ખલાસીઓએ સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

લાંબી તહેનાતીએ સર્જી માનસિક તણાવની સ્થિતિ

વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન પર આશરે 5,000 ખલાસીઓ અને મરીન સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. આ જહાજ 21 નવેમ્બર, 2025ના રોજ સાન ડિએગોથી પેસિફિક ડિપ્લોયમેન્ટ માટે રવાના થયું હતું, પરંતુ ઈરાન સામેની લશ્કરી કામગીરી માટે તેને મધ્ય-પૂર્વ તરફ વાળી દેવામાં આવ્યું હતું. આ જહાજ પર રહેતા સૈનિકો અત્યાર સુધીમાં સતત 250 દિવસ સમુદ્રમાં વિતાવી ચૂક્યા છે. આ આખી તૈનાતી દરમિયાન જહાજ માત્ર બે જ વાર રોકાયું છે. ડિસેમ્બરમાં ગુઆમમાં અને જુલાઈમાં ઓમાનમાં, મૂળ યોજના મુજબ આ જહાજ મે મહિનામાં પરત ફરવાનું હતું, પરંતુ કામગીરી વધારવાને કારણે તેમની ઘર વાપસી અટકાવી દેવાઈ છે.

સમુદ્રમાં કૂદવાના પ્રયાસો સામે પરિવારોનો આક્રોશ

જહાજ પર રહેલા ખલાસીઓ ભારે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. કેટલાક અહેવાલો મુજબ, માનસિક થાક અને હતાશાને કારણે કેટલાક ખલાસીઓએ સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં એક સૈનિકને તેના સાથીએ કૂદતા બચાવી લીધો હતો. દરમિયાન અમેરિકાના સાન ડિએગોમાં સૈનિકોના 200 જેટલાં પરિવારજનોની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં પરિવારોએ અધિકારીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

  • એનાબેલ લોમા નામના એક મહિલાએ જણાવ્યું કે વારંવાર તહેનાતી લંબાવાતા તેમના પતિ ગભરાઈ ગયા હતા અને તેમણે સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને લાગે છે કે તેને સેવામાંથી અપમાનજનક રીતે છૂટા કરાશે. એટલું જ નહીં, તેની 13 વર્ષની કારકિર્દી ફક્ત એટલા માટે બરબાદ થઈ જશે કારણ કે તે ફરજ બજાવતાં-બજાવતાં થાકી ગયો છે.
  • એક અન્ય મહિલાએ ખુલાસો કર્યો કે તેના પતિએ મેસેજ કરીને કહ્યું હતું કે તેને લાગે છે કે તે આવતીકાલ સવારે જીવતો જાગશે નહીં.
  • પરિવારોએ આક્ષેપ કર્યો છે કે નૌકાદળના સિનિયર ઓફિસરો અને સૈનિકો વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો છે.

જહાજ પર જીવન જરૂરિયાતોનો અભાવ

ડેમોક્રેટિક કોંગ્રેસમેન માઇક લેવિન અને પીડિત પરિવારોએ જહાજ પરની સ્થિતિ વિશે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ જહાજ પર નીચે મુજબની સ્થિતિ છે.

  • શૌચાલય અને લોન્ડ્રી તૂટેલી હાલતમાં છે.
  • બાથરૂમમાં ફૂગ જામી ગઈ છે અને ગરમ પાણી ઉપલબ્ધ નથી.
  • સૈનિકોને પૂરતો ખોરાક નથી મળતો; માત્ર અડધો કપ ચોખા અને બે ટોર્ટિલા અપાય છે.
  • સાબુ, ડિઓડ્રન્ટ કે ટૂથપેસ્ટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે.

સંરક્ષણ સચિવની ટીકા કરી

આ મીટિંગમાં માઇક લેવિને સંરક્ષણ સચિવ પીટ હેગસેઠની ટીકા કરતાં કહ્યું કે જે સૈનિકો (પુરુષ અને મહિલા) દેશની સેવા કરી રહ્યા છે, તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.

યુએસ નૌસેનાએ તમામ અહેવાલો ફગાવી દીધા

બીજી તરફ, યુએસ નેવીએ આત્મહત્યાના પ્રયાસો અને આત્મહત્યાના વિચારો વધવાના દાવા ફગાવી દીધા છે. નેવીના અધિકારીઓએ નીચે મુજબની માહિતી આપી હતી.

  • જહાજ પર આત્મહત્યાના કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.
  • ખલાસીઓની મદદ માટે ડિપ્લોયમેન્ટ-રેઝિલિયન્સ કાઉન્સિલર અને પાદરીઓ ઉપલબ્ધ છે.
  • જહાજ પર સ્વચ્છ પાણી, એર કન્ડિશનિંગ અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ છે.

મધ્ય પૂર્વમાં તણાવ લાંબો સમય ચાલુ રહેશે

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા માટે યુએસએસ અબ્રાહમ લિંકન હુકમના એક્કા જેવું કામ આપે એમ છે. જો કે, ભૌગોલિક-રાજકીય સંઘર્ષને કારણે મહિનાઓથી વતનથી દૂર રહેલા અમેરિકન સૈનિકોનું માનસિક સ્વાસ્થ્ય હવે ચિંતાનો વિષય બની ગયું છે. જહાજની પરત ફરવાની તારીખ અસ્પષ્ટ હોવાથી સૈનિકો અને તેમના પરિવારો માટે આ અશાંતિ હજુ લાંબી ચાલશે, એવું લાગે છે.