મિડલ ઈસ્ટમાં નવું સંકટ! સાઉદી પ્રિન્સે 2 વાર ફોન કર્યો પણ ટ્રમ્પે હૂતીઓ પર હુમલો કરવાની ના પાડી દીધી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saudi-Yemen Conflict : પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર પહોંચ્યો છે. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્ર કિનારે આવેલા વ્યૂહાત્મક શહેર મોચા પર કબજો કરી લીધો છે અને હવે તેઓ બાબ અલ-મંડેબ જળમાર્ગ પર નિયંત્રણ મેળવવાની તૈયારીમાં છે. જો આમ થશે તો સાઉદી અરેબિયા હૂતીઓના સંકજામાં ફસાઈ શકે છે. હૂતીઓએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલા પણ કર્યા છે, જેનો સાઉદીએ વળતો જવાબ આપ્યો છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાએ અમેરિકા પાસે લશ્કરી મદદ માંગી હતી, પરંતુ અમેરિકાએ હૂતીઓ પર હુમલો કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
અમેરિકાએ સાઉદી અરેબિયાની વિનંતી ફગાવી
એક્સિઓસના અહેવાલ મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Mohammed bin Salman)એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ફોન કરીને હૂતીઓ સામે લશ્કરી કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. જોકે, અમેરિકી પ્રશાસને હાલ આ મામલે સીધો લશ્કરી હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. હૂતીઓ જે બાબ અલ-મંડેબ જળમાર્ગ તરફ આગળ વધી રહ્યા છે તે લાલ સમુદ્રને અદનની ખાડી સાથે જોડે છે, જે વૈશ્વિક વેપાર અને સાઉદી અરેબિયાના તેલની નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો
લાલ સમુદ્રમાં લડાઈના કારણે મહત્વના દરિયાઈ વેપાર માર્ગો જોખમમાં મુકાવાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઝડપથી વધીને પ્રતિ બેરલ 116 ડોલરની આસપાસ પહોંચી ગયા છે. ઈરાન પહેલાથી જ હોર્મુઝ જળમાર્ગના શિપિંગમાં અડચણો ઊભી કરી રહ્યું છે, ત્યારે બાબ અલ-મંડેબ પર હૂતીઓનો સંભવિત કબજો અમેરિકા અને ખાડી દેશો પર દબાણ વધારવા માટેનું એક મોટું હથિયાર બની શકે છે.
સીધા યુદ્ધથી બચવા અમેરિકાનો પ્રયાસ
અમેરિકા યમનમાં સીધા લશ્કરી હસ્તક્ષેપથી બચવા માંગે છે, કારણ કે સીધા સૈન્ય સંઘર્ષથી સમગ્ર પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ ભડકી શકે છે. જોકે, પરિસ્થિતિ પર નજર રાખવા અને વ્યૂહાત્મક તાલમેલ જાળવવા માટે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.
સાઉદી અરેબિયાના વલણમાં મોટો બદલાવ
હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં સાઉદી તેલના ટેન્કરો અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા તેજ કર્યા બાદ સાઉદી અરેબિયાના વલણમાં આ મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ સાઉદી અરેબિયાએ અમેરિકી લશ્કરી મદદ વિના જ આ ખતરાનો સામનો કરવાની વાત કરી હતી, પરંતુ જમીની પરિસ્થિતિ વણસતાં હવે તેણે સીધી અમેરિકી સૈન્ય કાર્યવાહીની માંગ કરવી પડી છે.




