- ભારતમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સુવિધા યથાવત્
- અંગત ઉપયોગની રૂપિયા 500 સુધીની ચીજવસ્તુ કશી પણ કસ્ટમ ડયુટી આપ્યા સિવાય નેપાળમાં લઈ જઈ શકાશે
નવી દિલ્હી : નેપાળ સરકારે ભારતથી નેપાળમાં લઈ જવાતી ચીજવસ્તુઓ ઉપરની કસ્ટમ ડયુટીમાં બહુ મોટો ફેરફાર કરી રૂ. ૫૦૦ સુધીની અંગત ઉપયોગની ચીજો ઉપર કશો પણ આયાત કર નહીં લેવાની જાહેરાત કરતાં નેપાળીઓ ખુશખુશાલ થઈ ગયા છે. કારણ કે પહેલાં તો માત્ર રૂ. ૧૦૦ સુધીની કિંમતની અંગત ઉપયોગની ચીજો ઉપર આયાત કરમાં મુક્તિ હતી.
નેપાળનાં વિત્ત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો આ નિયમ તત્કાલિક અસરથી અમલી બન્યો છે. આવશ્યકતા અને ઔચિત્યના આધારે ભારતમાંથી આયાતી ચીજવસ્તુઓનું વિશ્લેષણ કરી કસ્ટમ અધિકારી જીવન જરૂરિયાતની રૂ. ૫૦૦ સુધીની કિંમતની ચીજો ઉપર ટેક્ષ નહીં લે.
જોકે સ્થળ માર્ગથી આવનારા યાત્રીઓને હવાઈ માર્ગે આવતા યાત્રીઓ જેટલી સુવિધા નથી મળતી છતાં આટલી રાહત પણ મહત્વની મનાઈ રહી છે.
આ ઉપરાંત ભારતમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને નેપાળ સરકાર તરફથી અપાતી વિશેષ સુવિધાઓ યથાવત્ રાખવામાં આવી છે.
મે ૨૦૨૫માં પ્રસિદ્ધ કરાયેલી અધિસૂચના નીચે સીમા નાકાંઓ ઉપર ૧૦૦ રૂપિયાથી વધુ મૂલ્યનો સામાન લાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. આનો અમલ શરૂ થતાં અનેક સ્થળોએ નેપાળના લોકોએ જબ્બર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતાં તેથી તે સમયની ઓલી સરકાર સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. દેશમાં ચીજવસ્તુઓની ખેંચને લીધે ફાટી નીકળેલી મોંઘવારી સામે જનરેશન ઝેડ (જન.-ઝેડ) દ્વારા રમખાણો શરૂ કરાયાં જેમાં વિદ્યાર્થીઓની સાથે જનસામાન્ય પણ જોડાતાં છેવટે તે સમયના વડાપ્રધાન ઓલી ત્યાગપત્ર આપી દુબઈ સારવાર માટે જાઉં છું કહી ચાલ્યા ગયા હતા.
ટૂંકમાં કેટલાંક અનાજથી શરૂ કરી જીવન જરૂરિયાતની મૂળભૂત ચીજો પણ ભારતમાંથી જ નેપાળમાં જાય છે.


