World

નેપાળે ચલણી સિક્કા પરથી વિવાદિત નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો, ભારતના વિસ્તારો પોતાનામાં દર્શાવ્યા

By GS Team
21 Jul 20264 mins read
TukuTouch Logo
નેપાળ સરકારે 1 રૂપિયાના સિક્કા પરથી ભારતના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા દર્શાવતો વિવાદાસ્પદ નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો છે. નેપાળ રાષ્ટ્ર બેંકે પહેલા મુસ્તાંગના મઠની તસવીરનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ વિરોધ થતાં હવે નકશા સાથે મઠની તસવીર છાપવામાં આવશે. 1 રૂપિયાનો સિક્કો બનાવવામાં 2 રૂપિયાથી વધુ ખર્ચ થતો હોવાથી તેનું વજન પણ ઘટાડવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળે ચલણી સિક્કા પરથી વિવાદિત નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો, ભારતના વિસ્તારો પોતાનામાં દર્શાવ્યા
IMAGE SOURCE-@ASHU

Nepal Coin Map Dispute : નેપાળ સરકારે 1 રૂપિયાના સિક્કા પરથી વિવાદાસ્પદ રાષ્ટ્રીય નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ નકશામાં ભારતના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો હિસ્સો દર્શાવવામાં આવ્યા છે. નેપાળ રાષ્ટ્ર બેંક (NRB) એ પહેલા પ્રસ્તાવ મૂક્યો હતો કે, 1 રૂપિયાના સિક્કા પર છપાયેલા નેપાળના વિવાદાસ્પદ નકશાની જગ્યાએ મુસ્તાંગના ઐતિહાસિક મઠની તસવીર મૂકવામાં આવે. આ નકશાને સિક્કા પરથી હટાવવાના સમાચાર જેવા બહાર આવ્યા કે, તરત જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. ત્યારબાદ મંત્રાલયે નેપાળ રાષ્ટ્ર બેંકને નિર્દેશ આપ્યો કે, ડિઝાઇનમાં બૌદ્ધ મઠની સાથે નેપાળનો રાષ્ટ્રીય નકશો પણ સામેલ કરવામાં આવે. ત્યારબાદ સંશોધિત પ્રસ્તાવ ફરીથી મંજૂરી માટે મોકલવામાં આવે. આ પહેલાં કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, નેપાળ સરકારે 1 રૂપિયાના નવા સિક્કાને મંજૂરી આપી દીધી છે.

વર્તમાન સરકાર બન્યા પહેલા જ તૈયાર થયો હતો પ્રસ્તાવ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ વર્તમાન સરકાર બન્યા પહેલાં તૈયાર થવાનો શરૂ થયો હતો. તેનો હેતુ નેપાળના ચલણ પર દેશના અલગ-અલગ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સ્થાન આપવાનો હતો. નેપાળ રાષ્ટ્ર બેંકના એક અધિકારીએ જણાવ્યું કે, 'નેપાળની ઘણી નોટો અને સિક્કાઓ પર પહેલાથી જ પશુપતિનાથ મંદિર અને જાનકી મંદિર જેવા હિન્દુ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની તસવીરો છે. એવું અનુભવાયું કે, બૌદ્ધ વારસાને પૂરતું સ્થાન મળ્યું નથી. તેથી લો ઘેકર મઠને પસંદ કરવામાં આવ્યો, કારણ કે, તેનું ઐતિહાસિક મહત્ત્વ ખૂબ મોટું છે. સાથે જ તેનાથી મુસ્તાંગમાં પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.'

લો ઘેકર મઠ નેપાળના અપર મુસ્તાંગમાં આવેલો છે. માનવામાં આવે છે કે, તેની સ્થાપના 8મી સદીમાં ગુરુ પદ્મસંભવ (ગુરુ રિનપોચે) દ્વારા કરવામાં આવી હતી. ઇતિહાસકારો તેને નેપાળના સૌથી જૂના બૌદ્ધ મઠોમાંનો એક જ નહીં, પરંતુ સમગ્ર હિમાલયી વિસ્તારના સૌથી પ્રાચીન બૌદ્ધ મઠોમાં ગણે છે.

1 રૂપિયાનો સિક્કો બનાવવામાં 2 રૂપિયાથી વધુ ખર્ચ

નેપાળ રાષ્ટ્ર બેંક કેબિનેટના નિર્દેશ મુજબ નવી ડિઝાઇન તૈયાર કરશે, જેમાં રાષ્ટ્રીય નકશો અને લો ઘેકર મઠ બંને હશે. સરકારની અંતિમ મંજૂરી મળ્યા પછી જ, નવા સિક્કાઓનું નિર્માણ શરૂ થશે. નેપાળ રાષ્ટ્ર બેંક 1 રૂપિયાના સિક્કાની ધાતુ અને વજન બદલવાની તૈયારી પણ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં 1 રૂપિયાનો એક સિક્કો બનાવવામાં 2 રૂપિયાથી પણ વધુ ખર્ચ આવે છે. તેથી તેનું ઉત્પાદન આર્થિક રીતે ખોટનો સોદો બની ગયું છે. નવી ડિઝાઇનમાં સિક્કાનું વજન પણ ઘટાડવામાં આવશે, જેથી ઉત્પાદન ખર્ચ ઘટે.

10 રૂપિયાના સિક્કાની ડિઝાઇન પણ બદલાશે

આ ઉપરાંત 10 રૂપિયાના સિક્કા પર દૈલેખના ભૂર્તિ દેવલ મંદિર સમૂહને સામેલ કરવાના પ્રસ્તાવ પર પણ વિચાર ચાલી રહ્યો છે. આ 22 મંદિરોનો સમૂહ છે, જેનું નિર્માણ 14મી અને 15મી સદીમાં ખાસ મલ્લ શાસકોના સમયમાં થયું હતું. નેપાળમાં ચલણની ડિઝાઇન બદલવાનો ઇતિહાસ પણ જૂનો છે. રાજશાહીના સમયમાં નોટો અને સિક્કાઓ પર રાજા મહેન્દ્ર, રાજા બીરેન્દ્ર અને રાજા જ્ઞાનેન્દ્રની તસવીરો છપાયેલી રહેતી હતી. પરંતુ વર્ષ 2006ના રાજકીય ફેરફાર પછી, તેમની જગ્યાએ માઉન્ટ એવરેસ્ટ, વન્યજીવો, રાષ્ટ્રીય સ્મારકો અને સાંસ્કૃતિક પ્રતિકોને સામેલ કરવામાં આવ્યા.

નેપાળમાં સિક્કાને અપનાવવાની મંજૂરી કેવી રીતે મળે છે

નેપાળ રાષ્ટ્ર બેંક અધિનિયમ અને નિયમાવલી મુજબ કોઈપણ નવી નોટ કે, સિક્કાની ડિઝાઇન લાગુ કરતાં પહેલાં કેટલાક તબક્કાની મંજૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલાં નોટ અને સિક્કા ડિઝાઇન સમિતિ ડિઝાઇન તૈયાર કરે છે. આ સમિતિમાં ગવર્નર, ડેપ્યુટી ગવર્નર, ઇતિહાસકાર, પુરાતત્વવિદ્, ભાષાશાસ્ત્રી અને અન્ય નિષ્ણાતો સામેલ હોય છે. ત્યારબાદ આ ડિઝાઇનને નેપાળ રાષ્ટ્ર બેંકનું ડાયરેક્ટર બોર્ડ મંજૂરી આપે છે. સાથેજ તેને નાણાં મંત્રાલય દ્વારા અંતિમ મંજૂરી માટે મંત્રીપરિષદ પાસે મોકલવામાં આવે છે. કેબિનેટની મંજૂરી વગર નવી કે, બદલાયેલી ડિઝાઇન વાળી નોટ કે, સિક્કો બહાર પાડી શકાતો નથી.

2020ના નકશા પછી ઊભો થયો વિવાદ

ભારત-નેપાળ સરહદ વિવાદ 2020માં થયો હતો. ભારતે ઉત્તરાખંડના લિપુલેખ પાસ સુધીના રસ્તાનું ઉદ્ઘાટન કર્યું. નેપાળે તેનો વિરોધ કરીને મે 2020માં નવો રાજકીય નકશો બહાર પાડ્યો, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાના વિસ્તારનો ભાગ દર્શાવ્યો. ત્યારબાદ જૂન 2020માં નેપાળની સંસદે બંધારણ સુધારો કરીને, આ નકશાને સત્તાવાર માન્યતા આપી દીધી. ત્યારથી આ જ નકશો સરકારી દસ્તાવેજો, શાળાના પુસ્તકો, પાસપોર્ટ, 100 રૂપિયાની નોટ અને 1 તથા 2 રૂપિયાના સિક્કાઓ પર વપરાઈ રહ્યો છે.

ભારતે નેપાળના આ પગલા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતનું કહેવું છે કે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા ભારતીય વિસ્તારો છે, અને સરહદ વિવાદનો ઉકેલ બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા થવો જોઈએ, એકતરફી નકશો બદલીને નહીં.