Get The App

નેપાળના PM બનતા જ બાલેન શાહના 5 મોટા નિર્ણય, સ્ટુડન્ટ પોલિટિક્સ પર પ્રતિબંધ, 5 ધોરણ સુધી પરીક્ષા નહીં

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
નેપાળના PM બનતા જ બાલેન શાહના 5 મોટા નિર્ણય, સ્ટુડન્ટ પોલિટિક્સ પર પ્રતિબંધ, 5 ધોરણ સુધી પરીક્ષા નહીં 1 - image

Nepal PM Balen Shah: નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહે પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખવા માટે 100 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો છે. ‘નેપાળ ન્યૂઝ’ના રિપોર્ટ મુજબ 35 વર્ષીય બાલેન શાહે 27 માર્ચ 2026ના રોજ પદ સંભાળતાની સાથે જ અભ્યાસને તણાવમુક્ત અને રાજકારણથી દૂર રાખવા માટે ઘણા મોટા ફેરફારો કર્યા છે.

વિદ્યાર્થી રાજકારણ પર લગાવી દીધો પ્રતિબંધ

સરકારે શાળા અને યુનિવર્સિટી કેમ્પસમાંથી રાજકીય પક્ષો સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સંગઠનોને નિર્ધારિત સમય મર્યાદામાં કેમ્પસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજકારણ ખતમ કરવા માટે આગામી 90 દિવસમાં ‘સ્ટુડન્ટ કાઉન્સિલ’ બનાવવામાં આવશે, જે કોઈપણ પક્ષના દબાણ વગર વિદ્યાર્થીઓની રજૂઆત કરશે. સરકારી આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શિક્ષકો અને કર્મચારીઓ પણ કોઈપણ રાજકીય પક્ષ કે ટ્રેડ યુનિયન સાથે જોડાઈ શકશે નહીં.

ભાર વગરનું ભણતર: 5 ધોરણ સુધી કોઈ પરીક્ષા નહીં

નાના બાળકો પર ભણતરનો બોજ ઘટાડવા માટે ગ્રેડ 5 સુધીની પરંપરાગત પરીક્ષાઓ નાબૂદ કરવામાં આવી છે. હવે બાળકોનું પરિણામ તેમના વર્તન અને ‘સાયકોલોજિકલ ઇવેલ્યુએશન’(મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન)ના આધારે તૈયાર કરવામાં આવશે. તેનો હેતુ બાળકોને ગોખણપટ્ટીવાળા અભ્યાસને બદલે સારું વાતાવરણ આપવાનો છે.

શાળાઓએ બદલવા પડશે પોતાના વિદેશી નામ

સરકારે ‘ઓક્સફોર્ડ’, ‘પેન્ટાગોન’ અને ‘સેન્ટ ઝેવિયર્સ’ જેવા વિદેશી નામ ધરાવતી શાળાઓને કડક ચેતવણી આપી છે. આ શાળાઓએ આ વર્ષના અંત સુધીમાં પોતાનું નામ બદલીને નેપાળી ઓળખ ધરાવતું નામ રાખવું પડશે. સરકારનું માનવું છે કે તેનાથી શિક્ષણમાં રાષ્ટ્રીય ઓળખને પ્રોત્સાહન મળશે.

યુનિવર્સિટી એડમિશન માટે નાગરિકતાની જરૂર નહીં

સમાવેશી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ ‘સિટિઝનશિપ સર્ટિફિકેટ’ વગર પણ બેચલર પ્રોગ્રામમાં એડમિશન લઈ શકશે. આ સાથે જ યુનિવર્સિટીએ પોતાનું પરીક્ષા કેલેન્ડર ફિક્સ કરવું પડશે અને પરિણામ પણ સમયસર જાહેર કરવા પડશે.

શિક્ષકોની પેન્શન સિસ્ટમમાં ફેરફાર

આગામી નાણાકીય વર્ષથી શિક્ષકોના પેન્શન અને તેમના રૅકોર્ડનું સંચાલન હવે કેન્દ્રના બદલે પ્રાંતીય (પ્રોવિન્શિયલ) શિક્ષણ મંત્રાલયો હસ્તક રહેશે. સરકારે વહીવટીતંત્રને રાજકારણથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચો: દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું, મશહદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક

કોણ છે બાલેન શાહ?

વ્યવસાયે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને પ્રખ્યાત રૈપર બાલેન શાહ 2025ના ‘નેપાળ gen-z પ્રોટેસ્ટ’ પછી યુવાનોનો સૌથી મોટો ચહેરો બનીને ઊભર્યા. તેમણે ભારતના નાગપુર સ્થિત VNITમાંથી M.Tech કર્યું છે. બાલેન શાહે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) બનાવી અને હાલમાં યોજાયેલી ચૂંટણીમાં જંગી જીત મેળવી નેપાળના 47મા વડાપ્રધાન બન્યા.