નેપાળમાં પૂર હોનારતના 8 દિવસ બાદ પણ મૃતદેહો મળી રહ્યા છે, કુલ મૃતકાંક 1093ને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Floods: નેપાળમાં આવેલા ભીષણ પૂર હોનારતે ભારે તબાહી મચાવી છે. દુર્ઘટનાના 8 દિવસે પણ રાહત અને બચાવ કામગીરી યથાવત છે. આમ, ઘટનાના 8 દિવસ બાદ પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. નેપાળ પોલીસના તાજેતરના આંકડા અનુસાર, મંગળવારે(1 સપ્ટેમ્બર) રાત્રે 8 વાગ્યા સુધીમાં આ દુર્ઘટનામાં 1,093 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 4,000 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
નેપાળમાં પૂર હોનારતમાં કુલ મૃતકાંક 1093ને પાર
નેપાળમાં ભયંકર પૂરની ઘટના ગત 26 ઓગસ્ટના રોજ બની હતી. જેમાં ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરથી ચારેય તરફ ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. જેમાં વિચારવામાં પણ ન મળે એટલાં થોડાક જ સમયમાં પાણી અને કાટમાળ ગામડાઓ અને નગરો પર ફરી વળ્યા હતા. ઘણી જગ્યાએ ઘરો, રસ્તાઓ અને અન્ય ઇમારતો કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.

ત્રણ મહિના માટે આપત્તિ ક્ષેત્રની ઘોષણા
નેપાળ સરકારે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે અસરગ્રસ્ત વિસ્તારને આપત્તિ સંકટ ક્ષેત્ર જાહેર કર્યો છે. સરકારના કહેવા અનુસાર, આનાથી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સંસાધનોની ઝડપી ડિલિવરીને સરળ બનાવશે. તેમજ રાહત ટીમોની વધુ અસરકારક તૈનાતીને સક્ષમ બનાવશે. સરકાર હવે બચાવ કામગીરીની સાથે રાહત અને પુનર્વસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. બચાવ કામગીરીની ટીમો કાટમાળ વચ્ચે લોકોને સતત શોધી રહી છે. આ દરમિયાન ગુમ થયેલા લોકોના પરિવારો હજુ પણ તેમના પ્રિયજનોના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.
હેલિકોપ્ટરથી દેખાઈ તબાહીની ભયંકર તસવીર
ચીન મીડિયા ગ્રુપ(CMG)ના એક પત્રકારે સોમવારે હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું. આ વિસ્તાર ચીન-નેપાળ સરહદ પર સ્થિત ગ્યિરોંગ-રસુવા સરહદ ક્રોસિંગની નેપાળી બાજુએ આવેલો છે. હવામાંથી લેવામાં આવેલી છબીઓમાં ભારે વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ રિપોર્ટ મુજબ, સરહદ ચોકી નજીકના નેપાળ બાજુના ઘણા ગામડાઓ અને નાના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ઘણા વાહનો અને ઇમારતો કાટમાળના ઊંડા સ્તરો નીચે દટાઈ ગઈ છે. જ્યાં એક સમયે માનવીઓ આવજાવ કરતાં હતા ત્યાં હવે માટી અને કાટમાળ સિવાય કંઈ દેખાતું નથી. કાદવને કારણે આ વિસ્તારમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે.

નેપાળ પૂર તબાહીમાં સૌથી વધુ પ્રભાવિત શહેર
આ તબાહીમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં સ્યાબ્રુબેંસી છે. આ શહેર સરહદ ચોકીથી સીધી રેખામાં 10 કિલોમીટરથી ઓછા અંતરે આવેલું છે. આપત્તિ પહેલા આ સ્થળ ખૂબ જ ધમધમતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
હેલિકોપ્ટર દ્વારા વિસ્તારનું સર્વેક્ષણ કરી રહેલા પત્રકારે જણાવ્યું કે, શહેરમાં નાગરિકોની હાજરી ઓછી જણાતી હતી. ફક્ત રાહત અને બચાવ ટીમોના સભ્યો જ દેખાતા હતા. આ ટીમો કાટમાળ વચ્ચે જીવન મૃત્યુનું વચ્ચે જજુમી રહેલા વ્યક્તિની શોધ કરી રહ્યા છે.
આઠ દિવસ પછી પણ બચાવ કામગીરી યથાવત
આઠ દિવસ પછી પણ બચાવ કામગીરી બંધ થઈ નથી. કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દરેક પસાર થતાં દિવસ સાથે પડકાર વધતો જાય છે. તેમ છતાં બચાવ ટીમનું શોધ કાર્ય ચાલુ છે. ચાર હજારથી વધુ લોકોના ગુમ થવાથી તેમના પરિવારોની ચિંતા વધી ગઈ છે.
નેપાળમાં પૂરમાં ગુમ થયેલા પાંચ લોકોના મૃતદેહ ભારતમાં મળ્યા
નેપાળમાં આવેલા પૂરમાં તણાઈને ગુમ થયેલા પાંચ નેપાળી નાગરિકોના મૃતદેહ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં ગંડક નદીમાંથી મળી આવ્યા છે. મંગળવારે(1 સપ્ટેમ્બર) બધા મૃતદેહો સોનૌલી સરહદ પર નેપાળ પોલીસને સોંપવામાં આવ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. કુશીનગરના બરવા પટ્ટી અને ખડ્ડા વિસ્તારમાંથી આ મૃતદેહો મળી આવ્યા હતા. તેમને સાંજે 4 વાગ્યાની આસપાસ સોનૌલી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ નેપાળના બેલાહિયા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર(SHO) સબ-ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા હતા.
અધિકારીઓ અનુસાર, મૃતદેહોને નેપાળના બુટવલ લઈ જવાયા છે. જ્યાં નેપાળ પોલીસ મૃતકોની ઓળખ કરશે. ત્યારબાદ મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવશે. નેપાળમાં સતત થઈ રહેલા વરસાદ અને અચાનક આવેલા પૂરના કારણે અનેક લોકો તણાયા છે.
મહારાજગંજમાં અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું
નેપાળ અને ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે મહારાજગંજમાં અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. વાલ્મીકિનગર ખાતે ગંડક બેરેજમાંથી 1,50,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મહારાજગંજમાં છેલ્લા 24 કલાકમાં 33.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લાનો કુલ વરસાદ 655.5 મિલીમીટર થયો છે.
મંગળવારે(1 સપ્ટેમ્બર) બપોરે 2 વાગ્યે ગંડક નદીનું પાણીનું સ્તર ઉપર તરફ 355.30 ફૂટ અને નીચે તરફ 352.60 ફૂટ નોંધાયું હતું. રોહિન નદી હાલમાં ભયના નિશાનથી નીચે વહી રહી છે. જો કે, મહાવ નાળા ભયના નિશાનથી ઉપર છે. તેનું પાણીનું સ્તર નવ ફૂટ સુધી પહોંચી ગયું છે, જ્યારે ભયનું નિશાન પાંચ ફૂટ છે. રાપ્તી, ચંદન અને પ્યાસ નદીઓનું પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. જો કે તે ભયના નિશાનથી નીચે છે.
આ પણ વાંચો: અમેરિકાના પ્રચંડ હુમલા બાદ ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડન સુધી મિસાઈલ-ડ્રોન વરસાવ્યા
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત કુમારે જણાવ્યું કે, વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એસડીએમ, તહસીલ અધિકારીઓ, સિંચાઈ વિભાગ અને પૂર નિયંત્રણ અધિકારીઓને ખાસ તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈયારીઓ સંપૂર્ણપણે ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહારાજગંજ અને નેપાળની સરહદે આવેલા વિસ્તારોમાં તમામ પાળા હાલમાં સુરક્ષિત છે.




