અમેરિકાના પ્રચંડ હુમલા બાદ ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડન સુધી મિસાઈલ-ડ્રોન વરસાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran Conflict: એક મહિનાની શાંતિ પછી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડક્યું છે. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનની અંદર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના ઠેકાણાઓ પર હુમલો કર્યો. અમેરિકાના પ્રચંડ હુમલાના જવાબમાં ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડન સુધી મિસાઈલ-ડ્રોન વરસાવ્યા છે. આમ, અમેરિકાના વળતા પ્રહારમાં ઈરાને જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ અને ત્યાં સ્થિત યુએસ મરીન બેઝને બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવ્યું હતું.
ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડન સુધી મિસાઈલ-ડ્રોન વરસાવ્યા
આ સાથે બહેરીનના શેખ ઇસા એરબેઝ પર મોટાપાયે ડ્રોન હુમલા થયો. જ્યારે કુવૈતે પણ તેમના પર થયેલા ડ્રોન હુમલાઓની પુષ્ટિ કરી છે. જોર્ડનની સેનાના જણાવ્યા અનુસાર, તેમની એર ડિફેન્સ સિસ્ટમ તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી 13 બેલિસ્ટિક મિસાઇલોમાંથી 10 ને તોડી પાડી હતી. જ્યારે બાકીની ત્રણ વસ્તીવાળા વિસ્તારોથી દૂર વિરાન વિસ્તારોમાં પડી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
IRGCએ કહ્યું કે, તેણે હુમલાખોરોને દુઃખદ જવાબ આપ્યો છે. સંગઠનનો દાવો છે કે, હુમલામાં મોટી સંખ્યામાં યુએસ સૈનિકોના મોત થયા છે. જો કે, યુએસ તરફથી આ દાવાની કોઈ પુષ્ટિ થઈ નથી. તેવામાં એક યુએસ અધિકારીએ આ દાવાને ખોટો ગણાવી કહ્યું કે, સેન્ટ્રલ કમાન્ડ(CENTCOM)ના નિવેદનમાં કોઈપણ યુએસ સૈનિકોની જાનહાનિનો ઉલ્લેખ નથી.
જ્યાં યુએસ સૈનિકો હાજર ત્યાં હુમલો?
ઈરાની મીડિયાના અહેવાલ અનુસાર, બહેરીન એરબેઝ પરના હુમલામાં રડાર સિસ્ટમ અને તે સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં યુએસ સૈનિકો હાજર હતા. જોર્ડનના મફરક શહેરમાં સાયરન સંભળાયા હતા અને હવામાં રોકેટ અટકાવવાના અહેવાલો છે.
આ સમગ્ર ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે અમેરિકાએ મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક IRGC ઠેકાણાઓ પર હુમલો કર્યો. CENTCOM એ જણાવ્યું કે, આ કાર્યવાહી સાંજે (ભારતીય સમય) શરૂ થઈ હતી અને ઈરાન દ્વારા આ વિસ્તારમાં તૈનાત વાણિજ્યિક જહાજો અને યુએસ સૈનિકોને નિશાન બનાવવાના પ્રયાસોના જવાબમાં કરવામાં આવી હતી.
ટ્રમ્પે શું કહ્યું?
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, આ હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળની ખાણો બિછાવવાના ઈરાનના નિષ્ફળ પ્રયાસ અને જોર્ડનમાં યુએસ બેઝ પર મિસાઈલ હુમલાનો જવાબ છે. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો ઈરાન ફરીથી બદલો લેશે તો તેને વધુ કઠોર અને વધુ મોટાપાયે સામનો કરવો પડશે.
ઈરાની સરકારી મીડિયાએ કેશ્મ આઈલેન્ડ, બંદર અબ્બાસ, ચાબહાર, જાસ્ક, સિરિક, અસલુયેહ, કોનારક અને લાવનમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા હતા. જ્યારે જીરોફ્ત શહેરમાં એક સિવિલિયન એરપોર્ટ પર પણ હુમલો થયો હતો. સૌથી દુ:ખદ સમાચાર સિરિકથી આવ્યા હતા, જ્યાં લગ્ન સમારોહનું આયોજન કરતા ઘર પર યુએસએ હુમલો કર્યો. ઈરાની રેડ ક્રિસેન્ટ અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા એક બાળક સહિત ચારના મોત થયા અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.




