ક્લાઈમેટ ચેન્જ માટે અમેરિકા-ભારત અને ચીનને જવાબદાર ઠેરવતા નેપાળે કહ્યું - અમને દાન નહીં, વળતર આપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ક્લાઇમેટ ચેન્જ માટે અમે જવાબદાર નથી છતાં અમે ભોગ બન્યા : નેપાળ
- હિમાલયના ગ્લેશિયરો પીગળી ગયા તો ગંગા સહિતની નદીઓમાં મોટું સંકટ આવશે, સમગ્ર દક્ષિણ એશિયાએ ભોગવવું પડશે : નેપાળના વિદેશમંત્રી
- ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયરો નાશ પામી રહ્યા હોવાથી પહાડી વિસ્તારોમાં મોટી આફત આવી રહી છે તેવો દાવો
- પર્યાવરણને નુકસાન કરતા ઝેરી ગેસ છોડવા માટે અમેરિકા, ચીન અને ભારત પણ જવાબદાર : નેપાળ
- નેપાળના એક ઘરમાંથી ૨૪ મૃતદેહો મળ્યા, કુલ મૃત્યુઆંક એક હજારને પાર, ચાર હજારથી વધુ લોકો હજુ પણ ગુમ
Nepal Flash Flood : બેફામ ઔદ્યોગિકરણ, ક્લાઇમેટ ચેન્જને કારણે નેપાળ જેવા દેશો કુદરતી આફતોનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં ભારે પૂરને કારણે એક હજારથી વધુ લોકોનો જીવ ગુમાવનારા નેપાળે હવે વિશ્વભરના દેશો પાસેથી કોઇ પણ આર્થિક સહાય નહીં પણ ક્લાઇમેટ ચેન્જ બદલ વળતર માગ્યું છે. નેપાળે કહ્યું છે કે અમને બીજી કોઇ મદદની નહીં પણ ક્લાઇમેટ વળતરની જરૂર છે.
નેપાળના વિદેશમંત્રી શિસિર ખનલે કહ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. જેને પગલે પહાડી વિસ્તારોમાં ભારે આફત આવી રહી છે. અમે એવા ગ્લોબલ વોર્મિગ સંકટનો સામનો કરી રહ્યા છીએ જેને અમે ઉભી નથી કરી. ગ્લોબલ વોર્મિંગ માટે અમે જવાબદાર નથી છતા અમે તેનો ભોગ બની રહ્યા છીએ. નેપાળ હવે મદદના બદલે ન્યાય અને વળતર તરફ આગળ વધવા માગે છે. આ કોઇ ચેરિટીનો મામલો નથી પરંતુ નૈતિક જવાબદારીનો છે. જો હિમાલયના ગ્લેશિયરોનો નાશ થશે તો ગંગા સહિતની નદીઓમાં પાણીનું મોટું સંકટ પેદા થશે. જેને પગલે દક્ષિણ એશિયામાં આફત આવશે.
નેપાળના મંત્રીએ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા ઝેરી ગેસ છોડવા બદલ અમેરિકા, ચીન અને ભારતને સૌથી વધુ જવાબદાર ઠેરવ્યા છે. નેપાળમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને એક હજારને પાર પહોંચી ગઇ છે. જ્યારે ચાર હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તિબેટ બાજુ હિમસ્ખલન, બરફના પહાડો તુટી પડતા નદીમાં ભારે પૂર આવ્યું જેને કારણે નેપાળમાં અનેક લોકો તણાઇ ગયા કે કાટમાળમાં દટાઇ ગયા. તિબેટ બાજુ પણ 16 લોકો માર્યા ગયા જ્યારે 550 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.
નેપાળમાં આવેલી કુતરતી આફતને સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતા હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. નેપાળના નુવાકોટ જિલ્લાના ભોટેકોશી પૂર પ્રભાવીત વિસ્તારમાં સામેલ બિદુર નગર પાલિકામાં એક ઘરમાં કાટમાળમાંથી 24 મૃતદેહો મળી આવ્યા હતા. મળી આવેલા મૃતદેહોમાં 13 મહિલાઓ, 11 પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. હાલમાં તમામ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ પણ ચાર હજારથી વધુ લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.




