World

VIDEO : નેપાળમાં કોમી હિંસા: તોફાનીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ, 6થી વધુ શહેરોમાં કર્ફ્યૂ, ત્રણના મોત

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
નેપાળના સુનસરી જિલ્લાના કપ્તાનગંજમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ડીજે સંગીતને લઈને શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિસ્થિતિ વણસતા સિરાહામાં ગુરુવારે બપોરે 2 વાગ્યાથી અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાગુ કરાયો છે. પોલીસ ગોળીબારમાં 1 યુવકનું મોત થયું. આ બંને જિલ્લાઓ બિહાર સરહદને અડીને આવેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : નેપાળમાં કોમી હિંસા: તોફાનીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ, 6થી વધુ શહેરોમાં કર્ફ્યૂ, ત્રણના મોત

Nepal Communal Violence : નેપાળના સુનસરી જિલ્લાના દેવાનગંજ અને કપ્તાનગંજ વિસ્તારમાં બોલબમ (કાંવડ) યાત્રા દરમિયાન શરૂ થયેલી કોમી હિંસા હવે દેશના અન્ય ઘણા શહેરોમાં ફેલાઈ ગઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી હિંસા, તોડફોડ, પથરાવ, આગજની અને પોલીસ સાથેના ઘર્ષણે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે 6થી વધુ શહેરોમાં અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાદી દીધો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને હેલિકોપ્ટર સાથે મોરચો સંભાળવાની ફરજ પડી છે.

હિંસામાં 3 લોકોના મોત અને અનેક ઘાયલ

આ હિંસક ઝઘડાઓ અને પોલીસ ગોળીબારમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ડઝનબંધ લોકો ગોળી વાગવાથી અને પથરાવમાં ઘાયલ થયા છે. ઘાયલોમાં પ્રદર્શનકારીઓ, સ્થાનિક નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પણ સામેલ છે. તોફાનીઓએ સરકારી અને ખાનગી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે તેમજ ડઝનબંધ વાહનો અને દુકાનોને સળગાવી દીધી છે.

કયા કારણોસર ભડકી હિંસા?

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, 26 જુલાઈના રોજ જ્યારે શ્રદ્ધાળુઓ પવિત્ર જળ લઈને યાત્રા કાઢી રહ્યા હતા ત્યારે ડીજેના મોટેથી વાગતા સંગીત સામે બીજા સમુદાયે વાંધો ઉઠાવ્યો હતો. આ સિવાય મંદિરની જાહેર જમીન પર મુહર્રમ નિમિત્તે લગાવવામાં આવેલો ઝંડો હટાવવા અંગે પણ લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. બોલબમ યાત્રા શરૂ થતાં જ કાંવડીયાઓ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ બંને પક્ષો લાકડીઓ, પથ્થરો, વાંસ અને લોખંડના સળિયા સાથે સામસામે આવી ગયા હતા.

અનેક શહેરોમાં કરફ્યુ અને આકાશમાંથી હેલિકોપ્ટરની વોચ

સ્થિતિ વણસતાં સુનસરી, સિરાહા, ઈનરવા, જનકપુર, ગોલબજાર અને લહાન સહિતના શહેરોમાં અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુનસરી અને સિરાહા જિલ્લાઓ ભારતના બિહાર રાજ્યની સરહદને અડીને આવેલા છે. સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જનકપુરમાં આજે બપોરે 3:30 વાગ્યાથી અને સિરાહામાં બપોરે 2:00 વાગ્યાથી અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. તણાવગ્રસ્ત વિસ્તારોમાં સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળી સેનાએ ફ્લેગ માર્ચ કરી છે તથા હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિગરાની રાખવામાં આવી રહી છે.

પરસાદના બિરગંજમાં નિષેધાત્મક આદેશો જારી

હિંસાની આગ અન્ય જિલ્લાઓમાં ન ફેલાય તે માટે નેપાળના પરસા જિલ્લાના બિરગંજમાં પણ પ્રશાસન દ્વારા નિષેધાત્મક આદેશો (Prohibitory Orders) જારી કરી દેવામાં આવ્યા છે. એટલે કે, લોકોના એકઠા થવા, સરઘસ કાઢવા, સભા યોજવા કે હથિયારો લઈને ફરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિની શાંતિની અપીલ, સરકાર વિપક્ષના નિશાના પર

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને સદીઓથી કાયમ સામાજિક, ધાર્મિક તથા જાતીય સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા લોકોને અપીલ કરી છે. બીજી તરફ, વડાપ્રધાન બાલેન શાહની સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે શરૂઆતમાં યોગ્ય પગલાં ન ભર્યા જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ.

જનજીવન અસ્તવ્યસ્ત અને આર્થિક ગતિવિધિઓ ઠપ્પ

છેલ્લા 4 દિવસથી ચાલતી અશાંતિના કારણે જનજીવન બૂરું પ્રભાવિત થયું છે. બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ છે તેમજ જાહેર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હજારો લોકો ભયના માહોલમાં ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે.