માત્ર 18 વર્ષની વયે બન્યો પ્રોફેસર! નાથન થોમસે તોડ્યો 306 વર્ષ જૂનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

18yo Becomes Youngest Male Professor: સામાન્ય રીતે 18 વર્ષની ઉંમરે યુવાનો કઈ કોલેજમાં પ્રવેશ લેવો કે પોતાની કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરતા હોય છે. પરંતુ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા નેથન થૉમસે એક એવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નેથને માત્ર 18 વર્ષ અને 346 દિવસની વયે વિશ્વના સૌથી નાની વયના પૂરુષ પ્રોફેસર બનીને 'Guinness World Records'માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. તે હાલ Miami Dade Collegeમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ તેની જ વયના અથવા તેનાથી મોટા પણ છે.
10 વર્ષની વયે કોલેજ અને 18માં પ્રોફેસર: જાણો અસાધારણ સફર
નેથનની આ સફળતા રાતોરાત નથી મળી. તેની શૈક્ષણિક સફર માત્ર 10 વર્ષની ઉંમરે શરૂ થઈ ગઈ હતી, જ્યારે તેણે સ્કૂલના શિક્ષણ સાથે ડ્યુઅલ-એનરોલમેન્ટ પ્રોગ્રામ હેઠળ મિયામી ડેડ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો હતો. જ્યાં બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય છે, ત્યાં નેથન કોલેજના જટિલ વિષયો સમજી રહ્યો હતો.
ત્યારબાદ 14 વર્ષની ઉંમરે તેણે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (FIU)માં પ્રવેશ લીધો અને ત્યાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઓનર્સ સાથે બેચલર અને માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. ઓગસ્ટ 2023માં તે ફરી એ જ મિયામી ડેડ કોલેજમાં પરત ફર્યો, પરંતુ આ વખતે એક વિદ્યાર્થી તરીકે નહીં પરંતુ એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે.
306 વર્ષ જૂનો ઇતિહાસ ધ્વસ્ત
નેથન થૉમસની આ સિદ્ધિએ સદીઓ જૂનો ઇતિહાસ બદલી નાખ્યો છે. તેણે સ્કોટિશ ગણિતશાસ્ત્રી કોલિન મેક્લોરિનનો રેકોર્ડ તોડ્યો છે, જેઓ વર્ષ 1717માં 19 વર્ષની વયે પ્રોફેસર બન્યા હતા. છેલ્લા 306 વર્ષથી કાયમ રહેલા આ રેકોર્ડને તોડીને નેથને સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને ઝનૂન આગળ ઉંમર માત્ર એક આંકડો જ બની રહે છે.
જે ક્લાસરૂમમાં ભણ્યો, ત્યાં જ શિક્ષક બનીને કમાન્ડ સંભાળી
ઓગસ્ટ 2023માં નેથનના જીવનમાં એક અનોખો મોડ આવ્યો. તે જે મિયામી ડેડ કોલેજમાં ક્યારેક એક નાના બાળક તરીકે ભણવા ગયો હતો, ત્યાં જ તે ફેકલ્ટી મેમ્બર તરીકે હાજર થયો હતો. તેણે 'COP 2270: C for Engineers' જેવો પડકારજનક કોર્સ ભણાવવાનું શરૂ કર્યું, જે ભાવી એન્જિનિયરોને C પ્રોગ્રામિંગ અને કમ્પ્યુટેશનલ પ્રોબ્લેમ-સોલ્વિંગ શીખવે છે.
પોતાની જ વયના વિદ્યાર્થીઓને ભણાવવાના અનુભવ અંગે નેથનનું માનવું છે કે શીખવું એ ક્યારેય ઉંમર સાથે બંધાયેલું નથી હોતું, તેનો મુખ્ય આધાર જિજ્ઞાસા અને કમિટમેન્ટ છે. એક એન્જિનિયર પરિવારમાં ઉછરેલા નેથન પોતાની આ સફળતાનો મોટો શ્રેય તેની માતાને આપે છે, જેમણે નાનપણમાં ગણિત અને વિજ્ઞાનને તેમના માટે રસપ્રદ બનાવ્યા હતા.
એન્જિનિયરિંગ અને પ્રોફેસર બાદ હવે કોર્ટરૂમમાં દેખાશે નવો જલવો?
પ્રોફેસર બનીને વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછી પણ નેથન થૉમસ અટકવાનો નથી. ભણાવવાની સાથે સાથે તેઓ હાલ યુનિવર્સિટી ઓફ મિયામી સ્કૂલ ઓફ લો માંથી 'જ્યુરિસ ડોક્ટર'ની ડિગ્રી પણ મેળવી રહ્યો છે, જે વર્ષ 2028માં પૂર્ણ થશે.
તેનો મુખ્ય ધ્યેય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોમાં મહારત હાસલ કરવાનો છે, જેથી તે પોતાના ટેકનિકલ અને કાનૂની જ્ઞાનના સમન્વયથી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના નવા ઇનોવેશન્સને સુરક્ષિત કરી શકે. 10 વર્ષની વયે શરૂ થયેલી આ સફર આજે વર્લ્ડ રેકોર્ડમાં બદલાઈ ચૂકી છે અને આગામી દિવસોમાં નેથન સફળતાના કયા નવા શિખરો સર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.









