- એક જ ડીલથી રાતોરાત અબજપતિ બન્યા અમન સાગર-સુઆલેહ આલિફ
- બંનેને હિસ્સા પેટે 2.7-2.7 અબજ ડોલર મળ્યા, પરંતુ આ રકમ મસ્કની સ્પેસએક્સના શેર સ્વરૂપે મળશે
નવી દિલ્હી : વિશ્વના સૌથી ધનવાન ઇલોન મસ્કની કંપની સ્પેસેક્સે એઆઈ કોડિંગ પ્લેટફોર્મ કર્સરની પેરેન્ટ કંપની એનીસ્ફીયર ૬૦ અબજ ડોલર (પાંચ લાખ કરોડ)માં ખરીદી છે. આ ડીલની ચર્ચા ખૂબ થઈ રહી છે. તેનું કારણ એ છે કે આ કંપનીને એક ભારતીય અને પાકિસ્તાનીએ ભેગા મળીને સ્થાપી છે. મસ્કે કંપની ખરીદતા બંને રાતોરાત અબજપતિ થઈ ગયા છે. અમેરિકાના સૌથી નાની વયના અબજપતિમાં સ્થાન પામ્યા છે.
આ ડીલના લીધે ભારતીય મૂળના ૨૫ વર્ષના અમન સંગર અને પાક.માં કરાચીમાં જન્મેલા ૨૬ વર્ષના સુઆલેહ આલિફ બંનેને ૨૨,૫૦૦- ૨૨,૫૦૦ કરોડ રૂપિયા મળવાના છે. અમન સંગર અને સુઆલેહ આલિફ બંનેની હિસ્સેદારી ૪.૫ અને ૪.૫ ટકા છે. બંનેના હિસ્સાનું મૂલ્ય ૨.૭ અબજ ડોલર આંકવામાં આવ્યું છે. જો કે આ ડીલ ઓલ સ્ટોક ડીલ છે. એટલે કે તેમને રોકડા રૂપિયા નહી મળે, પરંતુ સ્પેસેક્સના શેર મળશે. આના પગલે તે સીધા ઇલોન મસ્કની કંપનીના અગ્રણી શેરધારકોમાં સામેલ થઈ જશે.
કર્સર એક હાઈટેક એઆઈ સંચાલિત કોડિંગ પ્લેટફોર્મ હૈસ જો સોફ્ટવેર ડેવલપર્સને વાઇબ કોડિંગ સગવડ પૂરી પાડે છે. તેના દ્વારા ડેવલપરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અત્યંત સરળતાથી અને ઝડપથી કોડ લખી શકે છે. આજે વિશ્વના લાખો ડેવલપરોની સાથે-સાથે એનવિડીયા, એડોબ, ઉબર, શોપિફાઈ અને પેપાલ જેવી ટોચની કંપનીઓ કર્સરનો ઉપયોગ કરી રહી છે.
કંપનીનો પ્રારંભ ૨૦૨૨માં ચાર મિત્ર અમન સંગર, સુઆલેહ આલિફ, માઇકલ ટ્રુએલ અને અરવિંદ લુનેમાર્કે કર્યો હતો. આ ચારેય મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) માં ભણવા દરમિયાન મળ્યા હતા. મસ્ક સાથે ડીલના પગલે બે અન્ય સહસ્થાપકો માઇકલ અને અરવિંદને પણ ૨.૭-૨.૭ અબજ ડોલર મળશે. નવેમ્બર ૨૦૨૫માં ૨.૩ અબજ ડોલરનું ફંડિંગ મેળવ્યા પછી કર્સરનું મૂલ્ય ૨૯.૫ અબજ ડોલર હતું, જે અધિગ્રહણ પછી બમણું થઈ ગયું હતું.
સ્પેસએક્સે એપ્રિલ ૨૦૨૬માં કંપની સાથે ભાગીદારી કરી હતી. તે સમયે જ તેને ૬૦ અબજ ડોલરમાં ખરીદવાનો વિકલ્પ સુરક્ષિત કરી લીધો હતો.હવે મસ્ક તેનો ઉપયોગ કરી રહ્યા છે. એનીસ્ફીયરના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) અમન સંગરનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો, તેના પિતા અરવિંદ સાગર આઈઆઇટી મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જ્યારે માતા શિલ્પા સાગર ઓર્થોડેન્ટિસ્ટ છે. અમને ફક્ત ૧૪ વર્ષના વયે કોડિંગ શરૂ કર્યુ હતુ. તેના પછી તેમણે એમઆઇટીમાં તાલીમ લીધી હતી.
કર્સર શરૂ થઈ તે પહેલા તેમણે ગૂગલ, બ્રિજવોટર એસોસિયેટ્સ અને યુ.કોમ જેવી કંપનીઓમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર (સીપીઓ) સુઆલેહ આસિફ મૂળ કરાચીના રહેવાસી છે. તેઓ નાનપણથી જ ગણિતમાં વિલક્ષણ પ્રતિભાવાળા રહ્યા છે. મસ્ક અને સ્પેસએક્સનું આ પગલું એઆઈ કોડિંગના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિનો પ્રારંભ માનવામાં આવી રહ્યું છે.


