Get The App

મોજતબા ખામેનેઇ જીવે છે? માર્કો રુબિયોએ કર્યો ખુલાસો, ઈરાન સંગ ડીલ અંગે આપ્યું મોટું નિવેદન

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
મોજતબા ખામેનેઇ જીવે છે? માર્કો રુબિયોએ કર્યો ખુલાસો, ઈરાન સંગ ડીલ અંગે આપ્યું મોટું નિવેદન 1 - image

Mojtaba Khamenei is Alive: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈરાન પર થયેલા અગાઉના હુમલામાં ત્યાંના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના મોતના અહેવાલો વહેતા થયા હતા, જેની પર હવે અમેરિકાએ સ્પષ્ટતા કરી દીધી છે. 

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સેનેટની વિદેશ નીતિ સમિતિ સમક્ષ સત્તાવાર નિવેદન આપતા પુષ્ટિ કરી છે કે, મોજતબા ખામેનેઈ માત્ર જીવિત જ નથી પરંતુ દેશના તમામ મહત્ત્વના સૈન્ય અને વ્યૂહાત્મક નિર્ણયોમાં ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

શા માટે ઉડી હતી મોજતબા ખામેનેઈના મોતની અફવા?

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર એક મોટો હુમલો કર્યો હતો, જેમાં તત્કાલીન સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ હુમલામાં તેમના પરિવારના અન્ય સભ્યો પણ ભોગ બન્યા હતા અને તેમના પુત્ર તેમજ ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ હતા. યુદ્ધ શરૂ થયા બાદથી તેઓ ક્યારેય સાર્વજનિક રૂપે નજરે પડ્યા નથી અને માત્ર લેખિત નિવેદનો જ જાહેર કરતા હોવાથી મીડિયામાં તેમના મોતના સમાચારો વહેતા થયા હતા. જોકે, હવે અમેરિકન ગુપ્તચર સંકેતોના આધારે વિદેશ મંત્રીએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

અમેરિકા ઈરાન સાથે કરાર કરવા હજુ પણ તૈયાર

શાંતિ વાર્તા અંગે અપડેટ આપતા માર્કો રુબિયોએ જણાવ્યું કે, અમેરિકા હજુ પણ ઈરાન સાથે શાંતિ કરાર (Deal) કરવા માટે સકારાત્મક છે. આ સમજૂતી ટૂંક સમયમાં જ થઈ શકે છે, પરંતુ તેના માટે તેહરાને અમેરિકાની કેટલીક કડક શરતો માનવી પડશે:

ઈરાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) જળમાર્ગને ખુલ્લો કરવો પડશે.

આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા વેપારી જહાજો પરના હુમલા ઈરાને સંપૂર્ણપણે બંધ કરવા પડશે.

ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવો પડશે અને યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) પર તાત્કાલિક રોક લગાવવી પડશે.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન આ શરતોનું પાલન કરશે, તો જ તેને આર્થિક પ્રતિબંધોમાંથી મોટી રાહત આપવામાં આવશે.

ખાડી દેશોમાં અમેરિકન સૈન્ય મથકો પર ઈરાનનો વળતો પ્રહાર

બીજી તરફ, આ શાંતિ વાર્તાઓની વચ્ચે જ બુધવારની વહેલી સવારે ખાડી દેશોમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કુવૈત, ઈરાક, બહેરીન અને એરબિલમાં આવેલા અમેરિકન લશ્કરી મથકો પર મિસાઈલો અને ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા છે. આ હુમલાની જવાબદારી સ્વીકારતા IRGC એ જણાવ્યું છે કે તેમણે અમેરિકન ઠેકાણાઓ પર અત્યંત સચોટ મિસાઈલ મારો કર્યો છે. ઈરાનનો દાવો છે કે આ હુમલો અમેરિકા દ્વારા તાજેતરમાં ઈરાનના 'કેશ્મ દ્વીપ' (Qeshm Island) પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકનો સીધો બદલો છે.