સદીના અંત સુધી લાખો છોડની પ્રજાતિ પોતાનું કુદરતી ઘર ગુમાવશે, ક્લાઈમેટ ચેન્જના અભ્યાસનું તારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earth and Science News: પૃથ્વી પર વધતું તાપમાન હવે માત્ર માણસો કે પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ છોડોની દુનિયા માટે પણ ગંભીર ખતરો બની રહ્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યેલ યુનિવર્સિટીના અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન હાલની ગતિએ ચાલુ રહેશે તો સદીના અંત સુધીમાં વિશ્વની હજારો છોડ પ્રજાતિઓ પોતાનો મોટાભાગનો કુદરતી વિસ્તાર ગુમાવી શકે છે.
આ અભ્યાસમાં વિશ્વભરના 67000 થી વધુ વાસ્ક્યુલર પ્લાન્ટ પ્રજાતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વાસ્ક્યુલર પ્લાન્ટ એટલે એવા છોડ, જેમામાં પાણી અને પોષક તત્વો પહોંચાડતી વિશેષ નસો જેવી વ્યવસ્થા હોય છે. તેમાં વૃક્ષો, ઝાડીઓ, ઘાસ અને ફૂલધારી છોડનો સમાવેશ થાય છે. સંશોધકોના અંદાજ મુજબ, વર્ષ 2100 સુધીમાં લગભગ 7 ટકા થી 16 ટકા છોડ પ્રજાતિઓ તેમના 90 ટકાથી વધુ કુદરતી રહેઠાણ ગુમાવી શકે છે. આવી સ્થિતિ ઘણી પ્રજાતિઓને લુપ્ત થવાના સીધા જોખમ તરફ ધકેલી શકે છે.
અભ્યાસ મુજબ, ખાસ કરીને ઉષ્ણ અને સૂકા વિસ્તારોમાં આવેલા છોડ વધુ અસરગ્રસ્ત બની શકે છે. વૈજ્ઞાાનિકોએ અમેરિકાના કેલિફોનયામાં જોવા મળતા દુર્લભ કેટલિના આર્યનવૂડ વૃક્ષ અને બ્લૂઈશ સ્પાઈક મોસ નામના છોડને ગંભીર જોખમવાળા ગણાવ્યા છે. આ સિવાય આસ્ટ્રેલિયાના લગભગ એક-તૃતીયાંશ યુક્લિપ્ટસ વૃક્ષો માટે પણ ભવિષ્ય ચિંતાજનક હોવાનું કહેવામાં આવ્યું છે.
વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે હવામાન પરિવર્તન માત્ર છોડોને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં ખસેડતું નથી, પરંતુ તેમને માટે યોગ્ય પરિસ્થિતિઓનો કુલ વિસ્તાર પણ ઘટાડે છે.
તાપમાનમાં વધારો, વરસાદની બદલાતી પેટર્ન, વધતી આગની ઘટનાઓ અને જમીનની બદલાતી ગુણવત્તા છોડોના વિકાસ અને પ્રજનનને અસર કરી રહ્યા છે. કેટલાક ઠંડા વિસ્તારોમાં ભવિષ્યમાં નવા પ્રકારના છોડ ઉગવા લાગી શકે છે, કારણ કે વધતું તાપમાન ત્યાં વૃદ્ધિ માટે અનુકૂળ બનશે. પરંતુ વૈજ્ઞાાનિકો ચેતવે છે કે આ બદલાવ કુદરતી ઇકોસિસ્ટમ માટે જોખમી સાબિત થઈ શકે છે. નવા છોડ આવતા જુની પ્રજાતિઓ સાથે સ્પર્ધા વધશે અને સમગ્ર પર્યાવરણનું સંતુલન બદલાઈ શકે છે.









