| (IMAGE - IANS) |
No Kings Protests in US: અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ઈરાન સાથેના યુદ્ધ વિરુદ્ધ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. શનિવાર, 29 માર્ચ 2026ના રોજ અમેરિકાના તમામ 50 રાજ્યો અને યુરોપના અનેક શહેરોમાં 'નો કિંગ્સ'(No Kings) રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનેસોટા આ પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું, જ્યાં સેન્ટ પોલ ખાતે સ્ટેટ કેપિટલના મેદાનમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોના મતે આ રાઉન્ડમાં અંદાજે 90 લાખ લોકો સહભાગી થાય તેવી શક્યતા છે, જે અગાઉના જૂન અને ઓક્ટોબરના પ્રદર્શનો કરતા પણ મોટી સંખ્યા છે.
બ્રુસ સ્પ્રિંગસ્ટીન અને સેલિબ્રિટીઓનો ટેકો
મિનેસોટામાં યોજાયેલી મુખ્ય રેલીમાં વિખ્યાત ગાયક બ્રુસ સ્પ્રિંગસ્ટીને 'સ્ટ્રીટ્સ ઓફ મિનીપોલિસ' ગીત ગાઈને પ્રદર્શનકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ગીત તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓનો વિરોધ કરવા અને ફેડરલ એજન્ટોના હાથે જીવ ગુમાવનારા રેની ગુડ અને એલેક્સ પ્રેટીને શ્રદ્ધાંજલિ આપવા માટે લખ્યું છે. આ આંદોલનને સેનેટર બર્ની સેન્ડર્સ, અભિનેતા રોબર્ટ ડીનીરો અને જેન ફોન્ડા જેવી જાણીતી હસ્તીઓએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ દરમિયાન લોકોએ વિરોધ પ્રદર્શનમાં અમેરિકન ધ્વજ ઉંધો રાખ્યો હતો, જે પરંપરાગત રીતે દેશ સામે આવી પડેલી ગંભીર કટોકટી કે મુશ્કેલીનું પ્રતીક મનાય છે.
વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન
પ્રદર્શનકારીઓ માત્ર યુદ્ધ જ નહીં, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન કાયદાઓના કડક અમલીકરણ અને ટ્રાન્સજેન્ડર અધિકારોમાં કરવામાં આવેલા ફેરફારથી પણ નારાજ છે. વોશિંગ્ટનમાં લિંકન મેમોરિયલ પાસે લોકોએ 'પુટ ડાઉન ધ ક્રાઉન, ક્લાઉન' જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ સાથે માર્ચ કરી હતી. પ્રદર્શનકારીઓનું માનવું છે કે આ લડાઈ સરમુખત્યારશાહી વિરુદ્ધ લોકશાહી બચાવવાની છે.
સરકાર અને રિપબ્લિકન પાર્ટીનો વળતો પ્રહાર
બીજી તરફ, વ્હાઇટ હાઉસ અને રિપબ્લિકન પાર્ટીએ આ પ્રદર્શનોને ફગાવી દીધા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબિગેલ જેક્સને જણાવ્યું હતું કે આ રેલીઓ પાછળ ડાબેરી સંગઠનોનું ભંડોળ છે અને સામાન્ય જનતામાં તેને કોઈ ટેકો નથી. તેમણે આ પ્રદર્શનોને 'ટ્રમ્પ ડિરેન્જમેન્ટ થેરાપી સેશન્સ' ગણાવ્યા હતા. નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીએ પણ આ રેલીઓને 'હેટ અમેરિકા રેલી' કહીને તેની આકરી ટીકા કરી છે.
વૈશ્વિક સ્તરે પડઘા
આ વિરોધ પ્રદર્શનો માત્ર અમેરિકા પૂરતા મર્યાદિત રહ્યા નથી. લંડન, પેરિસ અને રોમ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પણ હજારો લોકોએ એકઠા થઈને યુદ્ધ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. રોમમાં પ્રદર્શનકારીઓએ ઇટાલીની સરકારની નીતિઓ તેમજ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓનો વિરોધ કર્યો હતો. પેરિસમાં સ્થાયી થયેલા અમેરિકનો અને માનવ અધિકાર સંગઠનોએ ટ્રમ્પના આ યુદ્ધોને અનૈતિક ગણાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.


