Get The App

યુદ્ધમાં સીઝફાયર છતાં સાઉદી-કતાર અને કુવૈતથી લઈને UAE કેમ ટેન્શનમાં, હાઈએલર્ટ જાહેર

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
Gulf countries high alert


(IMAGE - IANS)

Gulf countries high alert: મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામની જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જમીની સ્તરે સ્થિતિ હજુ પણ અત્યંત તણાવપૂર્ણ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આખા ખાડી વિસ્તારમાં ખતરાની સાયરન ગુંજવા લાગી હતી. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત અને કતાર જેવા દેશોમાં સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ છે. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી મિસાઈલો છોડવામાં આવી છે, જેને રોકવા માટે ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે.

સીઝફાયર છતાં ખતરો યથાવત

ખાડીના દેશોમાં સ્થિતિ એટલી નાજુક છે કે કુવૈત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સે તેમના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હોવાની પુષ્ટિ કરી છે. બહેરીનમાં પણ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સહિતના પૂર્વી વિસ્તારોમાં ચેતવણી જાહેર કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને કતાર સરકારે સુરક્ષાના ખતરાને 'હાઈ લેવલ' ગણાવીને તેના નાગરિકોને ઘરોમાં જ રહેવાની કડક સલાહ આપી છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે ભલે સીઝફાયરની વાત ચાલતી હોય, પણ ખતરો હજુ ટળ્યો નથી.

આ પણ વાંચો: 'લેબેનોનમાં કોઈ સીઝફાયર નહીં', નેતન્યાહૂની જાહેરાતથી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર સંકટ

વ્યૂહાત્મક દબાણ: ઈઝરાયલ અને અમેરિકાના એક્શન પર નજર

આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ જ છે. વિશ્વના તેલ પુરવઠા માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે અને ઈરાન તેને સંપૂર્ણપણે ખોલવા માટે હજુ પણ કેટલીક શરતો રાખી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંકેત આપ્યો છે કે જો અમેરિકા અને ઈઝરાયલ તેમના હુમલા રોકશે, તો જ ઈરાન સમગ્ર ગલ્ફ વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી બંધ કરશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેની 10 મુદ્દાની યોજના સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ સંઘર્ષનો અંત નહીં આવે. જોકે, પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી સંભવિત મંત્રણા પર હવે આખી દુનિયાની મીટ મંડાયેલી છે.

યુદ્ધમાં સીઝફાયર છતાં સાઉદી-કતાર અને કુવૈતથી લઈને UAE કેમ ટેન્શનમાં, હાઈએલર્ટ જાહેર 2 - image