World

અમેરિકાએ ફરી હુમલો કરી 4 ભારતીયોના જીવ લીધા? વિદેશ મંત્રાલયે તરત કરી ચોખવટ

By GS Team
13 Jun 20263 mins read
TukuTouch Logo
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓમાન પાસે એક ઓઈલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે (MEA) આ અહેવાલોનું ખંડન કરતા તેને સંપૂર્ણપણે 'ફેક ન્યૂઝ' ગણાવ્યા છે. જોકે, અમેરિકાએ તાજેતરમાં જ ગલ્ફ ઓફ ઓમાનમાં એક ટેન્કરને નિશાન બનાવ્યું હતું, જેમાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો નવો દાવો બીજા ટેન્કર પર હુમલા અંગેનો છે, જે સદંતર ખોટો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાએ ફરી હુમલો કરી 4 ભારતીયોના જીવ લીધા? વિદેશ મંત્રાલયે તરત કરી ચોખવટ

Image Source: Twitter

Fact Check: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓમાન પાસે એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે(MEA) આ અહેવાલોનું ખંડન કરતાં તેને સંપૂર્ણપણે 'ફેક ન્યૂઝ' ગણાવ્યા છે. જોકે, અમેરિકાએ તાજેતરમાં જ ગલ્ફ ઓફ ઓમાનમાં એક ટેન્કરને નિશાન બનાવ્યું હતું, જેમાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો નવો દાવો બીજા ટેન્કર પર હુમલા અંગેનો છે, જે સદંતર ખોટો છે.

શું છે વાઇરલ દાવો?

'India Sentinels' નામના એક X એકાઉન્ટે પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે, ઓમાન પાસે 'MT Liaki Freedom' નામના ઓઇલ ટેન્કર પર અમેરિકાએ અઠવાડિયાનો ચોથો હુમલો કર્યો છે. આ કથિત હુમલામાં ચાર ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે. આ પોસ્ટમાં વિદેશ મંત્રાલય (@MEAIndia) અને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ(@CENTCOM)ને પણ ટેગ કરવામાં આવ્યા હતા.


વિદેશ મંત્રાલયનું સ્પષ્ટીકરણ

વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે આ વાઇરલ પોસ્ટ પર લાલ રંગથી FAKEનો સિક્કો લગાવીને સત્ય સ્પષ્ટ કર્યું છે. તાજેતરની સત્તાવાર માહિતી પ્રમાણે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 'Liaki Freedom' પર હુમલો અને 4 ભારતીય નાવિકોના મોતના અહેવાલો સંપૂર્ણપણે નિરાધાર અને ખોટા છે.

અફવા ફેલાવા પાછળનું અસલી કારણ: ખાડીમાં ચાલી રહેલો તણાવ

આ ખોટા સમાચાર એવા સમયે ફેલાવવામાં આવ્યા છે જ્યારે ખાડી વિસ્તારમાં વાસ્તવમાં ભારે તણાવનો માહોલ છે. તાજેતરમાં જ ઓમાનની ખાડીમાં 'MT Settebello' નામના એક કોમર્શિયલ ટેન્કર પર અમેરિકન સૈન્ય હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના દુ:ખદ મોત થયા હતા.

આ વાસ્તવિક ઘટના પર વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાતચીત કરીને ભારતનો કડક વિરોધ નોંધાવ્યો છે અને કોમર્શિયલ જહાજો પર આવા હુમલાઓને અયોગ્ય ગણાવ્યા છે.  જયશંકરે કહ્યું કે, 'આજે સાંજે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી. મેં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌસેનાના એ હુમલાઓ સામે ભારતનો કડક વિરોધ દોહરાવ્યો છે, જેમાં ત્રણ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે.'

ભારતે આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા માટે નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસના પ્રભારી અધિકારીને પણ સમન્સ પાઠવ્યા હતા. આ અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટ(Strait of Hormuz)માંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ડ્રોન હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, 'આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.'

આ પણ વાંચો: પરમ મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ દર્દનાક રીતે જીવનનો અંત આણ્યો

'MT Settebello'ની વાસ્તવિક ઘટનાનો ફાયદો ઉઠાવીને જ 'Liaki Freedom' અંગે આ ખોટી અફવા ફેલાવવામાં આવી હતી, જેને વિદેશ મંત્રાલયે સમયસર ખુલ્લી પાડી દીધી છે. વિદેશ મંત્રાલયે સામાન્ય જનતાને અપીલ કરી છે કે, તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આવા ખોટા અને નિરાધાર દાવાઓ પ્રત્યે સતર્ક રહે અને સત્તાવાર પુષ્ટિ વિના કોઈ પણ સમાચાર પર વિશ્વાસ ન કરે.