PHOTO : 1900 ડ્રોન, 1600 બોમ્બ, 144 મિસાઈલથી મહાવિનાશક હુમલો... પુતિને યુક્રેન પર વરસાવ્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક અને વિનાશક રૂપ ધારણ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વલોદિમિર ઝેલેન્સ્કીએ ખુલાસો કર્યો છે કે, રશિયાએ માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં યુક્રેનના 16 જેટલા અલગ-અલગ વિસ્તારો પર ભારે હવાઈ હુમલા કર્યા છે. રશિયાએ આ હુમલાઓમાં લગભગ 1900 ડ્રોન, 1600 હવાઈ બોમ્બ અને 144 મિસાઈલોનો ઉપયોગ કરીને ચોતરફ વિનાશ મચાવ્યો છે.
1500થી વધુ સ્થળો ધ્વસ્ત, સેંકડો લોકો બેઘર
આ ભયાનક આકાશી હુમલાઓમાં 1500થી વધુ સ્થળોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં સેંકડો સામાન્ય લોકોના રહેણાંક મકાનો પણ સામેલ છે. સુમી, ખારકીવ, ઓડેસા, જાપોરિજ્જ્યા અને પ્રોવરી જેવા મુખ્ય શહેરોને ટાર્ગેટ કરાયા છે. લ્વીવ શહેરમાંથી સામે આવેલા આકાશી દ્રશ્યોમાં આખો એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ જમીનદોસ્ત થયેલો દેખાય છે. તબાહીના કારણે હજારો પરિવારો પોતાના ઘર ગુમાવીને રોડ પર આવી ગયા છે, જ્યારે ઈમરજન્સી ટીમો મલબામાંથી લોકોને બહાર કાઢવા રાત-દિવસ કામ કરી રહી છે.
સ્પીડ મિસાઈલે યુક્રેનની વધારી મુશ્કેલી
યુક્રેન પાસે રહેલી એર ડિફેન્સ સિસ્ટમ મોટાભાગના રશિયન ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં સફળ રહે છે, પરંતુ સ્પીડમાં આવતી બેલિસ્ટિક મિસાઈલોને રોકવી તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. રશિયા એકસાથે મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઈલો છોડીને યુક્રેનની સુરક્ષા સિસ્ટમને ઓવરલોડ કરી રહ્યું છે. શહેરોમાં સતત હુમલાના કારણે વીજળી, પાણી અને સંદેશાવ્યવહારની સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેનાથી સામાન્ય નાગરિકોનું જીવન અત્યંત કષ્ટદાયક બની ગયું છે.
ઝેલેન્સ્કીએ વિશ્વ પાસે મદદ માગી
પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશો પાસે તાત્કાલિક મદદ માગી છે. તેમણે અપીલ કરી છે કે મિત્ર દેશો પોતાના ગોડાઉનમાં મિસાઈલો રાખી મૂકવાને બદલે યુક્રેનને એન્ટી-બેલિસ્ટિક મિસાઈલો અને એર ડિફેન્સ સિસ્ટમ જલ્દીથી પૂરી પાડે. આ ઉપરાંત, તેમણે રશિયાની જે કંપનીઓ બોમ્બ અને મિસાઈલના સ્પેરપાર્ટ્સ બનાવે છે તેના પર વધુ કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાની માંગ પણ કરી છે.









