- માછીમારોને ચીની સરકારે આવા કાચબા અને માછલીઓ પકડવા આદેશ આપ્યો : સાથે ઇનામ આપવા વચન આપ્યું
બૈજિંગ : ચીને દાવો કર્યો છે કે વિદેશી જાસૂસી એજન્સીઓ તેના સમુદ્રીય ક્ષેત્રમાં સંવેદનશીલ ડેટા એકત્રિત કરવા જાસૂસ કાચબા અને જાસૂસ માછલીઓનો ઉપયોગ કરી રહી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે તેને વિદેશી એજન્સીઓ દ્વારા કરાતું અદ્રશ્ય ગુપ્ત યુદ્ધ કહ્યું છે.
શુક્રવારે વી-ચેટ મીડીયા પ્લેટફોર્મ ઉપર ચીને જણાવ્યું હતું કે, તેનાં જલ ક્ષેત્રમાં તેવા કેટલાએ સમુદ્રીય જીવો તરતા જોવા મળ્યા છે કે જેના શરીર ઉપર સેન્સર્સ લગાડાયેલા હોય છે. તે જીવો પાણીનું ઉષ્ણતામાન, ખારાપણું અને સમુદ્રીય પ્રવાહોનો રીયલ ટાઇમ ડેટા એકઠો કરી સેટેલાઇટ દ્વારા વિદેશોમાં મોકલે છે. જોકે ચીને તે જાસૂસી જીવો કયાંથી મળ્યા હતા અને તેની પાછળ કયા દેશનો હાથ હોઈ શકે તે વિષે કશું કહ્યું ન હતું.
ચીન કહે છે કે વિદેશી જાસુસી સંસ્થાઓ વર્ષોથી ચીનના નૌકાદળની ગતિવિધિઓનું વિશ્લેષણ કરવા સમુદ્રના તલનો નકશો બનાવવા તથા તેલ અને ગેસના ભંડારો શોધી કાઢવા ત્રણ પ્રકારના સમુદ્રી જાસૂસો રાખે છે.
(૧) અંડર વોટર યંત્ર : તે લાંબો સમય સમુદ્રતલમાં છૂપાઈ રહે છે અને હાઈડ્રોગ્રાફિક માહિતી તથા જહાજોની માહિતી સેન્સર્સ દ્વારા મોકલે છે.
(૨) સીક્રેટ એજન્ટ : આ જાસૂસો સમુદ્ર પ્રવાહો સાથે આગળ વધે છે અને માહિતી આપે છે.
(૩) અન્ડર વોટર લાઇટ હાઉસ : આ ઉપકરણો, વિદેશી સબમરીનોને ચીનના જલ ક્ષેત્રમાં માર્ગ દર્શાવે છે. જેથી તે સબમરીન્સ કોઇ અવરોધ વીના આગળ વધી શકે.
મંત્રાલયે તેમ પણ જણાવ્યું કે કેટલાક તેવા બોયઝ (Buoys) મળી આવ્યા છે કે જે વિદેશી સમુદ્રીય સંશોધન સંસ્થાઓ દ્વારા તૈનાત કરાયા હતા જે ચીનની સબમરીનોનો અવાજ રીયલ ટાઇમમાં ટ્રેક કરવા સક્ષમ છે, ઉપરાંત સૌર ઊર્જા અને સમુદ્રીય લહેરોથી ચાલતા એક-વેવ-ગ્લાઇડર પણ મળી આવ્યું છે. જે સૈન્ય ડેટા મોકલી રહ્યું હતું.
વિદેશીઓ ત્રણ પ્રકારે જાસૂસી કરે છે, તેની ત્રણ વિશેષતાઓ છે.
(૧) ઓટોમેટિક રીતે કે રિમોટ કંટ્રોલ દ્વારા લાંબા સમય સુધી કામ કરે છે.
(૨) તેમાં ડેટા સ્ટોર કરવા વિશ્લેષણ કરવા તથા ટ્રાન્સમીટ કરવાની જટિલ અને શક્તિશાળી ક્ષમતા છે.
(૩) આ ઉપકરણો મિશન પુરુ કર્યા પછી સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મિકેનીઝમ દ્વારા પોતાની મેળેજ પોતાનો નાશ કરે છે.
આ બધુ ધ્યાનમાં રાખી ચીને માછલી પકડનારાઓને આવા કાચબા અને માછલીઓ પકડવા માટે મોટા ઇનામની પણ જાહેરાત કરી છે.
આવી સમુદ્રીય જાસૂસી નવી વાત નથી. ૨૦૧૯માં એક બેલુગુ વ્હેલ નોર્કોના તટ ઉપરથી પકડાઈ હતી. જેની ફરતો પટ્ટો હતો જેમાં કેમેરા લગાડવાની પણ જગ્યા હતી. એવું માનવામાં આવ્યું હતું કે તે રશિયન નૌસેનાએ સમુદ્રીય જાસુસી માટે તે વ્હેલનો ઉપયોગ કર્યો હતો.


