ટ્રમ્પ સાથે ચીન જવા માટે અમેરિકાના વિદેશ મંત્રીએ 24 કલાક માટે કેમ બદલવું પડ્યું નામ? જાણો રસપ્રદ કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Marco Rubio China Visit: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વર્ષ 2020થી ચીનમાં પ્રતિબંધિત છે, તેમ છતાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલા સાથે બેજિંગ પહોંચતા વિશ્વભરમાં આશ્ચર્ય ફેલાયું છે. અહેવાલો અનુસાર, રુબિયો પરનો પ્રતિબંધ હજુ પણ અમલમાં છે, પરંતુ ચીનમાં પ્રવેશવા માટે એક ખાસ રાજદ્વારી રસ્તો શોધવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીનના રૅકોર્ડમાં તેમની સરનેમ 'રુબિયો'ને બદલે ચીની શબ્દ 'લૂ'માં કરી નાખવામાં આવી હતી, જેના કારણે તેઓ કાયદેસર રીતે ચીનમાં પ્રવેશી શક્યા.
ઉઇઘર મુસ્લિમો અંગેના નિવેદનો બન્યા હતા વિવાદનું કારણ
માર્કો રુબિયો જ્યારે સેનેટર હતા ત્યારે તેમણે ચીનમાં ઉઇઘર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચાર અંગે આકરા નિવેદનો આપ્યા હતા. તેમણે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી પર 'નરસંહાર' અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. રુબિયોએ દાવો કર્યો હતો કે ચીનમાં 10 લાખથી વધુ ઉઇઘર મુસ્લિમોને કેમ્પમાં કેદ કરવામાં આવ્યા છે અને ત્યાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ ટિપ્પણીઓને કારણે ચીને તેમના પર કાયમી પ્રતિબંધ લાદી દીધો હતો.
ચીન અને અમેરિકાનું વલણ
ચીની દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રતિબંધ રુબિયોએ સેનેટર તરીકે કરેલા કાર્યો અને શબ્દોને કારણે છે. જોકે, ટ્રમ્પના 2024માં સત્તા સંભાળ્યા બાદના પ્રથમ ચીન પ્રવાસ દરમિયાન રુબિયોની મુલાકાતને ચીને અટકાવી નથી. આ મામલે વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાક્રમ રાજદ્વારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: જરા પણ ભૂલ થઈ તો સંબંધો ખતરનાક વળાંક લેશે: ચાલુ બેઠકમાં જ જિનપિંગે ટ્રમ્પને ધમકાવ્યા!
ટ્રમ્પનો ચીન પ્રવાસ અને એજન્ડા
ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે બપોરે બેજિંગ પહોંચ્યા છે, જ્યાં તેઓ ગુરુવારે 'ગ્રેટ હોલ ઑફ ધ પીપલ'ની મુલાકાત લેશે અને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ઈરાન યુદ્ધ અને આર્થિક ખેંચતાણ વચ્ચે આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો મનાઈ રહ્યો છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે તેઓ જિનપિંગ સાથે ઈરાન યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરવાની કોઈ યોજના ધરાવતા નથી, પરંતુ અન્ય ઘણા મહત્ત્વના વિષયો પર વાતચીત થશે.









