World

18 મહિનામાં એઆઈને કારણે અનેક નોકરીઓ બદલાશે અથવા ઓટોમેટ થશે

By GS Team
19 May 20261 min read
18 મહિનામાં એઆઈને કારણે અનેક નોકરીઓ બદલાશે અથવા ઓટોમેટ થશે

- માઈક્રોસોફ્ટના એઆઈ ચીફ મુસ્તફા સુલેમાનની ચેતવણી

- લાખો વ્હાઈટ કોલર નોકરીઓને અસર થશે

- ભવિષ્યમાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ એઆઈ મોડલ બનાવવું બ્લોગ લખવા જેટલું સરળ બનશે

કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર ચેટબોટ કે ડિજિટલ સહાયકની ભૂમિકા સુધી સીમિત નથી રહ્યું. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક માઈક્રોસોફ્ટના એઆઈ ચીફ મુસ્તફા સુલેમાને ચેતવણી આપી છે કે, આગામી ૧૨થી ૧૮ મહિનામાં અનેક વ્હાઇટ-કોલર નોકરીઓ એઆઈને કારણે સંપૂર્ણપણે બદલાઈ શકે છે અથવા ઓટોમેટ થઈ શકે છે. 

સુલેમાને જણાવ્યું કે, કાયદા, એકાઉન્ટિંગ, માર્કેટિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અન્ય કમ્પ્યુટર આધારિત ઓફિસ નોકરીઓ સૌથી વધુ જોખમ હેઠળ છે. એઆઈ હવે માત્ર સહાયક ના રહીને સંપૂર્ણ કામ સંભાળતી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. કમ્પ્યુટર સામે બેસીને કરવામાં આવતી નોકરીઓ ૧૨થી ૧૮ મહિનામાં એઆઈ દ્વારા ઓટોમેટ થઈ શકે છે. એઆઈ ઝડપથી હ્યુમન-લેવલ પરફોર્મન્સ તરફ આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ અલગ એઆઈ મોડલ બનાવવું બ્લોગ લખવા જેટલું સરળ બની જશે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મેટા, માઈક્રોસોફ્ટ સહિત અનેક મોટી ટેક કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. આ સાથે જ તેમણે એઆઈમાં અબજો ડોલરનું રોકાણ વધાર્યું છે. એઆઈને લઈને એન્થ્રોપિકના સીઈઓ સહિત અનેક ટેક દિગ્ગજોએ આગાહી કરી છે કે, એઆઈ આવનારા વર્ષોમાં લાખો વ્હાઈટ કોલર નોકરીઓને અસર કરી શકે છે.