Get The App

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ વેર્યો, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ વેર્યો, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ 1 - image

Israel-US Attack on Iran : લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર શનિવારની સવારે ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો ત્યારબાદ ઈરાને વળતો પ્રહાર કરતા ઇઝરાયલ અને અન્ય કેટલાક દેશોમાં સ્થિત US મિલિટરી બેઝને ટાર્ગેટ કર્યા હતા.

201 લોકોના મોત તો 747 ઘાયલનો દાવો

ઈરાની મીડિયાએ ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીના દાવાથી કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈરાનના 24 પ્રાંતો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. સૂત્ર મુજબ આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 201 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 747થી વધુ લોકો ઘાયલ થયાનો દાવો છે. અનેક વિસ્તારોમાં રહેણાંક અને સરકારી મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તેમ છતાં એક બાદ એક હુમલાઓ થતાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

ઈરાન અને ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વાતચીત કરી છે. જે બાદ સંવાદ અને કૂટનૈતિક રીતે તણાવ ખતમ કરવા ભારતે બંને દેશોને સૂચન કર્યું છે. 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ વેર્યો, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ 2 - image

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાન અને ઈઝરાયેલના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી મહત્વની રાજદ્વારી ચર્ચા કરી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથેની વાતચીતમાં ડૉ. જયશંકરે ઈરાન અને સમગ્ર ક્ષેત્રની તાજેતરની ગંભીર સ્થિતિ અંગે ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદઓન સાર સાથેની ચર્ચા દરમિયાન ભારતે હાલના તણાવને ઘટાડવા માટે માત્ર સંવાદ અને કૂટનૈતિક જ શ્રેષ્ઠ રસ્તો હોવાનું સૂચન કર્યું છે.

દુબઈની એક હોટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

દુબઈના પ્રખ્યાત પામ જુમેરાહ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. અહીં એક હોટલમાં પણ આગ લાગી હતી. દુબઈ સિવિલ ડિફેન્સે જણાવ્યું છે કે આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પામ જુમેરાહ હોટલ પાસે આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.


બુર્જ ખલીફા ખાલી કરાવાયું

બુર્જ ખલીફાની નજીક ઈરાની શાહેદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેને લઈને સલામતીના કારણોસર વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાને પણ ખાલી કરાવવામાં આવી હોવાના અહેવાલ છે. સત્તાધીશો અત્યારે લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે.


11 દેશોના એરસ્પેસનો ઉપયોગ ન કરવા સૂચના, DGCA ની એડવાઈઝરી

ભારતના DGCAએ તમામ એરલાઇન્સને સાવચેતીના ભાગરૂપે 2 માર્ચ સુધી 11 દેશોના આકાશ (Airspace)નો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. આ દેશોમાં UAE, સાઉદી અરેબિયા, ઈરાન, ઈઝરાયેલ, લેબનોન, બહેરીન, ઓમાન, ઈરાક, જોર્ડન, કુવૈત અને કતારનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણો અને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી દ્વારા જારી કરાયેલ 'કોન્ફ્લિક્ટ ઝોન' ની માહિતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવને કારણે મુસાફરોની સુરક્ષા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો

ઈઝરાયલ અને અમેરિકા સાથેના યુદ્ધ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. IRGC નેવીએ VHF રેડિયો દ્વારા જાહેરાત કરી કે કોઈપણ જહાજોને પાર કરવાની મંજૂરી નથી અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે.

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો

અમેરિકા-ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે, અમે અમેરિકાના 14 મિલિટરી બેઝને નિશન બનાવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકાના સૈનિકો માર્યા ગયા છે.

ઈરાને કહ્યું- 'અમે વાતચીત માટે તૈયાર છીએ'

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું. NBC ન્યૂઝ સાથેના એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, 'હાલમાં બંને દેશો વચ્ચે કોઈ સીધી વાતચીત નથી, પરંતુ જો અમેરિકા વાતચીત કરવા માંગે છે તો વાતચીતના માર્ગો ખુલ્લા છે. ઈરાન તણાવ ઓછો કરવામાં રસ ધરાવે છે, જોકે આ સંઘર્ષ અમેરિકાની પસંદગીનું યુદ્ધ છે, અને તેણે તેના પરિણામો ભોગવવા પડશે.'

અરાઘચીએ ઈરાનમાં શાસન પરિવર્તનના અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ધ્યેયને "મિશન ઇમ્પોસિબલ" ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઈરાનની સૈન્ય કાર્યવાહી આ ક્ષેત્રમાં યુએસ સૈન્ય ઠેકાણાઓ સુધી મર્યાદિત છે, અમેરિકન નાગરિકોને નિશાન બનાવતી નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બંધ થયા પછી ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે.

ચીનની અપીલ- 'તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે, ઈરાનની સાર્વભૌમત્વનું સન્માન જરૂરી'

ચીને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને તાત્કાલિક યુદ્ધવિરામ માટે અપીલ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ઈરાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. ચીને ચેતવણી આપી હતી કે લશ્કરી કાર્યવાહી પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે, અને તેથી, બધા દેશોએ તણાવ વધારવાનું ટાળવું જોઈએ. બેઇજિંગે વિવાદના ઉકેલ માટે વાતચીત અને રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ચીને પ્રાદેશિક સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

દક્ષિણ ઈરાનમાં હુમલા, ઓછામાં ઓછા 70 લોકોના મોત

દક્ષિણ ઈરાનના હોર્મુઝગન પ્રાંતમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા અને 90 થી વધુ લોકો ઘાયલ થયા. અર્ધ-સરકારી ફાર્સ સમાચાર એજન્સીએ પ્રાંતના તબીબી વિજ્ઞાનના વડાને ટાંકીને આ વાત કહી છે. અહેવાલો અનુસાર, મિનાબ અને જાસ્ક શહેરો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અગાઉ, મીનાબમાં ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં 50 થી વધુ વિદ્યાર્થી માર્યા ગયા હતા. જોકે, મૃતકો અને ઘાયલોના આંકડા પુષ્ટિ કરી શકાઈ નથી.

ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે થઈ વાતચીત

યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાન પર હુમલાને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. 

તહેરાન છોડીને સુરક્ષિત સ્થળે જાઓ: ઈરાની અધિકારી

યુદ્ધ વચ્ચે ઈરાની અધિકારીએ લોકોને ખાસ આદેશ આપ્યો છે. ઈરાની અધિકારીએ કહ્યું, 'તહેરાનના નાગરિકો તહેરાન છોડીને સુરક્ષિત જગ્યા ચાલ્યા જાય.'

ચીન, રશિયા અને ફ્રાન્સે UNSCની બેઠક બોલાવી

અત્યાર સુધીમાં ત્રણ દેશોએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. જેમાં રશિયા, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે.

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર યુએન ચીફની પ્રતિક્રિયા

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'હું મધ્ય પૂર્વમાં સૈન્ય તણાવની સખત નિંદા કરું છું. ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા બળનો ઉપયોગ અને ત્યારબાદ સમગ્ર ક્ષેત્રમાં ઈરાન દ્વારા બદલો લેવાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને નબળી પાડે છે. બધા સભ્ય દેશોએ યુએન ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમની જવાબદારીઓનું સન્માન કરવું જોઈએ.'

મુંબઈ એરપોર્ટ પર 57 ફ્લાઇટ્સ રદ

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે. આજે સાંજે 5:45 વાગ્યા સુધીમાં એકલા મુંબઈ એરપોર્ટ પર કુલ 57 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેમાંથી 24 આગમન અને 33 પ્રસ્થાન હતી.

શું ખામેનેઈ જીવિત છે? ઈરાનના વિદેશ મંત્રીએ જવાબ આપ્યો

ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ NBC ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 'જ્યાં સુધી હું જાણું છું'. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ હજુ જીવિત છે.

UAE એ દાવો કર્યો છે કે પાકિસ્તાની નાગરિકનું મોત

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દાવો કર્યો છે કે ઈરાની હુમલામાં એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું છે. UAE એ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે અબુ ધાબી ઈરાની મિસાઈલોને અટકાવી રહ્યું હતું.

અમેરિકા-ઇઝરાયલના મિસાઈલ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમિર નાસિરઝાદેહ અને ઈરાની સેનાના કમાન્ડર માર્યા ગયા: સૂત્ર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રોયટર્સના અહેવાલ અનુસાર, 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) અંતર્ગત કરવામાં આવેલા ચોકસાઈપૂર્વકના મિસાઈલ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર નાસિરઝાદેહ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડા મોહમ્મદ પાકપુર માર્યા ગયા છે. આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ મથકો અને ટોચના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઈરાનની ન્યાયપાલિકાના વડા ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ પણ ઠાર થયા હોવાના અહેવાલ છે. જોકે, આ અંગે ઈરાન કે ઇઝરાયલ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી.

ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવર-જવર બંધ કરાઈ

દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પરની તમામ ફ્લાઈટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટ્સે તેની સલાહકારમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, 'અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.'

રશિયાના વિદેશ મંત્રીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે કરી વાત

યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી લાવરોવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વાતચીત કરી છે. રશિયાએ ઈરાન પર થયેલા હુમલાની નિંદા કરી છે. રશિયાએ કહ્યું કે, 'આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.'

ઓમાનની ભાવનાત્મક અપીલ

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરી રહેલા ઓમાને ભાવનાત્મક અપીલ કરી છે. ઓમાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'વિશ્વ શાંતિ માટે આ બરાબર નથી.'

અમેરિકા વિરૂદ્ધ કોલંબિયાનું નિવેદન

ઈરાન પર હુમલો થતાં કોલંબિયાએ અમેરિકાને લઈને કહ્યું કે, 'ઈરાન પર હુમલો કરીને ટ્રમ્પે મોટી ભૂલ કરી છે.'

ઈરાન પર એક તરફી હુમલો યોગ્ય નહીં: સ્પેન

અમેરિકા-ઇઝરાયલના હુમલા પર સ્પેને કહ્યું કે, 'ઈરાન પર એક તરફી હુમલો યોગ્ય નહીં, આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.'

તાત્કાલિક UNSCની બેઠક બોલાવવામાં આવે: ફ્રાંસ

હુમલા વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'તાત્કાલિક સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક બોલાવવામાં આવે.'

સીરિયામાં 4 લોકોના મોત

સીરિયાના સ્વીડામાં બિલ્ડિંગ પર ઈરાનની મિસાઈલ પડતા 4 લોકોના મોત થયા છે.

દુબઈ એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ, દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અધવચ્ચેથી પરત ફરી

દુબઈ એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તિરુચિરાપલ્લીથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 613) ને અધવચ્ચેથી જ પરત બોલાવી લેવામાં આવી છે. 145 મુસાફરોને લઈને વિમાને બપોરે 12:45 વાગ્યે ઉડાન ભરી હતી. આ સિવાય કતાર એરસ્પેસ બંધ થયા બાદ કતાર એરવેઝની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી. બીજી તરફ યુએઈના અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે.

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ વેર્યો, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ 3 - image

ઇઝરાયલ ઈરાન પર વધુ શક્તિશાળી હુમલા કરશે

IDFએ કહ્યું કે, ઈરાન પર હુમલા તેજ કરવામાં આવશે. ઈરાને અમારી બોર્ડર તરફ મિસાઈલો છોડી છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ પર એક નિવેદન આપ્યું છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને કહ્યું, 'અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઝડપથી વધી રહેલો તણાવ અત્યંત ચિંતાજનક છે. મધ્ય પૂર્વમાં દરેક ભારતીય નાગરિકની સલામતી આપણી ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ. હું ભારત સરકારને આપણા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને સક્રિય પગલાં લેવા વિનંતી કરું છું.'

મિનાબની સ્કૂલ પર ઇઝરાયલ-અમેરિકાનો હુમલો, 36 વિદ્યાર્થીઓના મોત: ઈરાન

ઇઝરાયલ-અમેરિકા તરફથી ઈરાન પર મોટો હુમલો કરાયો છે. સૂત્રોના દાવા અનુસાર, મિનાબ સ્કૂલમાં બોમ્બમારો કરાતા 36 જેટલા વિદ્યાર્થીઓના મોત થયાની આશંકા છે. મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ પણ છે.

સામે આવ્યા ખામેનેઈ

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે, ત્યારે એવી ચર્ચા છે કે, સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ વચ્ચે ઈરાને નેશનલ સુપ્રીમ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી એક તસવીર જાહેર કરી છે, જેમાં ખામેનેઈ બેઠેલા જોવા મળી રહ્યા છે.

દુશ્મનોને છોડીશું નહીં: ઈરાન

ઈરાનના વિદેશ મંત્રાલયે ઇઝરાયલી હુમલાને ક્ષેત્રીય અખંડતા અને રાષ્ટ્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલે એવા સમયે હુમલો કર્યો, જ્યારે ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી હતી. ઈાનની સેના હુમલાખોરોને આકરો જવાબ આપશે. આ હુમલો યુનાઇટેડ નેશનસ્ ચાર્ટરના આર્ટિકલ 2(4)નું ઉલ્લંઘન છે. ઈરાન UN ટૂંક સમયમાં જ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાની અપીલ કરે છે. ઈરાનીઓએ ક્યારેય વિદેશી હુમલાઓ અને દબદબાની આગળ હાર નથી માની, આ વખતે પણ ઈરાની દેશનો જવાબ નિર્ણાયક અને પાક્કો હશે અને હુમલાખોરોને તેના ગુના માટે પછતાવો કરાવશે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

UAE પર ઈરાની બેલિસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો: સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર જાહેરાત

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'UAE પર આજે ઈરાની બેલિસ્ટિક મિસાઈલો દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે UAE ની એર ડિફેન્સ સિસ્ટમે અત્યંત કાર્યક્ષમતા સાથે આ મિસાઈલોનો સામનો કર્યો અને કેટલીક મિસાઈલોને સફળતાપૂર્વક આંતરી લીધી હતી (હવામાં જ તોડી પાડી હતી).

UAE ના અધિકારીઓએ રહેણાંક વિસ્તારમાં પડેલા મિસાઈલના કેટલાક કાટમાળના કારણે થોડું મિલકતનું નુકસાન થયું છે. આ પડેલા કાટમાળને કારણે એશિયન રાષ્ટ્રીયતા ધરાવતા એક નાગરિકનું મૃત્યુ પણ થયું છે.

સત્તાધિકારીઓએ પુષ્ટિ કરી છે કે UAE માં સુરક્ષાની સ્થિતિ હાલ સ્થિર છે અને તમામ સંબંધિત સંસ્થાઓ ચોવીસે કલાક ઘટનાક્રમ પર નજર રાખી રહી છે..."

સંયુક્ત અરબ અમીરમાં 1નું મોત

સંયુક્ત અરબ અમીરાત(UAE)માં ઈરાનના મિસાઈલ હુમલાથી એક વ્યક્તિનું મોત થયાની પુષ્ટિ થઈ છે. સરકારી સમાચાર એજન્સી WAMએ આ મોતની માહિતી આપી.

ઇઝરાયલના હુમલામાં 5 વિદ્યાર્થીઓના મોત: ઈરાની મીડિયા

ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈઝરાયલે એક સ્કૂલને નિશાન બનાવી હતી જેમાં પાંચ વિદ્યાર્થિનીઓના મોત નીપજ્યા હતા. જ્યારે કતારમાં કરાયેલા ઈરાની હુમલામાં 3 નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી અત્યાર સુધી સામે આવી છે. એવા પણ અહેવાલ છે કે અબુધાબીમાં એરપોર્ટની નજીક જ હુુુુમલા કરવામાં આવ્યા હતા. 

UN તાત્કાલિક બેઠક બોલાવે: ઈરાન

ઈરાનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. UNSCની તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવવામાં આવે. ઈરાન વિરૂદ્ધ કાર્યવાહી રોકવાની અપીલ કરાઈ છે.

ઈઝરાયલનો મોટો દાવો, ખામેનેઈ અને પેઝેશ્કિયાનને નિશાને લીધા

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને નિશાન બનાવ્યા છે. અમે આ હુમલાઓના રિઝલ્ટ આવવાની રાહ જોઈ રહ્યા છીએ. 

ગલ્ફ દેશોમાં એર ઈન્ડિયાએ તમામ ફ્લાઈટ્સ રદ કરી

યુદ્ધની સ્થિતિ સર્જાતા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ગલ્ફ દેશોમાં સંચાલિત તમામ ફ્લાઈટ્સ રદ કરી છે.

ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

ઈરાનમાં હાલ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગ કરી છે કે તેમને તાત્કાલિક ઈરાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવે.

ઉત્તર ઇઝરાયલ પર ઈરાનનો મોટો હુમલો

ઈરાને ફરી ઇઝરાયલ પર હુમલા કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર ઇઝરાયલમાં એક 9 માળની બિલ્ડિંગ પર ઇઝરાયલે હુમલો કર્યો હોવાનો દાવો કરાયો છે. જેને લઈને મોટું નુકસાન થયાની આશંકા છે.

ઈઝરાયલે કહ્યું - અમે 70 હજાર રિઝર્વ ફોર્સને બોલાવીશું 

ઈરાન સાથે ભયાનક યુદ્ધ શરૂ થતાં જ ઈઝરાયલે કહ્યું છે કે અમે અમારા 70 હજાર રિઝર્વ ફોર્સને પણ બોલાવીશું. 

UAEની ઈરાનને ધમકી

ઈરાનના હુમલા બાદ UAEએ પ્રતિક્રિયા આપી છે કે, 'ઈરાનના હુમલાનો અમે પણ જવાબ આપીશું'

ઈરાને કયા કયા 8 દેશ પર કર્યા એટેક 

અમેરિકા અને ઈઝરાયલના હુમલાને કારણે અકળાયેલા ઈરાને મધ્યપૂર્વમાં વિવિધ દેશોમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાને લેવાનું શરૂ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં કુલ 8 દેશોમાં મિસાઈલો ઝીંકી છે. જેની યાદી નીચે મુજબ છે. 

1. ઈઝરાયલ

2. જોર્ડન 

3. ઈરાક

4. કુવૈત

5. સાઉદી અરબ

6. યુએઈ

7. બહેરીન

8. કતાર 

પરમાણુ પ્રોજેક્ટ અંગે કોઈ સમાધાન નહીં : ઈરાન 

ઈરાનના અધિકારીએ હવે અમેરિકા અને ઈઝરાયલના હુમલાને પગલે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે પરમાણુ પ્રોજેક્ટ અંગે કોઈ સમાધાન કે વાતચીત નહીં થાય. 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો અસલ રંગ બતાવ્યો : રશિયા 

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતાં રશિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતાને શાંતિદૂત કહે છે. પણ તેમણે હવે પોતાનો અસલ રંગ બતાવી દીધો છે. 

યુદ્ધની સ્થિતિ વચ્ચે યમનનું મોટું એલાન, જહાજોની અવર જવર વચ્ચે રાતો સમુદ્ર સંપૂર્ણપણે બંધ 

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિને જોતાં યમન પણ હવે ઈરાનની વહારે આવ્યું છે અને તેણે એક મોટો નિર્ણય લેતા રાતા સમુદ્રને જહાજોની અવર-જવર માટે બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હવે યમન પણ ઈરાન સાથે મળીને ઈઝરાયલ અને અમેરિકા પર હુમલા કરી રહ્યું છે.  

યમન અને લેબેનોને પણ ઈઝરાયલમાં શરૂ કર્યા હુમલા 

ઈરાનના કથિત સાથીદારો લેબેનોન અને યમને પણ ઈઝરાયલમાં મિસાઈલ હુમલા શરૂ કરી દીધાના અહેવાલ સામે આવ્યા છે. યમનમાં હૌથીઓ દ્વારા એક પછી એક અનેક મિસાઈલો ઈઝરાયલ તરફ દાગવામાં આવી રહી છે. જ્યારે લેબેનોનમાં હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા ઈઝરાયલને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.  

ધ સીઝ ઓફ ખૈબર ઓપરેશન નામે ઈરાને શરૂ કરી કાર્યવાહી 

ઈરાને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશનને ધ સીઝ ઓફ ખૈબર નામ આપ્યું છે. 

અમેરિકાએ જેરુસલેમમાં એડવાઈઝરી જાહેર કરી 

આ દરમિયાન જેરુસલેમમાં આવેલી અમેરિકાની એમ્બેસીએ એક એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે અમે ઈઝરાયલમાં રહેતા અમેરિકન નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સુરક્ષિત સ્થાનો પર ખસી જાય.  

ઈઝરાયલના ઉત્તર વિસ્તારમાં ઈરાનનો મોટો હુમલો 

ઈરાને પણ આ વખતે તૈયારી કરી રાખી હોય તેવું લાગી રહ્યું છે. ઈઝરાયલના ઉત્તર ભાગમાં તાત્કાલિક ધોરણે ઈરાને વળતો પ્રહાર કરતાં તબાહી મચાવી હતી. ઠેક ઠેકાણે મિસાઈલ મારો ચલાવ્યો હતો.  

નેતન્યાહૂનું પ્રથમ નિવેદન, ઈરાને પરમાણુ પ્રોજેક્ટ બંધ કરવો જ પડશે 

ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાની શરૂઆત કરાયા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ દેશના નામે એક સંબોધન જાહેર કરતાં કહ્યું કે ઈરાને તેનો પરમાણુ પ્રોજેક્ટ બંધ કરવો જ પડશે. આઈઆરજીસી સરેન્ડર કરે અથવા મોતનો સામનો કરવા તૈયાર રહે. નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને અમારા ઈઝરાયલીઓને માર્યા છે. અમે અસ્તિત્વના ખતરાને ટાળવા માટે ઈરાન પર હુમલો કર્યો છે. 

ઈરાનનું એર સ્પેસ બંધ થતાં જુઓ કેવી સ્થિતિ? 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ વેર્યો, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ 4 - image

ઈરાને આપ્યો જવાબ  

ઈરાને પણ હવે ઈઝરાયલ પર વળતો હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે. ઈરાન તરફથી મિસાઈલો ઝીંકવામાં આવી રહી છે. ઈરાને એકસાથે 70થી વધુ મિસાઈલો ઝીંકીને ઈઝરાયલમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો છે. ઈરાનના હુમલાને પગલે ઈઝરાયલમાં સતત સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયલી સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટી કરી દીધી છે. આ સાથે ઈઝરાયલે તેની ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને એક્ટિવ કરી દીધી છે. 

આયતુલ્લાહ ખામેનેઈએ અમેરિકા-ઈઝરાયલ પર વળતો પ્રહાર કરવાનો આદેશ આપ્યો 

અત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આયતુલ્લાહ ખામેનેઈ જે ઈરાનના સુપ્રીમ લીડર છે તેમણે અમેરિકા અને ઈઝરાયલ પર વળતો પ્રહાર કરવા અને મિસાઈલોનો મારો ચલાવીનો આદેશ આપી દીધો છે. 

ઈઝરાયલ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પરત 

દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાછી આવી ગઇ છે. કારણ કે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા કર દેતા ઈઝરાયલ અને ઈરાનના એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે.  

ઈરાનમાં ઈન્ટરનેટ બંધ 

ઈઝરાયલ અને અમેરિકાના હુમલાને પગલે ઈરાનમાં તાત્કાલિક ધોરણે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે અહેવાલ મળી રહ્યા છે કે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના વધુ એક શહેર બંદર અબ્બાસ પર મોટો હુમલો કર્યો છે. 

IRGC વળતો હુમલો કરવાની તૈયારીમાં 

સૂત્રોના જણાવ્યાનુસાર IRGC એ પણ અમેરિકા અને ઈઝરાયલ પર વળતો હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. હવે ગમે તે ઘડીએ મધ્યપૂર્વમાં ભીષણ યુદ્ધ સર્જાઈ શકે છે. મધ્યપૂર્વમાં અમેરિકાના વિવિધ સૈન્ય ઠેકાણાઓ તથા ઈઝરાયલ ઈરાન દ્વારા પ્રચંડ હુમલા કરવામાં આવી શકે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું પ્રથમ નિવેદન 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઈલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું. 

ઈરાનમાં ગૃહયુદ્ધ ભડકાવવાની ટ્રમ્પની કોશિશ! 

ટ્રમ્પે ઈરાનના નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે તમે રસ્તા પર ઉતરી આવો અને ઈરાનની સત્તા પર કબજો કરી લો. આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાના સૈનિકો પણ જીવ ગુમાવી શકે છે. અમે મધ્યપૂર્વમાં અમારા તહેનાત લડાકૂ વિમાનો દ્વારા ઈરાનને નિશાન બનાવી રહ્યા છીએ. 

મધ્યપૂર્વના અનેક દેશોમાં હાઇઍલર્ટ 

ઈરાન પર હુમલાની સાથે જ યુદ્ધની સંભાવનાઓને જોતા મધ્ય પૂર્વના અનેક દેશોમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પડતાં ઈરાકે પણ તેનું એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કારણ કે ઈઝરાયલ દ્વારા બેફામ રીતે ઈરાન પર મિસાઇલ હુમલા કરવામાં આવી રહ્યા છે. 

ઈઝરાયલે આ ઓપરેશનને શીલ્ડ ઑફ જુદાહ નામ આપ્યું 

ઈઝરાયલે ફરી એકવાર ઈરાન પર હુમલા કરવાની શરુઆત કરી છે. આ ઓપરેશનને ઈઝરાયલે શીલ્ડ ઑફ જુદાહ નામ આપ્યું છે. આ ઓપરેશન હેઠળ ઈઝરાયલે ઈરાન પર અનેક મિસાઇલો ઝીંકી હતી. તેના પગલે ઈરાને પણ ઍલર્ટ થતાં પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.  

ઈરાનના રાષ્ટ્રપતિના ઘરે હુમલો 

ઈઝરાયલે ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનના ઘરે હુમલો કર્યો છે. અનેક મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણાને નિશાન બનાવાયા છે. ઈરાનની ગુપ્તચર એજન્સીના કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે. 

અમેરિકા પણ ઍલર્ટ થયું 

ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખી અમેરિકા પણ ઍલર્ટ થઈ ગયું છે. સંભવિત ઈરાની હુમલાથી બચવા માટે અમેરિકાએ કતારમાં તેના એરબેઝને ઍલર્ટ પણ રાખી દીધું છે. 

તહેરાન સહિતના વિવિધ ઍરપોર્ટને નિશાન બનાવાયા 

ઈઝરાયલના આ હુમલામાં તહેરાન, મહેરાબાદ સહિત વિવિધ ઍરપોર્ટને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ધુમાડાના ગોટેગોટા હવામાં અનેક કિ.મી. દૂરથી જોઈ શકાતા હતા. ઈરાની મીડિયાએ પણ ઈઝરાયલના હુમલાની પુષ્ટિ કરી દીધી છે. તહેરાનમાં અનેક વિસ્તારોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયલે આ હુમલો કર્યા બાદ ઈરાનના વળતા પ્રહારના ડરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. 

ઈઝરાયલનું પ્રથમ રિએક્શન 

ઈઝરાયલે આ હુમલા અંગે કહ્યું કે અમે ઈરાનના હુમલાથી બચવા માટે આ કાર્યવાહી કરી છે. જો અમે હુમલો ના કર્યો હોત તો ઈરાને અમારા પર હુમલા શરુ કરી દીધા હોત. 

ઈઝરાયલનો ઈરાન પર પ્રહાર

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ઈઝરાયલ પર રહેલા જોખમોને દૂર કરવા માટે સેનાએ ઈરાન વિરુદ્ધ પૂર્વ-નિયોજિત કાર્યવાહી હાથ ધરી છે. આ જાહેરાતની સાથે જ કાત્ઝે સમગ્ર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી 'સ્ટેટ ઑફ ઈમરજન્સી' (કટોકટીની સ્થિતિ) લાગુ કરી દીધી છે.

સમગ્ર દેશમાં સાયરનનો ગુંજારવ

ઈરાન પર થયેલા આ હુમલા બાદ વળતા જવાબની આશંકાએ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા છે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સ(IDF)ના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને બોમ્બ શેલ્ટર્સ(રક્ષણાત્મક આશ્રયસ્થાનો)ની નજીક રહેવાની સૂચના આપી છે.

નાગરિકો માટે એડવાઇઝરી

IDF એ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતાં નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આસપાસના સુરક્ષિત સ્થળોની જાણકારી રાખવી જોઈએ. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ સાવચેતીભર્યા ઍલર્ટનો હેતુ લોકોને સંભવિત મિસાઇલ હુમલાઓ માટે તૈયાર કરવાનો છે. જોકે, હાલના તબક્કે નાગરિકોને સીધા શેલ્ટરમાં જવાની જરૂર નથી, પરંતુ તૈયાર રહેવા જણાવાયું છે.