World

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 40થી વધુના મોત

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં બલૂચિસ્તાન-ખૈબર પખ્તુનખ્વા સરહદ નજીક એક દર્દનાક બસ દુર્ઘટના બની છે. શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાંથી ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જતી મુસાફરો ભરેલી બસ ઊંડી ખાઈમાં ખાબકતા 40 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 8 ગંભીર રીતે ઘાયલ થયા છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 40થી વધુના મોત

Pakistan Bus Accident: પાકિસ્તાનમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં આશરે 40 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા સરહદ નજીક સર્જાઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે બલૂચિસ્તાનના શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાંથી ઉપડેલી આ બસ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહી હતી, તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ સીધી ખાઈમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

બચાવ કામગીરી શરૂ: મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

બલૂચિસ્તાનના મુખ્યમંત્રીના મીડિયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહિદ રિંદે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, શરૂઆતી અહેવાલો મુજબ આ અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાજ બુગતીના આદેશ પર તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બંને પ્રાંતોનું જિલ્લા વહીવટીતંત્ર, રેસ્ક્યૂ ટીમો અને અન્ય સંબંધિત વિભાગો પ્રભાવિત લોકોને બહાર કાઢવા અને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રીએ આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે.

બીજી બસ બગડતા તેના મુસાફરો પણ આ જ બસમાં સવાર થયા હતા

શેરાનીના ડેપ્યુટી કમિશનરે ઘટનાસ્થળની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બસ 36 મુસાફરોને લઈને ક્વેટાથી રવાના થઈ હતી. પરંતુ રસ્તામાં અન્ય એક બસ બગડી ગઈ હોવાના કારણે તેના મુસાફરોને પણ આ જ બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

બીજી તરફ, KP રેસ્ક્યૂ 1122ના નિવેદન અનુસાર, જ્યારે બસ ખાઈમાં પડી ત્યારે તેમાં કુલ 48 મુસાફરો સવાર હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઝોબ ઈમરજન્સી સર્વિસ અને રેસ્ક્યૂ 1122ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.