હોર્મુઝમાં મોટી દુર્ઘટના ! દરિયામાં માઈન સાથે ઓઈલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Oil Tanker Explodes In Strait Of Hormuz : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી પસાર થઈ રહેલું એક ઓઈલ ટેન્કર, સમુદ્રી માઈન સાથે અથડાયા બાદ વિસ્ફોટ થયો હોવાનો દાવો ઈરાની મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ટેન્કર પોતાના નક્કી કરેલા દરિયાઈ માર્ગથી ભટકી ગયું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઈરાનની ન્યૂઝ એજન્સી 'તસ્નીમ' (Tasnim)ના જણાવ્યા અનુસાર, ટેન્કર ઈરાન તરફથી નક્કી કરવામાં આવેલા દરિયાઈ માર્ગથી ભટકી ગયું હતું, જે બાદ તે સમુદ્રી માઈન સાથે અથડાયું અને તેમાં વિસ્ફોટ થયો. રિપોર્ટ મુજબ, આ અકસ્માત વિશ્વના સૌથી વ્યૂહાત્મક અને વ્યસ્ત તેલ વેપાર માર્ગોમાંથી એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થયો છે, જ્યાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે.
વિસ્ફોટ અને તેના કારણો અંગે હજુ રહસ્ય
જોકે, આ ઘટના અંગે ઈરાની અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેથી ટેન્કરમાં વિસ્ફોટ અને તેના કારણોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. ટેન્કરની ઓળખ, તેમાં રહેલા ક્રૂ મેમ્બર્સ, તે ક્યાં જઈ રહ્યું હતું, અને કયા દેશનું હતું, તેમજ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે અંગેની કોઈ માહિતી હજુ સામે આવી નથી. આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે અખાતી ક્ષેત્રમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે, છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે તણાવ ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે લશ્કરી અભિયાન શરૂ કર્યા બાદ, ઈરાને અસરકારક રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધું છે, જેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા વેપાર માર્ગોમાંથી એક પર દરિયાઈ વાહનોની અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું મહત્વ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં ગણાય છે. સાઉદી અરેબિયા અને કુવૈત સહિત ખાડીના મુખ્ય તેલ ઉત્પાદક દેશોનું ક્રૂડ ઓઈલ આ જ રસ્તેથી એશિયા, યુરોપ અને વિશ્વના અન્ય બજારો સુધી પહોંચે છે. આવી પરિસ્થિતિમાં આ જળમાર્ગમાં કોઈ પણ પ્રકારના અવરોધની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને ક્રૂડ ઓઈલના ભાવ પર પડે છે. આ જ કારણ છે કે, હોર્મુઝમાં બનતી દરેક ઘટના પર વિશ્વભરના ઊર્જા બજારોની તીક્ષ્ણ નજર રહે છે.









